એનજીઓ પ્રોજેક્ટ લાઇફ હવે વૈશ્વિક સ્તરે કાર્યરતઃ અમેરિકામાં પ્રારંભ

0
910

એડિસન, ન્યુ જર્સીઃ એનજીઓ પ્રોજેક્ટ લાઇફનો હવે વૈશ્વિક સ્તરે પ્રારંભ થયો છે. તાજેતરમાં પ્રોજેક્ટ લાઇફની અમેરિકામાં શરૂઆત થઈ છે. 40 વર્ષની બિનનફાકારક સંસ્થા પ્રોજેક્ટ લાઇફ પર્યાવરણ સુરક્ષા, થેલેસેમિયા પ્રિવેન્શન, શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તીકરણની પહેલ વગેરે સેવાકીય કાર્યો માટે લોકપ્રિય છે. અમેરિકામાં પ્રોજેક્ટ લાઇફ એનજીઓનો આરંભ પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખના હસ્તે 27મી જૂન, બુધવારે ન્યુ જર્સીના ફોર્ડ્સમાં રોયલ આલ્બર્ટ્સ પેલેસમાં કરવામાં આવ્યો હતો. આ પ્રારંભ પ્રસંગે ભારતથી આવેલા પ્રોજેક્ટ લાઇફના પ્રતિનિધિઓ મિત્તલ કોટીચા શાહ અને હૃષીકેશ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.
લોન્ચિંગ પ્રસંગે ઉપસ્થિત રહેલા અન્ય મહાનુભાવોમાં ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તી, ભૂતપૂર્વ ન્યુ યોર્ક એસેમ્બલીમેન અને હવે વર્તમાન ન્યુ જર્સી બોર્ડ ઓફ પબ્લિક યુટિલિટીઝના કમિશનર ઉપેન્દ્ર ચિવુકુલા, સેનેટર ફ્રેડી થોમ્પસન (ડી-એનજે), શાંતિના હિમાયતી આચાર્ય લોકેશ મુનિ, ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિયેશન્સના ચેરમેન રમેશ પટેલ અને એફઆઇએના પ્રેસિડન્ટ શ્રુજલ પરીખનો સમાવેશ થતો હતો. આ સમારંભમાં 200થી વધુ અગ્રણીઓ હાજર રહ્યા હતા.
પ્રોજેક્ટ લાઇફની શરૂઆત છઠ્ઠી ડિસેમ્બર, 1981ના રોજ બે ભાઈઓ શશિકાન્ત કોટીચા અને ચંદ્રકાન્ત કોટીચા દ્વારા રાજકોટમાં બ્લડ બેન્ક તરીકે થઈ હતી. પ્રોજેક્ટ લાઇફની શરૂઆત ભારતમાં પર્યાવરણ સુરક્ષા, થેલેસેમિયા પ્રિવેન્શન, શિક્ષણ, આરોગ્યલક્ષી પહેલ, મહિલા સશક્તીકરણ પ્રોજેક્ટો મારફતે ગરીબો અને વંચિતોની સહાય કરવા માટે, તેમના જીવનઉત્થાનના હેતુ માટે અને સમાજને પરત આપવાના હેતુ સાથે થઈ હતી.

મિત્તલ કોટીચા શાહ અને ડો. સુધીર પરીખ શેર એન્ડ કેર ઓર્ગેનાઇઝેશનને પ્રશસ્તિપત્ર એનાયત કરી રહ્યાં છે. લાઇફ ગ્લોબલ દ્વારા શેર એન્ડ કેર ફાઉન્ડેશનના છેલ્લા ત્રણ દાયકાથી પાર્ટનર ચેરિટી પ્રોજેકટ લાઇફ ઇન્ડિયા દ્વારા સામાજિક-માનવતાવાદી કાર્યો કરવા બદલ પ્રશંસા કરાઈ હતી.

