એક વર્ષ પછી રાજકીય ચિત્ર કેવું હશે? …

0
809

દસ રાજ્યોની પેટાચૂંટણીઓનાં પરિણામ આવ્યાં પછી આ પ્રશ્નની ચર્ચા શરૂ થઈ છે. લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સરકાર ફરીથી આવશે કે શંભુમેળો – ખીચડી સરકાર આવશે? આ બાબતે સંભવિત આંકડાઓની ગણતરી થઈ રહી છે. કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર)ની સરકાર આવ્યા પછી પેટાચૂંટણીઓમાં ભાજપ સામે એક સંયુક્ત ઉમેદવારની જીત થઈ – વિશેષ કરીને ઉત્તર પ્રદેશના કૈરાનાની લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવારને હરાવી શક્યા તે પછી ભાજપ સામે વિપક્ષોનું ‘ભવ્ય જોડાણ’ કરવાની શક્યતા ગંભીર બની છે.
અલબત્ત, હજી દિલ્હી દૂર છે અને લોકસભાની ચૂંટણી ક્યારે થશે તે પ્રશ્ન છે. ભેંસ ભાગોળે છે! અત્યારે નરેન્દ્ર મોદી અને સરકારની પ્રતિભા ઝાંખી પડી છે, તેથી વિપક્ષો આક્રમક બન્યા છે. ભાવવધારાની ફરિયાદ નથી, તો ખેડૂતો ભાવવધારો માગે છે. શાકભાજીના ઢગલા અને દૂધનાં ટેન્કરો રસ્તામાં ઢોળાય છે. કિસાન આંદોલન પાછળ રાજકીય ‘હાથ’ છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં વધુ ઉગ્ર છે. આ સાથે ખ્રિસ્તી ધર્મગુરુઓ મેદાનમાં આવી રહ્યા છે – દિલ્હી પછી ગોવાના બિશપે સંવિધાન માટે ચિંતા દર્શાવી છે. મુસ્લિમ-ખ્રિસ્તી-દલિત સમાજ સરકારની સામે છે. વિપક્ષી એકતાના પ્રયાસ થઈ રહ્યા છે – તેનું ભાવિ રાજસ્થાન અને મધ્ય પ્રદેશનાં ચૂંટણી પરિણામ ઉપર આધાર રાખશે.
નરેન્દ્ર મોદી વિપક્ષના નિશાના ઉપર છે. ભૂતકાળમાં ઇન્દિરા ગાંધીને હરાવવા અને હટાવવા માટે વિપક્ષોએ મહાજોડાણ કર્યાં હતાં. ૧૯૬૯માં કોંગ્રેસના મહાભંગાણ પછી જમણેરી સામ્યવાદી પક્ષ સિવાય લગભગ તમામ પક્ષો ભેગા થયા હતા. ઇતિહાસનું આ પ્રકરણ અત્યારે યાદ રાખવું જરૂરી છે. ભંગાણ પછી ઇન્દિરા ગાંધીએ આર્થિક નીતિને ડાબેરી ઝોક આપ્યો. બેન્કોનું રાષ્ટ્રીયકરણ, પૂર્વ રાજવીઓનાં સાલિયાણાં નાબૂદ કર્યાં. ગરીબી હટાવવાનું વચન આપ્યું. ચૂંટણીપ્રચારમાં જાત-પાત ભૂલીને હાથ ઉપર મહોર લગાવવાનું આહ્વાન કર્યું. વોહ કહતે હૈં ઇન્દિરા હટાઓ. ઇન્દિરાજી કહતી હૈં ગરીબી હટાઓ – આ સૂત્ર કારગત નીવડ્યું.
ઇન્દિરાજીએ નઈ રોશનીની આશા આપી અને વિપક્ષ સામે આક્રમક બન્યાં. લોકોને પણ ખાતરી થઈ કે એક સ્ત્રી – વડાં પ્રધાનની પાછળ આ બધા નેતાઓ પડ્યા છે! સહાનુભૂતિ મળી અને સત્તા પણ મળી.
ઇન્દિરા ગાંધીએ ૧૯૭૧માં વિજય મેળવ્યા પછી ક્રૂડતેલના ભાવવધારા અને સતત બે દુષ્કાળના પરિણામે અર્થતંત્ર ડામાડોળ હતું. કેન્દ્રીય મંત્રી લલિત નારાયણ મિશ્રના ભ્રષ્ટાચારના મુદ્દે સંસદમાં ધમાલ હતી. જ્યોર્જ ફર્નાન્ડીસે દેશવ્યાપી રેલવે હડતાળ પાડીને દિલ્હીની સલ્તનતને પડકારી હતી. દેશભરમાં અશાંતિ હતી. પોખરણમાં શાંતિમય ઉપયોગ માટે અણુધડાકો કરવામાં આવ્યો… પછી ગુજરાત અને બિહારમાં નવનિર્માણ આંદોલન અને આખરે ઇમરજન્સી આવી! જનાદેશ પછી જનમત પલટાઈ ગયો તેનું આ ઉદાહરણ છે. ઇતિહાસ છે!
૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ અચ્છે દિનની આશા જગાવી અને યુપીએ સરકારના ભ્રષ્ટાચાર સામે આક્રમક બન્યા. ઝળહળતો વિજય મળ્યો. આ પછીનાં ચાર વર્ષ દરમિયાન સંખ્યાબંધ સુધારા થયા છે. બેન્કોનાં રાષ્ટ્રીયકરણ સામે મોદી સરકારે કરોડો લોકોનાં જનધન ખાતાં ખોલાવ્યાં. સ્વાસ્થ્ય યોજનાઓ – વીમા યોજનાઓ શરૂ કરી, ગેસનાં સિલિન્ડર વિનામૂલ્યે આપ્યાં, વીજળી પહોંચાડી વગેરે લોકહિત – કલ્યાણનાં પગલાં લીધાં છે. મંત્રી- સરકાર કક્ષાએ ભ્રષ્ટાચારની ફરિયાદ નથી, પણ નાગરિકોને ભ્રષ્ટાચારથી મુક્તિ મળી નથી. બ્લેક મની પકડવા માટે નોટબંધી આવી તેની સફળતા સામે પ્રશ્ન છે. બેન્કોમાં મોટા – ધનાઢ્ય લોકોએ ધોળા દિવસે ધાડ પાડી અને પલાયન થઈ ગયા. આ ઘટનાઓનો જવાબ જનતા માગી રહી છે.
નરેન્દ્ર મોદી સરકારે ચાર વર્ષમાં વિદેશમાં ભારતના નામના ડંકા વગાડ્યા. પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવાની શરૂઆત કરી. આમ છતાં નવા પડકાર ઊભા થયા છે.
વિપક્ષોને – વિરોધના નવા મુદ્દા મળ્યા છે. એક તરફ રાજકીય ભવ્ય જોડાણના પ્રયાસ શરૂ થયા છે અને બીજી તરફ હિન્દુ બહુમતીવાદ અને લઘુમતીઓને થતા અન્યાયની ફરિયાદ – ખ્રિસ્તી ધર્મગુરુએ કરી છે. આ દરમિયાન પેટાચૂંટણીઓમાં વિપક્ષી એકતા સફળ થયા પછી આ પરિસ્થિતિનો લાભ મળી શકશે એવી આશા કોંગ્રેસને જાગી છે, પણ વિપક્ષી એકતા પેટાચૂંટણીઓમાં – અને દેશવ્યાપી ચૂંટણીમાં કરવામાં તફાવત છે.
વિપક્ષોના જોડાણ અંગે કેટલીક બાબતો નોંધપાત્ર છેઃ સૌપ્રથમ તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે રાષ્ટ્રીય મોરચો – નેશનલ ફ્રન્ટ બનાવવાની વાત વહેતી મૂકી. મમતા બેનરજીએ પણ સાદ પુરાવ્યો અને સાથ આપ્યો. તમામ રાજ્યોના પ્રાદેશિક પક્ષોનો મોરચો બનાવવાનો પ્રસ્તાવ હતો. આવા મોરચામાં શિવસેના અને ઓડિસાના બિજુ જનતા દળ, કર્ણાટક જનતા દળ, ઉત્તર પ્રદેશના સમાજવાદી પક્ષ, આંધ્રના ચંદ્રાબાબુ નાયડુ વગેરે જોડાય તેવી શક્યતા હતી.
આ દરમિયાન કર્ણાટકનાં પરિણામ આવતાં મમતા બેનરજી સક્રિય બન્યાં. એમણે સોનિયા ગાંધીનો સંપર્ક સાધ્યો અને તે પછી કર્ણાટકમાં ભાજપને બહાર રાખવાની સમજૂતી થઈ. આ એકતા મર્યાદિત હતી, પણ ભાજપ સામે મોરચાની શરૂઆત કરવા પ્રાદેશિક પક્ષોને એક મંચ ઉપર ભેગા કરવામાં કોંગ્રેસને સફળતા મળી. નેશનલ ફ્રન્ટનો મૂળ પ્રસ્તાવ ભાજપ અને કોંગ્રેસ બન્નેને બહાર રાખવાનો હતો. કોંગ્રેસે સફળતાપૂર્વક મોરચાની નેતાગીરી ઝડપી લીધી અને પેટાચૂંટણીઓમાં સફળ પ્રયોગ થયો. ઉત્તર પ્રદેશમાં જાટ-યાદવ-દલિત-મુસ્લિમ કદી ભેગા થાય નહિ – પણ થયા.
