એસોસિયેશન્સ ઓફ ઇન્ડિયન્સ ઇન અમેરિકા દ્વારા સફળ ફંડરેઇઝર ઇવેન્ટ


નવમી જૂને મેરીમાઉન્ટ મેનહટન કોલેજમાં એસોસિયેશન ઓફ ઇન્ડિયન્સ ઇન અમેરિકા દ્વારા આયોજિત ફંડરેઇઝર ઇવેન્ટ દરમિયાન ઉપસ્થિત અગ્રણીઓ-મહાનુભાવો. (વચ્ચે) પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખ (ડાબેથી ત્રીજાં) ડો. સુધા પરીખ, (જમણેથી ચોથા) ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તી.
ન્યુ યોર્કઃ ધ એસોસિયેશન ઓફ ઇન્ડિયન્સ ઓફ અમેરિકા, ન્યુ યોર્ક ચેપ્ટર (એઆઇએ-એનવાય) દ્વારા નવમી જૂને ન્યુ યોર્ક સિટીમાં મેરીમાઉન્ટ મેનહટન કોલેજમાં સફળ ફંડરેઇઝર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા અમેરિકામાં સૌથી જૂની ભારતીય અમેરિકી સંસ્થાઓમાંની એક ગણાય છે. આ ઇવેન્ટને ‘સ્પ્રેડ હોપ’ નામ આપવામાં આવ્યું હતું, જે પ્રોજક્ટ ઇન્ડિયાનો એક ભાગ છે અને ભારતમાં વંચિતોની જરૂરિયાતો સંતોષવામાં મદદરૂપ થાય છે.
આ ઇવેન્ટને જબરજસ્ત સફળતા મળી હતી. આ ઇવેન્ટમાં ટ્રાયસ્ટેટ એરિયામાંથી 250થી વધુ અગ્રણીઓ – મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડો. દત્તાત્રેયુડુ નોરી, કલ્પના અને અમિત દોશી, ડો. સુધા અને ડો. સુધીર પરીખ, અસ્મિતા અને અરુણ ભાટિયાનો સમાવેશ થતો હતો.
મુખ્ય મહેમાન તરીકે ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તી ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં પ્રોજેક્ટ ઇન્ડિયાની ટીમે છેલ્લાં દસ વર્ષ દરમિયાન પોતાના અનુભવો દર્શાવ્યા હતા. આ સંસ્થા ભારતમાં એચઆઇવી-એઇડ્સ વિશે જાગૃતિ ફેલાવવાના હેતુસર લોન્ચ કરાઈ હતી.
ઉપસ્થિત અગ્રણીઓએ આ બાબતે વધુ કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે આ ઇવેન્ટમાં એકઠી થયેલી તમામ રકમ જરૂરિયાતમંદોની સહાયમાં ઉપયોગમાં લેવાશે.
આયોજકોએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં દાયકામાં, એઆઇએની ભાગીદારી જાણીતા એનજીઓ ગુજરાત એઇડ્સ અવેરનેસ એન્ડ પ્રિવેન્શન એક્ટ (જીએપી) સાથે હતી, જે અમદાવાદમાં સ્થાયી થયેલી હતી અને તેને બ્રુકલીન હોસ્પિટલના ફિઝિશિયનોના ગ્રુપનો સહયોગ મળ્યો હતો, જેણે ગ્રામીણ અને આદિવાસી ગામડાંઓમાં હજારોની જિંદગીમાં પરિવર્તન લાવવામાં સફળતા મેળવી છે. આ કાર્યક્રમો થકી ટીમને વધુ અનુભવ હાંસલ થયો છે જેના થકી મહિલાઓ અને બાળકોને સર્વગ્રાહી સારવાર પ્રાપ્ત થઈ શકી છે.
એઆઇએના પ્રોજેક્ટ ઇન્ડિયા અંતર્ગત ગુજરાત અને રાજસ્થાનની સરહદનાં 80 ગ્રામીણ અને આદિવાસી ગામડાંઓના બે હજાર પરિવારોને આ પ્રોગ્રામનો લાભ મળ્યો છે.
ઇવેન્ટ દરમિયાન પ્રોજેક્ટ ઇન્ડિયા અને તેના સ્કોપ, સ્કેલ અને મહત્ત્વપૂર્ણ પરિણામો વિશે વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.
વાર્ષિક તબીબી શિબિરો, શિક્ષકોની તાલીમ, મમતા ડે (વીમેન્સ હેલ્થ ચેકઅપ), બાલ ગોપાલ-બાલ મુકુલ (એઆઇવી-એઇડ્સ સાથે જીવતાં અનાથ બાળકો), અને માતાથી બાળકોને એચઆઇવીથી રક્ષણ વગેરે કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
પ્રોજેક્ટ ઇન્ડિયા ટીમનાં સભ્ય અસ્મિતા ભાટિયાએ કહ્યું હતું કે તાલીમ પામેલા કામદારોના સમર્પણના કારણે, ગ્રામજનો-સ્થાનિક પંચાયતો-સ્કૂલના સત્તાવાળાઓની મહેનતના કારણે પ્રોત્સાહક પરિણામો મળ્યાં છે.
ચાવીરૂપ વક્તા રાજદૂત સંદીપ ચક્રવર્તીએ પોતાની વ્યક્તિગત ગાથા રજૂ કરી હતી અને એસોસિયેશન્સ ઓફ ઇન્ડિયન્સ ઇન અમેરિકા અને પ્રોજેકટ ઇન્ડિયા સાથેના તેના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
ઇવેન્ટનું સમાપન મ્યુઝિકલ થિયેટરના નોર્થ અમેરિકન પ્રીમિયર ‘થ્રી વીમેન’ સાથે થઈ હતી, જેનું લેખન-દિગ્દર્શન ઈશિતા ગાંગુલીએ કર્યું હતું. આ નાટક રવીન્દ્રનાથ ટાગોર પર આધારિત હતું. આ નાટકના તમામ કલાકારો અવંતિકા આકેરકર, મહિમા સાયગલ, ઝાયન મેરી ખાન, નેરેટર સમ્રાટ ચક્રવર્તી અને સંગીતકાર અભિષેક ચૌહાણને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. આ તમામ કલાકારો ભારતથી મુસાફરી કરીને આવ્યા હતા જેને ચીપોએર અને તર્કીશ એરવેઝે સ્પોન્સર કર્યા હતા.
મેરીમાઉન્ટ મેનહટન કોલેજ, ઇસ્ટ 71 સ્ટ્રીટ દ્વારા આ ઇવેન્ટ માટે આદર્શ સ્થળ આપવામાં આવ્યું હતું તેમ આયોજકોએ જણાવ્યું હતું. આયોજકોએ કોલેજના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ પૌલ સિરાઉલો અને પ્રેસિડન્ટ કેરી વોકનો તેમના સમર્થન બદલ આભાર માન્યો હતો.
એઆઇએના ન્યુ યોર્ક ચેપ્ટરના પ્રેસિડન્ટ ગોવિંદ મુંજાલે તમામને સાતમી ઓક્ટોબર, રવિવારે સાઉથ સ્ટ્રીટ સીપોર્ટમાં 31મા દિવાલી ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપ્યું હતું.
ધ એસોસિયેશન્સ ઓફ ઇન્ડિયન્સ ઇન અમેરિકાની સ્થાપના 20મી ઓગસ્ટ, 1967ના રોજ થઈ હતી. તેનાં યુનાઇટેડ સ્ટેટ્સમાં વિવિધ ચેપ્ટરો અને સભ્યો ફેલાયેલાં છે.