
નવી દિલ્હીઃ કોરોના વાઇરસ સંકટની બીજી લહેરના કહેર વચ્ચે રાહતના સંકેત સામે આવ્યા છે. અમેરિકા સ્થિત વોશિંગ્ટન યુનિવર્સિટી ઓફ મેડિસીનના શોધકર્તાઓના કહેવા પ્રમાણે કોરોનાનાં હળવાં લક્ષણ ધરાવતા દર્દીઓનું શરીર હંમેશાં કોરોના વાઇરસથી સુરક્ષિત રહીને મહામારીનો મુકાબલો કરી શકે છે. પહેલા સારા સંકેત એ છે કે કોરોનાથી બચાવતું રક્ષાકવચ એટલે કે એન્ટિબોડી હંમેશાં સાથ આપશે. જ્યારે બીજા સંકેતમાં કોરોના સંક્રમણના પ્રાથમિક લક્ષણ દેખાયા બાદ ૧૧ મહિનામાં ફરીથી એન્ટિબોડી વિકસિત થઈ રહી છે.
શોધકર્તાઓનો અભ્યાસ સાયન્સ જર્નલ નેચરમાં પ્રકાશિત થયો છે. અભ્યાસ મુજબ સંક્રમણ મુક્ત થયાના મહિના સુધી શરીરમાં કોરોના વાઇરસ સામે લડતા એન્ટિબોડી સેલ્સ કામ કરતા રહે છે. જેની ક્ષમતા સતત વધતી રહે છે. વધુમાં આ એન્ટિબોડી જીવનભર લોકોના શરીરમાં રહી શકે છે. એટલે કે થોડી સાવધાની સાથે પૂરી જિંદગી કોરોનાથી ડર્યા વિના વિતાવી શકાય છે.
અભ્યાસના લેખકના કહેવા પ્રમાણે કોરોના વાઇરસની પહેલી લહેર દરમિયાન કહેવામાં આવી રહ્યું હતું કે, સંક્રમણ બાદ એન્ટિબોડી વધુ દિવસ સુધી શરીરમાં નથી રહેતી. જો કે, આ વાત સાચી નથી. સંક્રમણ બાદ એન્ટિબોડી ઘટે છે અને રોગપ્રતિકારકતા પણ નબળી પડે છે. જો કે, ટૂંકા ગાળામાં રિકવર થાય છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે જે એન્ટિબોડી બને છે તે ઈમ્યુન સેલ્સને વહેંચે છે. ત્યારબાદ શરીરના ટિસ્યૂ અને બ્લડમાં પહોંચે છે. જેનાથી એન્ટિબોડીનું સ્તર ઝડપથી વધે છે. આ એન્ટિબોડી જે કોશિકાઓથી બને છે તેને પ્લાઝમા સેલ્સ કહે છે. પ્લાઝમા સેલ્સ શરીરના બોનમેરોમાં રોકાય છે. ત્યારબાદ જેવો વાઇરસનો હુમલો થાય ત્યારે એન્ટિબોડી અચાનક સક્રિય બને છે અને સંખ્યા વધારીને વાઇરસનો મુકાબલો કરે છે.