એરપોર્ટ પર રાષ્ટ્રપતિ કોવિંદનું સ્વાગતઃ ભાવનગરમાં આવાસોનું લોકાર્પણ કરશે

 

અમદાવાદઃ ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ભાવભર્યો સત્કાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને મુખ્યસચિવ પંકજ કુમાર તેમજ વરિષ્ઠ અધિકારીઓએ કર્યો હતો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આવતી કાલે ભાવનગર જિલ્લા અને શહેરની મુલાકાત લઈને ભાવનગર મહાનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે ૬૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ૧૦૮૮ આવાસોનો લોકાર્પણ કરવાના છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૦૮૮ ઈ.ડબલ્યુ.એસ.-૧ આવાસોનું લોકાર્પણ કરાશે. તેમની સાથે ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને મેયર કીર્તિબાળા દાણીધારીયા ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ દ્વારા રીબીન કાપી તખ્તીનું અનાવરણ કરાશે. ત્યારબાદ ભાવનગર મહાનગરપાલિકામાં તથા સમગ્ર ગુજરાત રાજ્યમાં થયેલ આવાસોની કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે. જ્યારે પાંચ પ્રતિકાત્મક લાભાર્થીઓને આવાસોની ચાવી સુપરત કરવામાં આવશે.