એનઆરજી સિનિયર સિટિઝનોને ગુજરાત દર્શન માટે રૂ. ૧૦ હજાર આપશે

 

ગાંધીનગરઃ બિન નિવાસી ગુજરાતી સિનિયર સિટીઝનોને ગુજરાતના ધાર્મિક-ઐતિહાસિક સ્થળોએ પ્રવાસ માટે ગુજરાત સરકાર ૧૦ હજાર રૂપિયાનો ખર્ચ ચૂકવશે. ગુજરાત દર્શન યોજના હેઠળ વર્ષમાં ૧૫૦ એનઆરજીને આ યોજનાનો લાભ અપાશે. બિન નિવાસી ગુજરાતી વિભાગના મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે અન્ય રાજ્યોમાં વસતા ૬૦થી ૭૦ વર્ષની આયુ ધરાવતા સિનિયર સિટીઝનો ગુજરાતની મુલાકાતે આવી શકે તે માટે આ યોજના બનાવી છે. જે મુજબ તેઓ ગુજરાતમાં ૬ દિવસ અને ૭ રાત્રી રોકાણ કરી શકશે. તેમના રહેવા-જમવાનો, વિવિધ સ્થળોની મુલાકાત સહિતનો રૂ. ૧૦ હજાર સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. અન્ય રાજ્યમાંથી અમદાવાદ સુધી આવવા-જવાનો ખર્ચ તે વ્યક્તિ અથવા ગૃપે આપવાનો રહેશે. છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતની મુલાકાતે આવ્યા ન હોય તેને અગ્રતા અપાશે.