એસ્ટ્રોનોમી-એસ્ટ્રોફિઝિક્સના સંશોધક ડો. પંકજ જોશી ચારુસેટના પ્રોવોસ્ટપદે નિયુક્ત


ડો. પંકજ જોશીનું હાર્દિક સ્વાગત કરવા માટે યોજાયેલી બેઠકમાં ડો. કોસ્ટા, બિમલ પટેલ, સુરેન્દ્ર પટેલ, ડો. બી. જી. પટેલ, દેવાંગ પટેલ ઇપ્કોવાલા, ડો. એમ. સી. પટેલ સહિત ચારુસેટની ગવર્નિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્યો (જમણે) ડો. પંકજ જોશીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરતા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ડિરેક્ટર ડો. બિમલ પટેલ. (બન્ને ફોટોઃ અશ્વિન પટેલ, આણંદ)

ચાંગાઃ વિશ્વસ્તરે ખ્યાતિપ્રાપ્ત એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સના સંશોધક અને વિદ્વાન ડો. પંકજ જોશીની ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના તૃતીય પ્રોવોસ્ટ તરીકે નિયુક્તિ થઈ છે. ડો. પંકજ જોશીના માર્ગદર્શન હેઠળ ચારુસેટમાં એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સ ક્ષેત્રે સંશોધનકાર્ય હાથ ધરવામાં આવશે. ડો. પંકજ જોશી મુંબઈસ્થિત પ્રખ્યાત ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં ડિપાર્ટમેન્ટ ઓફ એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સમાં સિનિયર પ્રોફેસર તરીકે સેવા આપી ચૂક્યા છે.
તેમણે યુકેસ્થિત કેમ્બ્રિજ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ સાઉધમ્પટન, યુએસએસ્થિત હાર્વર્ડ યુનિવર્સિટી, ન્યુ યોર્ક યુનિવર્સિટી, પિટ્સબર્ગસ્થિત યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગ, ઓસાકાસ્થિત ઓસાકા સિટી યુનિવર્સિટી, યુએસસ્થિત યુનિવર્સિટી ઓફ સિનસિનાટીમાં એક્સપર્ટ ફેકલ્ટી અને વિઝિટિંગ સાયન્ટિસ્ટ તરીકે યોગદાન આપ્યું છે. તેમણે જનરલ રિલેટિવિટી અને કોસ્મોલોજી વિષયોના રિસર્ચ સાથે બ્લેક હોલ ફિઝિક્સ અને ગ્રેવિટેશનલ થિયરીમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમણે બ્લેક હોલ વિશે રજૂ કરેલી નેકેડ સિંગ્યુલારિટી નામની થિયરીનો વિશ્વ સ્તરે સ્વીકાર થયો છે.
બ્લેક હોલ અને તારાના મૃત્યુ પછીની સ્થિતિ અંગે ડો. પંકજ જોશીએ કરેલું સંશોધન વૈશ્વિક બન્યું છે. તેમના આ સંશોધને તેમને મહાન વિજ્ઞાની સ્ટીફન હોકિંગ, ગુરુત્વાકર્ષણના તરંગોની શોધ માટે જેમને નોબલ પ્રાઇઝ મળ્યું તે કીપ થોર્પ, રોઝર પેનોઝ, અને એસ. ચંદ્રશેખર જેવા દિગ્ગજ વિજ્ઞાનીઓની શ્રેણીમાં લાવીને મૂકી દીધા છે. સ્ટીફન હોકિંગે તેમની થિયરી સ્વીકારી તેમને 1983માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આમંત્રણ આપીને બોલાવ્યા હતા. તેમના આ સંશોધન પર વિશ્વવિખ્યાત જર્નલોમાં 200થી પણ વધારે રિસર્ચ પેપર્સ પબ્લિશ થયેલા છે, જેમાં ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ પબ્લિકેશનનો પણ સમાવેશ થાય છે.
ડો. જોશીને અનેકવિધ પુરસ્કારો અને સન્માનોથી નવાજવામાં આવ્યા છે, જેમાં મુખ્ય 1991માં યુએસસ્થિત ગ્રેવિટી રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ફાઇનલ ફેટ ઓફ ગ્રેવિટેશનલ કોલેપ્સ માટે આપવામાં આવેલા અવોર્ડનો સમાવેશ થાય છે. તેઓએ સાયન્સ અને કોસ્મોલોજી પર 15થી પણ વધારે પુસ્તકો લખેલાં છે, જેમાં ઘણાં પુસ્તકોની ત્રણથી ચાર આવૃતિઓ પબ્લિશ થઈ ચૂકી છે, જેમાંના એક પુસ્તક ‘તારાસૃષ્ટિ’ની ચોથી આવૃત્તિ પબ્લીશ થયેલી છે. તેઓનું સૌથી વધુ લોકપ્રિય પુસ્તક ‘કુતૂહલ’ છે, જે છ ભાગમાં વહેંચાયેલું છે અને તેની ત્રણ આવૃત્તિ પબ્લિશ થઈ છે.
તાજેતરમાં યોજાયેલી ચારુસેટની ગવર્નિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની વિશેષ સંયુક્ત બેઠકમાં ચારુસેટના તૃતીય પ્રોવોસ્ટ ડો. પંકજ જોશીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજના પ્રાઇવેટાઇઝેશન અને સેલ્ફ ફાઇનાન્સિંગ યુગમાં શિક્ષણ સાથે ઘણા મોટા પ્રમાણમાં સમાધાન કરવામાં આવે છે ત્યારે ચારુસેટના મેનેજમેન્ટ દ્વારા એક નીડર પગલું ભરવામાં આવ્યું છે. ચારુસેટને વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી બનવવાનું સ્વપ્ન સેવેલું છે અને આ સ્વપ્નને સાકાર કરવા માટે એક સશક્ત લીડર તરીકે સર્ચ કમિટીની ભલામણ તેમ જ મેરિટ અને સમાજ-ઉત્થાનને લગતાં કાર્યોને આધારે ડો. જોશીની ચારુસેટના ત્રીજા પ્રોવોસ્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ડો. પંકજ જોશીએ ચારુસેટને વર્લ્ડ-કલાસ યુનિવર્સિટી બનાવવાના ઉદ્દેશ્ય પરત્વેની કટિબદ્ધતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ચારુસેટના પ્રોવોસ્ટ બનવાનું આમંત્રણ સ્વીકારવાનું એક કારણ એ છે કે પોતાની માતૃભૂમિ – ગુજરાતની સેવા માટે મળેલી તક ઝડપી કોસ્મોલોજી અને બીજાં અનેકવિધ ક્ષેત્રે સંશોધન થકી ગુજરાત ગ્લોબલ મેપ પર ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કરે.