ડો. સુધીર પરીખે જણાવ્યું હતું કે ભાવિ પેઢીમાં ભારત માટે આપણો પ્રેમ દર્શાવવાનો એકમાત્ર માર્ગ પરોપકારી કાર્ય કરવાનો છે. પરોપકારી-માનવતાવાદી કાર્ય પ્રત્યેની આ પ્રતિબદ્ધતા ફક્ત વ્યક્તિગત સ્તરે જ સંતોષાતી નથી, પરંતુ વધુ મહત્ત્વનું એ છે કે તે ભારતની ખાસિયત છે, જે વધુ સંતોષ આપે છે.
ડો. પરીખ અને તેમનાં પત્ની ડો. સુધા પરીખ પ્રોજેક્ટ લાઇફ સાથે ઘણાં વર્ષોથી સંકળાયેલા છે અને તેઓની આ મદદના કારણે સંસ્થાએ આ પ્રકારનું ઉત્કૃષ્ટ સ્તર હાંસલ કર્યું છે.
સ્થાપક ચંદ્રકાન્ત કોટીચાનાં પુત્રી મિત્તલ કોટીચા શાહે જણાવ્યું હતું કે હું આ પ્રસંગે ડો. સુધીર પરીખ અને ડો. સુધા પરીખનો આ કાર્યક્રમ યોજવા બદલ, આ પ્લેટફોર્મ પર આપણને બધાને સાથે રાખવા માટે, આભાર માનું છું, તેમના કારણે આજે આપણે ભેગા મળ્યા છીએ કારણ કે તેમણે પ્રોજેક્ટ લાઇફમાં ગુણવત્તાયુક્ત સમય પ્રદાન કર્યો છે.
મિત્તલ કોટીચા શાહે જણાવ્યું હતું કે વીતેલા ભૂતકાળ તરફ દષ્ટિ કરીએ તો આ મિશન ફક્ત સપનું હતું, જે આજે વૈશ્વિક સ્તરે સાકાર થઈ રહ્યું છે, તે માનવું અઘરું લાગે છે. પ્રોજેક્ટ લાઇફ માનવતાવાદી સેવાઓનું મંદિર છે, જેનો જન્મ સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં થયો હતો અને હવે તેણે પોતાની પાંખો વૈશ્વિક સ્તરે પ્રસરાવી છે. અમે મધર ટેરેસાનાં સેવાકાર્યોથી પ્રભાવિત થયાં છીએ. 25મી ફેબ્રુઆરી, 1982ના રોજ (બ્લડ બેન્કની શરૂઆત પછી ફક્ત 81 દિવસમાં) અમારી બ્લડ બેન્કની પ્રથમ આમંત્રિત મહેમાન તરીકે મુલાકાત લેનારા તેઓ સૌપ્રથમ હતા.
આ એનજીઓની મુલાકાત લેનારા મહાનુભાવોમાં મધર ટેરેઝા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, બોલીવુડના કલાકારો અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શબાના આઝમી, આશા પારેખ, ટીવી કલાકાર રોનિત રોય, ક્રિકેટરો સચીન તેંડુલકર અને કપિલ દેવ, આધ્યાત્મિક સંત પ્રમુખસ્વામી મહારાજનો સમાવેશ થાય છે.
મિત્તલ કોટીચા શાહે જણાવ્યું હતું કે બ્લડ બેન્ક દ્વારા તમામ અંતરાયો પાર પાડવામાં આવ્યા છે અને આજે તેઓએ 5,92,567 યુનિટ બ્લડ એકઠું કરીને ત્રણ લાખ નાગરિકોનાં જીવન બચાવ્યાં છે.
ન્યુ જર્સીમાં આયોજિત સમારંભની સફળતા બદલ લાઇફ ગ્લોબલ દ્વારા પ્રેસિડન્ટ ડો. અરુણ પાલખીવાલા, વાઇસ પ્રેસિડન્ટ ડો. મહેશ વારિયા, લાઇફ ગ્લોબલના સેક્રેટરી અમર શાહના સમર્પિત પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી.
સ્ટેટ ઓફ ધ એનએબીએસ (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ) અને એએબીબી (અમેરિકન એસોસિયેશન ઓફ બ્લડ બેન્ક્સ, યુએસએ) બ્લડ બેન્ક તરફથી કોટીચા બ્રધર્સે પ્રોજેક્ટ લાઇફને રક્તદાનથી પણ ઉપર વિસ્તાર્યો છે.
1990માં પ્રોજેક્ટ લાઇફે પોતાની બીજી પહેલ લાઇફ ગ્રીનફીલ્ડ સેન્ટર જાહેર કરી હતી, જેના થકી 2,57,813 છોડવા વિતરણ કરવામાં આવ્યા હતા અને રોપવામાં આવ્યા હતા.
ત્રણ વર્ષ પછી સંસ્થાએ લાઇફ થેલેસેમિયા પ્રિવેન્શન સેન્ટરની શરૂઆત કરી હતી, જેણે થેલેસેમિયાના 6,56,518 દર્દીઓની તપાસ કરી હતી. અત્યાર સુધીમાં તેઓએ 14,42,152 લોકોની તપાસ કરી છે. થેલેસેમિયાના ઇલાજ પછી પ્રોજેક્ટ લાઇફે શિક્ષણની પહેલ સન 2000થી શરૂ કરી છે અને લાઇફ એજ્યુકેશન સેન્ટરની સ્થાપના કરી. આજે પ્રોજેક્ટ લાઇફે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં 78 પ્રાથમિક શાળાઓનું નિર્માણ કર્યું છે, જેનો લાભ દર વર્ષે 24 હજાર બાળકો લે છે અને અત્યાર સુધીમાં 12,622 સ્કોલરશિપ આપવામાં આવી છે, જ્યારે 11,539 બાળકીઓને ગ્રાન્ટ મળી છે.
સન 2003માં પ્રોજેક્ટ લાઇફ દ્વારા લાઇફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સ્થાપના કરી હતી, જેના કારણે યોગા શિબિરો અને યુનિવર્સલ હિલિંગ પ્રોગ્રામ થકી 5,79,403 લોકોને લાભ મળ્યો છે, જેમાં ગુજરાતના 23 જેલોના 6585 કેદીઓનો પણ સમાવેશ થાય છે, જેમને પ્રેક્ષા ધ્યાન શિબિર, મેડિટેશન કેમ્પનો લાભ થયો છે.
પાંચ વર્ષ પછી લાઇફ વીમેન એમ્પાવરમેન્ટ સેન્ટરની સ્થાપના થઈ હતી, જેમાં 7158 વિધવાઓને અને ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓને સશક્તીકરણનો લાભ મળ્યો છે.