ભૂતકાળમાં ગુજરાતમાં માધવસિંહ સોલંકીએ ખામ થિયરીમાં ક્ષત્રિય, હરિજન (દલિત) આદિવાસી અને મુસ્લિમને આ રીતે ભેગા કરીને કોંગ્રેસને ભારે બહુમતી અપાવી હતી. ૧૯૭૧માં ઇન્દિરા ગાંધી અને ૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ પણ જાત-પાત ઉપર વિજય મેળવ્યો. ગયા વર્ર્ષે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પણ એમણે તમામ પછાત જાતિઓને સાથે લઈને અભૂતપૂર્વ વિજય મેવ્યો. હવે માત્ર જાત-પાત નહિ, તમામ પ્રાદેશિક પક્ષોને સાથે લેવાની વાત છે. પ્રશ્ન એ છે કે દરેક રાજ્યમાં એકથી વધુ પ્રાદેશિક પક્ષો છે – ઉત્તર પ્રદેશ, આંધ્ર, તામિલનાડુ, મહારાષ્ટ્ર વગેરે. કોણ કોની સાથે રહેશે?
કોંગ્રેસનો સવાલ છે ત્યાં સુધી પ્રાદેશિક પક્ષો તેને વધુ બેઠકો આપવા તૈયાર થશે? અત્યારની દસ પેટાચૂંટણીઓમાંથી માત્ર બે-ત્રણ મળી છે, તો આ દસ રાજ્યોમાં કોંગ્રેસ કેટલા ઉમેદવાર ઊભા રાખી શકશે? પ્રાદેશિક પક્ષો જાણે છે કે ભૂત જાય અને પલિત આવે તો? રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવાર વિપક્ષોને ભેગા કરવા માટે સેવા આપવા થનગની રહ્યા છે, પણ કોંગ્રેસ જાણે છે કે આવી સેવા ભારે પડશે! દરેક રાજ્યમાં સ્થાનિક પક્ષ વધુ બેઠકો પોતાની પાસે રાખીને કોંગ્રેસને ઓછામાં ઓછી આપશે, જેથી કર્ણાટક જેવું થાય નહિ.
નેતાગીરીનો પ્રશ્ન પણ ઉપસ્થિત થાય. કર્ણાટકમાં રાહુલ ગાંધીએ જાહેર કર્યું કે તેઓ વડા પ્રધાનપદના દાવેદાર છે. આ અગાઉ મુલાયમ સિંહ, માયાવતી અને મમતાનાં નામ પણ આવ્યાં છે. માયાવતીએ તો મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સાથે જોડાણ કરવાની ખાતરી આપી દીધી છે – લોકસભાની ૮૦ બેઠકો લડવા અને જીતવાનો એમનો વિશ્વાસ છે. આ સંજોગોમાં કોંગ્રેસના ફાળે કેટલી બેઠકો આવે? અને કેટલી જીતી શકાય? લોકસભામાં ખીચડી થાય તો વડા પ્રધાન કોણ બને? આવા સંજોગોમાં કોંગ્રેસ માયાવતી – અથવા કોઈને પણ વડા પ્રધાન સ્વીકારવા તૈયાર થશે અને પછી ગાજરની પિપૂડી! ખીચડી સરકાર તૂટે – બદનામ થાય પછી લોકસભાનું વિસર્જન અને નવેસરથી ચૂંટણી થાય તો કોંગ્રેસને બહુમતી મળી શકે – ૧૯૮૯ પછી કોંગ્રેસે આ રીતે ચંદ્રશેખર, દેવેગૌડાને વડા પ્રધાન બનાવ્યા હતા! ૧૯૭૭ની જનતા સરકારમાં ભંગાણ પડાવીને ચૌધરી ચરણ સિંહ પણ વડા પ્રધાન બન્યા અને ગયા પછી ઇન્દિરા ગાંધીની વાપસી થઈ હતી.
કોંગ્રેસના ગેમપ્લાન હોઈ શકે, હશે જ. અત્યારે નરેન્દ્ર મોદીને હટાવો પછી દેખા જાયેગા… નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ આવા પ્લાન સમજતા જ હશે – તો શું કરશે? મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં બેઠકો ઘટે પણ સત્તા ટકાવી શકાશે એમ લાગે છે. રાજસ્થાનમાં મુશ્કેલી છે. આ ત્રણેય રાજ્યોમાં ભાજપ – કોંગ્રેસ સામસામે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે વિકલ્પ છેઃ લોકસભા વિસર્જન કરાવીને ડિસેમ્બરમાં ત્રણેય રાજ્ય સાથે ચૂંટણી કરાવાય. ઇન્દિરા ગાંધીએ ૧૯૭૧માં આ રીતે લોકસભાની અલગ ચૂંટણી કરાવી હતી અને વિજયની હવામાં ૧૯૭૨માં રાજ્યોમાં પણ વિજય મેળવ્યો હતો. નરેન્દ્ર મોદી લોકસભા અને રાજ્યોની ચૂંટણી સાથે કરવા માગે છે, પણ વિપક્ષો તૈયાર નથી, કારણ કે નરેન્દ્ર મોદીની સામે આસાન નથી. કમસે કમ આ ત્રણેય રાજ્યો સાથે લોકસભામાં ઝુકાવવાનું સાહસ મોદી કરી શકે. સારા વરસાદ અને અયોધ્યાના ચુકાદાથી હવા નહિ – વાવાઝોડું આવી શકે – અને તે પહેલાં ખિચડી પાકશે?

લેખક જન્મભૂમિ જૂથના તંત્રી છે.