એફઆઇએ દ્વારા વાર્ષિક ‘ડાન્સ પે ચાન્સ’ સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી

27મી જાન્યુઆરીએ ન્યુ જર્સીના ન્યુ બ્રન્સવિકમાં આવેલા સ્ટેટ થિયેટરમાં ધ ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિયેશન્સ (એફઆઇએ) ઓફ ટ્રાયસ્ટેટ એરિયા (ન્યુ યોર્ક-ન્યુ જર્સી-કનેક્ટિકટ) દ્વારા પોતાની વાર્ષિક ડાન્સ કોમ્પિટિશન ‘ડાન્સ પે ચાન્સ’ સાથે ભારતના 69મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તસવીરમાં ડાન્સ પરફોર્મન્સ રજૂ કરતા કલાકારો.

ન્યુ બ્રન્સવિક (ન્યુ જર્સી)ઃ 27મી જાન્યુઆરીએ ન્યુ જર્સીના ન્યુ બ્રન્સવિકમાં આવેલા સ્ટેટ થિયેટરમાં ધ ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિયેશન્સ (એફઆઇએ) ઓફ ટ્રાયસ્ટેટ એરિયા (ન્યુ યોર્ક-ન્યુ જર્સી-કનેક્ટિકટ) દ્વારા પોતાની વાર્ષિક ડાન્સ કોમ્પિટિશન ‘ડાન્સ પે ચાન્સ’ સાથે ભારતના 69મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારતના વિવિધ પરંપરાગત નૃત્યના પ્રકારો અને સંસ્કૃતિને ઉત્તેજન આપવા માટે છેલ્લાં 40 વર્ષથી એફઆઇએ દ્વારા ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે.

સમારંભની શરૂઆત અમેરિકાના રાષ્ટ્રગીત અને ભારતના રાષ્ટ્રગીત સાથે થઈ હતી. 14 ડાન્સ સ્કૂલોનાં 580 ભારતીય મૂળનાં બાળકોએ આ વર્ષની ડાન્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 26 વિવિધ જૂથોનાં બાળકો દ્વારા રજૂ થયેલા ભવ્ય પરફોર્મન્સને વધાવી લેવામાં આવ્યો હતો.

સ્પર્ધાત્મક જૂથો ઉપરાંત, એફઆઇએના આગામી પ્રમુખ શ્રુજલ પરીખની વિનંતીને માન આપીને ખાસ જરૂરિયાતમંદ બાળકોના જૂથને પણ તેમના નૃત્ય દર્શાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ ભવ્ય સમારંભના આયોજન બદલ અને સખત મહેનત કરવા બદલ ચેરપર્સન જ્યોતિ બ્રહ્મભટ્ટના નેતૃત્વ હેઠળની આયોજકોની તમામ મહિલાઓની ટીમની શ્રુજલ પરીખ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.
એફઆઇએની આગામી એક્ઝિક્યુટિવ કમિટી 2018ને ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ રાજદૂત સંદીપ ચક્રવર્તી દ્વારા હોદ્દાના શપથ લેવડાવાયા હતા.

શપથ લેનારા હોદ્દેદારોમાં શ્રુજલ પરીખ-પ્રેસિડન્ટ, આલોક કુમાર (એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ), છાવી ધારાયન (વાઇસ પ્રેસિડન્ટ), દક્ષા અમીન (સેક્રેટરી), હિમાંશુ ભાટિયા (ટ્રેઝરર), હરેશ શાહ (જોઇન્ટ સેક્રેટરી), એન્ડી ભાટિયા (તત્કાલ પાસ્ટ પ્રેસિડન્ટ)નો સમાવેશ થાય છે.

એફઆઇએના સભ્યો અને મહેમાનો સાથે ન્યુયોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ રાજદૂત સંદીપ ચક્રવર્તી (ડાબેથી છઠ્ઠા) નજરે પડે છે. તસવીરમાં (જમણેથી ચોથા) એફઆઇએના પ્રેસિડન્ટ શ્રુજલ પરીખ, પદ્મશ્રી ડો. સુધીર પરીખ (ડાબેથી બીજા), એચ. આર. શાહ (છેક જમણે) નજરે પડે છે.

સમુદાયના અગ્રણીઓ અને મહાનુભાવો આ સમારંભમાં હાજર રહ્યા હતા, જેમાં પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર અને ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખ, ટીવી એશિયાના ફાઉન્ડર પદ્મશ્રી એચ. આર. શાહનો સમાવેશ થતો હતો.
પોતાના પ્રવચનમાં સંદીપ ચક્રવર્તીએ ડાન્સ પે ચાન્સ જેવા કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉત્તેજન આપવા માટે એફઆઇએને અભિનંદન આપ્યાં હતાં. તેમણે નેતૃત્વ થકી જાતીય સમાનતા અને મહિલા સશક્તીકરણ પ્રત્યેની કામગીરી બદલ એફઆઇએની પ્રશંસા કરી હતી.