વલ્લભભાઈ કથીરિયાનું સન્માન કરતા ડો. સુધીર પરીખ.

આ તમામ સેન્ટરોની સ્થાપના પછી પ્રોજેક્ટ લાઇફ આ મિશનમાં તેઓની મદદ માટે બિનનિવાસી ગુજરાતીઓ (એનઆરજી) અને બિનનિવાસી ભારતીયો (એનઆરઆઇ) સુધી પહોંચ્યું હતું. એનઆરજી અને એનઆરઆઇને પ્રોજેક્ટ લાઇફ સાથે જોડવા માટે 2011માં સંસ્થાએ નોન-રેસિડન્ટ ગુજરાતી (એનઆરજી) સેન્ટરની રાજકોટમાં સ્થાપના કરી હતી.
કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તીએ પ્રોજેક્ટ લાઇફને ભારતમાં અન્ય જરૂરિયાતમંદ વિસ્તારોમાં પોતાની શાખાઓ શરૂ કરવા અનુરોધ કર્યો હતો, જેથી અન્ય ભારતીયો આ ઉમદા હેતુ માટે દાન આપી શકે.
દુનિયામાં અન્ય ભારતીય સમુદાયો સુધી પહોંચવા માટે પ્રોજેક્ટ લાઇફ અન્ય ચેપ્ટરો કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, યુએઇ, થાઇલેન્ડ અને સિંગાપોરમાં બહુ જલદીથી લોન્ચ કરશે.
પ્રોજેક્ટ લાઇફ ભારતમાં દસ લાખ વંચિત નાગરિકોને તબક્કાવાર સહાય કરવાની આશા રાખે છે.
આ સમારંભમાં પ્રોજેક્ટ લાઇફ દ્વારા વર્ષોથી પોતાને સહાયરૂપ થતા દાતાઓનું ઋણ અદા કરવા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા, જેઓએ ગ્રામીણ ગુજરાતમાં હજારો બાળકોના લાભાર્થે શાળાઓના નિર્માણમાં દાન આપ્યું હતું, જેમાં અગ્રણી ઓન્કોલોજિસ્ટ-પરોપકારી દાતા ડો. ઇન્દુ અને ડો. મહેશ વરિયા અને પરિવારજનો, ડોલરબહેન ચીમનલાલ દોશી, બિના અને ડિમ્પલ દોશી, માયા અને ડો. રાજેશ પટેલ અને પરિવારજનો, હર્ષદ લાખાણી અને વિભા લાખાણી સુભરાજ અને પરિવારજનો, હંસાબહેન વાસુદેવભાઈ દીક્ષિત અને પરિવારજનો, ડો. જિજ્ઞાસા અને ડો. પ્રદીપ જોશી, પ્રીતિ અને ડો. રજનીકાન્ત મહેતા અને ડો. અમી અને ડો. ધવલ મહેતા અને પરિવારજનો, ડો. નલિની વસા અને પરિવારજનો, ડો. નીતિન અંબાણી અને રાજીવ અંબાણીનો સમાવેશ થતો હતો.
લાઇફ ગ્લોબલ યુએસએ દ્વારા લોસ એન્જલસમાં 16મી જૂને સામાજિક સમારંભનું આયોજન કરાયું હતું, જે કેલિફોર્નિયાના અગ્રણી ઓન્કોલોજિસ્ટ ડો. ભાણજી કુંડારિયાની પહેલ હતી. કેલિફોર્નિયાના નોવોર્કમાં સનાતન ધર્મ ટેમ્પલમાં આયોજિત આ ગેટ ટુ ગેધરમાં તરસાડિયા હોટેલના સ્થાપક બી. યુ. પટેલ, બિગ સેવર ફૂડના સ્થાપક ઉકાભાઈ સોલંકી અને એમએસઆઇના પ્રેસિડન્ટ મનહરભાઈ શાહ મુખ્ય મહેમાનો તરીકે હાજર રહ્યા હતા.
અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદ લાલાણી, કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકાના પ્રેસિડન્ટ દિનેશ કંટારિયા, ઇન્ડો-અમેરિકન સિનિયર હેરિટેજના ભૂતપૂર્વ પ્રમુખ ચીમનભાઈ અડિયલ, અગ્રણી ઉદ્યોગપતિ-દાતા ગણપતભાઈ પટેલ અને પ્રોજેક્ટ લાઇફ ઇન્ડિયાના ચીફ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ઓફિસર હૃષીકેશ પંડ્યા આમંત્રિત મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જૈના સેન્ટરના પ્રેસિડન્ટ ડો. જસવંત મોદી પ્રોજેક્ટ લાઇફની પ્રવૃત્તિઓના સમર્થક હતા અને આ સહાય તેઓ ચાલુ રાખશે.