એસસી-એસટી સાંસદ મંત્રી બને તે અમુક લોકોને માફક નથી આવતું : મોદી

 

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ અધિવેશનની શરૂઆતમાં જ વિરોધ પક્ષોએ ગૃહમાં જોરદાર ધમાલ મચાવી હતી. લોકસભામાં જોરદાર ઘોંઘાટ, વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચારને કારણે વડા પ્રધાન નવા પ્રધાનોનો પરિચય પણ કરાવી શક્યા નહોતા અને તેમણે પ્રધાનોનો પરિચય કરાવી દેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. સત્રના આરંભે લોકસભામાં સાંસદોનાં શપથગ્રહણ સાથે શરૂ થયેલી કાર્યવાહીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના નવા મંત્રીઓનો પરિચય આપતા હતા, ત્યારે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારે હંગામા અને શોરબકોર વચ્ચે નવનિયુક્ત મંત્રીઓનો પરિચય કરાવ્યો હતો અને પછી વિપક્ષનાં વર્તનથી અકળાઈને જવાબી હુમલો પણ બોલાવી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, મોટી સંખ્યામાં એસ.સી. – એસ.ટી. અને મહિલા મંત્રી બનતાં કેટલાક લોકોને માફક આવી રહ્યું નથી. વિપક્ષોના સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શનને કારણે સદનના બંને ગૃહની કાર્યવાહી દિવસ પૂરતી મોકૂફ કરી દેવામાં આવી હતી.

વિપક્ષના સભ્યોએ મોંઘવારી, પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો, કોરોનાની બીજી લહેર, કૃષિ કાયદાઓ અને ઈઝરાયલના પેગાસસ સ્પાયવેર દ્વારા પ્રધાનો, નેતાઓ અને પત્રકારોના ફોન ટેપિંગના મુદ્દે વડા પ્રધાન પર સીધું નિશાન સાધ્યું હતું. વિપક્ષનો મિજાજ જોતાં સંસદભવનમાં કાર્યવાહી સામાન્ય થવામાં થોડો સમય લાગશે એવું લાગી રહ્યું છે. 

કોવિડ-૧૯ની પરિસ્થિતિ અને રસીકરણ પ્રોગ્રામ અંગે સદનના નેતાઓને માહિતી આપવાની વડા પ્રધાનની અપીલ પણ વિરોધ પક્ષોએ ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે સંસદમાં સત્ર ચાલુ હોય ત્યારે વડા પ્રધાને સંસદને સંબોધન કરવું જોઈએ. શિરોમણી અકાલી દળના સભ્યો પણ વિરોધ પ્રદર્શન કરનારા સંસદસભ્યો સાથે જોડાયા હતા. 

વડા પ્રધાને જણાવ્યું હતું કે મને લાગ્યું હતું કે આજે સદનમાં ઉત્સાહનું વાતાવરણ હશે કારણ કે મહિલાઓ, એસ. સી. – એસ. ટી.ના ભાઈઓ, આદિવાસી અને ખેડૂત પરિવારના સંસદોને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે. તેમને અભિનંદન આપવાની અને પ્રોત્સાહિત કરવાની જરૂર હતી. પરંતુ કેટલાક લોકોને કદાચ એ ગમતું નથી, આથી તેઓ તેમનો પરિચય આપવા દેતા નથી. સદનમાં આવું પ્રથમવાર જોવા મળી રહ્યું છે. 

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદસભ્યોને સદનની ગરિમા જાળવી રાખવાની અપીલ કરી હતી, પરંતુ વિરોધ પક્ષોએ સૂત્રોચ્ચાર અને ઘોંઘાટ ચાલુ રાખ્યો હતો. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લોકસભામાં વડા પ્રધાન દ્વારા નવા પ્રધાનોનો પરિચય આપતી વખતે વિપક્ષો દ્વારા કરવામાં આવેલી ધાંધલ-ધમાલને દુઃખદ ગણાવતાં કહ્યું હતું કે તેમની ૨૪ વર્ષની સંસદીય કારકિર્દી દરમિયાન આવું પહેલીવાર થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે સંસદની તાકાત સ્વસ્થ પરંપરાઓ જાળવી રાખવામાં છે. બંને પક્ષે સ્વસ્થ પરંપરાઓ જાળવી રાખવી જોઈએ.