શ્રુજલ પરીખે જણાવ્યું હતું કે આ બાળકોએ જે ઉત્સાહથી આપણી સંસ્કૃતિ અને વારસો જાળવવા માટે તત્પરતા દર્શાવી છે તે બદલ હું તેમને અભિનંદન આપું છું. એફઆઇએ મહિલા સશક્તીકરણ અને ‘વસુધૈવ કુટુંબકમ્’ના હેતુ સાથે કાર્ય કરશે.
14 ડાન્સ સ્કૂલોએ ત્રણ વિવિધ કેટેગરી-માઇનોર-જુનિયર-સિનિયર-માં ભાગ લીધો હતો. આર્યા ડાન્સ એકેડેમી, આત્મા પરફોર્મિંગ આર્ટ્સ, ઓમ ડાન્સ ક્રિયેશન્સ, બીટુઝેડ ડાન્સ સ્કૂલ, ડાન્સ ફોર એવર, ધ ડાન્સિંગ શિવા પરફોર્મિંગ આર્ટ્સ, ફ્યુઝન આર્ટ્સ, કવિ’ઝ સ્કૂલ ઓફ ડાન્સ, નટરાજ ડાન્સ સ્ટુડિયો, નૃત્ય ક્રિયેશન્સ એકેડેમી ઓફ ડાન્સ, પ્રાનાવમ સ્કૂલ ઓફ ડાન્સ, સિમ્પ્લી ડાન્સ, વેદાંતા ડાન્સ એકેડેમીએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

દરેક ડાન્સ ગ્રુપે પોતાની ટેલેન્ટ, સર્જનાત્મક કોરિયોગ્રાફી રજૂ કરી હતી. રંગબેરંગી પહેરવેશ, ગીતોની પસંદગી, આકર્ષક સ્ટેજ ડેકોરેશન, પ્રોફેશનલ લાઇટિંગ-સાઉન્ડ સિસ્ટમના કારણે સમગ્ર શોની વિઝ્યુઅલ ઇમ્પેક્ટની શોભા વધારી હતી.
આ સ્પર્ધાના જજ તરીકે ઇન્ડો-અમેરિકન આર્ટ્સ કાઉન્સિલના ફાઉન્ડર અરુણ શિવદાસાની, ઓડિસી ડાન્સર-ક્લાસિકલ વોકલિસ્ટ આનંદિતા સૂરતાલ, મિસ ઇન્ડિયા યુએસએ 2015 નેહા મુલતાની, ક્યુરેટર-કોરિયોગ્રાફર તાદેજ બ્રેડનિક, એક્ટર-ડિરેક્ટર ઓબેદ કડવાનીએ સેવા આપી હતી.

એફઆઇએ દ્વારા સ્મૃતિચિહ્ન અર્પણ કરી કોરિયોગ્રાફરો અને વિવિધ જજોનું સન્માન કરવામાં આવ્યું હતું. વિજેતા ડાન્સ ગ્રુપને એવોર્ડ ટ્રોફી અને વિજેતા ઇનામી રકમ આપવામાં આવી હતી. સમારંભનું સંચાલન મમતા નારૂલાએ કર્યું હતું. આભારવિધિ આલોક કુમારે કરી હતી.

 

માઇનોર

બેસ્ટ કોસ્ચ્યુમઃ ડાન્સિંગ શિવા
બેસ્ટ કોરિયોગ્રાફીઃ ઓમ ડાન્સ ક્રિયેશન્સ
બેસ્ટ ટેક્નિકઃ આર્યા ડાન્સ એકેડેમી
પ્રથમ સ્થાનઃ ડાન્સિંગ શિવા
બીજું સ્થાનઃ આર્યા ડાન્સ એકેડેમી
ત્રીજું સ્થાનઃ ઓમ ડાન્સ ક્રિયેશન્સ

જુનિયર
બેસ્ટ કોસ્ચ્યુમઃ નૃત્યા ક્રિયેશન્સ
બેસ્ટ કોરિયોગ્રાફીઃ ઓમ ડાન્સ ક્રિયેશન્સ
બેસ્ટ ટેક્નિકઃ આર્યા ડાન્સ એકેડેમી
પ્રથમ સ્થાનઃ આર્યા ડાન્સ એકેડેમી
બીજું સ્થાનઃ આત્મા પરફોર્મિંગ આર્ટ્સ
ત્રીજું સ્થાનઃ આર્યા ડાન્સ એકેડેમી

સિનિયર
બેસ્ટ કોસ્ચ્યુમઃ આત્મા પરફોર્મિંગ આર્ટ્સ
બેસ્ટ કોરિયોગ્રાફીઃ ડાન્સિંગ શિવા
બેસ્ટ ટેક્નિકઃ આત્મા પરફોર્મિંગ આર્ટ્સ
પ્રથમ સ્થાનઃ આર્યા ડાન્સ એકેડેમી-આત્મા પરફોર્મિંગ આર્ટ્સ
બીજું સ્થાનઃ નૃત્યા ક્રિયેશન્સ
ત્રીજું સ્થાનઃ નટરાજ ડાન્સ સ્ટુડિયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here