એડિસનમાં ઓક ટ્રી રોડ પર યોજાયેલી પરેડમાં અનુપમ ખેરની ઉપસ્થિતિ

ન્યુ જર્સીઃ ન્યુ જર્સીના એડીસનમાં ઓક ટ્રી રોડ પર એડીસનથી ઇઝલીન ન્યુજર્સી દરમિયાન યોજાયેલી 14મી વાર્ષિક ન્યુ જર્સી ઇન્ડીયા ડે પરેડમાં બોલીવુડના અભિનેતા અનુપમ ખેરે 42 હજાર નાગરિકોના સમુદાયને અભિનંદન પાઠવ્યા હતા. આ પરેડનું આયોજન 12મી ઓગસ્ટ રવિવારે ઇન્ડીયન બિઝનેસ એસોસિયેશન (આઇબીએ) દ્વારા થયું હતું. અનુપમ ખેર સાથે ટીવી પત્રકાર રીચા અનિરૂદ્ધ અને બોલીવુડના કલાકારો નિહારીકા રાયઝાદા અને પ્રાચી તેહલન જોડાયા હતા. તેમની સાથે ચૂંટાયેલા સત્તાવાળાઓ અને ન્યુજર્સીના ઉમેદવારો પણ જોડાયા હતા જેમાં કોંગ્રેસમેન ફ્રેન્ક પેલોન, મિડલસેકસ કાઉન્ટી ફ્રીહોલ્ડર્સ સેનેટરો, વીન ગોપાલ, પેટ્રીક ડીગનાન અને સેમ થોમ્પસન વગેરેનો સમાવેશ થતો હતો.
આ પરેડમાં 18 ફલોટ, માર્ચિંગ બેન્ડ, વિવિધ વોકિંગ ગ્રુપ જોડાયા હતા. આ પછી સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્થાનિક- આંતરરાષ્ટ્રીય કલાકારોએ ભાગ લીધો હતો. એડીસનના મેયર થોમલ લેન્કીએ પરેડ અને આઇબીએની પ્રશંસા કરી હતી. એડીસન કાઉન્સીલ પ્રેસિડન્ટ અજય પાટીલે કહ્યું કે દર વર્ષે આ પરેડનો વ્યાપ વધતો જાય છે. એડીસન કાઉન્સીલમેન માઇકલ લોમ્બાર્ડીએ કહ્યું કે આ શહેર માટે આઇબીએ સંસ્થાએ ઘણી કામગીરી કરી છે.