એક રાષ્ટ્ર – એક નેતા – એક ચૂંટણી

0
914

ચૂંટણીની હવા અને તૈયારી શરૂ થઈ રહી છે ત્યારે એક વિવાદ પણ થઈ રહ્યો છેઃ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી સમાંતર – એકસાથે થઈ શકે કે નહિ? અને જરૂરી છે કે નહિ? કેન્દ્રમાં 2014માં એનડીએની સરકાર આવ્યા પછી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રભાવ દેશવ્યાપી છવાયા પછી આ ચર્ચા શરૂ થઈ છે. તાત્કાલિક તો ચાર રાજ્યોની વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણી લગોલગ હોવાથી એકસાથે થવાની શક્યતા વધુ છે. પણ આ પછી દેશભરમાં – એક રાષ્ટ્ર – એક ચૂંટણી થઈ શકે ખરી? કોંગ્રેસ અને અન્ય કેટલાક (બધા જ નહિ) પ્રાદેશિક પક્ષોનો વિરોધ છે. નરેન્દ્ર મોદીના પ્રભાવથી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ભાજપને અભૂતપૂર્વ બહુમતી મળ્યા પછી પ્રાદેશિક નેતાઓની સત્તા ઓસરી રહી છે અને દેશભરમાં એક પક્ષ – એનડીએ – અર્થાત્ ભાજપની સરકાર આવે એવી સ્થિતિ છે. આ સ્થિતિ ટાળવા માટે મહાગઠબંધનના પ્રયાસ થઈ રહ્યા છે અને સમાંતર ચૂંટણીનો વિરોધ થાય છે. ભૂતકાળમાં જવાહરલાલ નેહરુ પછી ઇન્દિરા ગાંધી અને હવે નરેન્દ્ર મોદી એકમાત્ર નેતાના નામે ચૂંટણી થાય તો? એક રાષ્ટ્ર એક ચૂંટણી એક નેતાના નામે જિતાય છે અને જીતી શકાય છે.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી કહે છે – એક રાષ્ટ્ર – એક ચૂંટણીનો અમલ ઘણો મુશ્કેલ છે. ઉપરાંત રાજ્યોને એમનું પ્રતિનિધિત્વ મળવું જોઈએ. (અર્થાત્ પ્રાદેશિક પક્ષો?) પણ પ્રણવદા જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં હતા ત્યારે એમનું મંતવ્ય જુદું હતું. બે – અલગ અલગ પ્રસંગોમાં એમણે કહ્યું હતું – અવારનવાર, વાર-તહેવારે ચૂંટણી કરવી પડે ત્યારે આચારસંહિતા આવે અને સરકારી કામકાજ પણ ખોરંભે પડે – એકસાથે ચૂંટણી કરાવવા અંગે રાજકીય પક્ષોએ સાથે મળીને નિર્ણય કરવો જોઈએ. ગયા વર્ષે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રજોગા સંદેશામાં એમણે કહ્યુંઃ ચૂંટણી સુધારા માટે સમય પાકી ગયો છે. આઝાદી પછીના દાયકાઓમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એકસાથે થતી હતી તે પ્રથા ફરીથી શરૂ થવી જોઈએ. આ પછી અર્થશાસ્ત્રી ડી. ટી. લાકડાવાલા સ્મારક પ્રવચન આપતાં એમણે બીજી વાત કરી. 29 રાજ્યો છે અને દરેકની વિધાનસભા પાંચ વર્ષની મુદત પૂરી કરશે જ એની ખાતરી કોને છે? સરકાર પડે અથવા બરતરફ થાય તો રાષ્ટ્રપતિ શાસન ક્યાં સુધી રાખી શકાય? રાજ્યોને તેની પ્રતિનિધિ સરકારથી વંચિત રાખી શકાય? સંવિધાનમાં સુધારો કરો તો પણ ચૂંટાયેલી વિધાનસભા પાંચ વર્ષ ટકી રહેશે? અને નહિ તો તમે શું કરો?
સમાંતર ચૂંટણીના લાભાલાભની ચર્ચા પહેલાં ભૂતકાળની સમીક્ષા જરૂરી છે. 1951માં 26 રાજ્યોમાં એકસાથે ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસે 24 રાજ્યોમાં લોકસભાની બહુમતી બેઠકો મેળવી હતી અને 25 વિધાનસભાઓમાં બહુમતી મેળવી હતી. 1957માં 13 રાજ્યોમાં એકસાથે અને ચાર રાજ્યોમાં અલગ ચૂંટણી થઈ ત્યારે – જ્યાં સાથે થઈ તેવાં 13 રાજ્યોમાં કોંગ્રેસને સત્તા મળી હતી. આવી જ રીતે 1962માં પણ કોંગ્રેસે 12 રાજ્યોમાં સત્તા મેળવી, પણ જે છ રાજ્યોમાં વિધાનસભાઓની અલગ થઈ તે કોંગ્રેસે ગુમાવ્યાં. 1967માં પણ લોકસભાની બહુમતી બેઠકો 14 રાજ્યોમાં મળી અને નવ રાજ્યોમાં અલગ ચૂંટણી હતી ત્યાં 13 રાજ્યો મળ્યાં.
આમ, 1962 સુધી નેહરુના પ્રભાવના પરિણામે ખાસ વાંધો નહોતો, પણ 1967માં નવ રાજ્યોમાં અલગ ચૂંટણી થવાથી ઘસારો અને ઘર્ષણની શરૂઆત થઈ. 1967ની ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષો – સ્વતંત્ર પાર્ટી વગેરેનું ગ્રાન્ડ એલાયન્સ હતું અને લોકસભામાં પણ કોંગ્રેસની બેઠકો ઘટતાં – નેહરુના અવસાન પછી નેતાગીરીનો વિવાદ અને કોંગ્રેસમાં ‘ભવ્ય ભંગાણ’ પડ્યું.
1967માં 27 રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસે ચાર રાજ્યોમાં લોકસભાની બેઠકો ગુમાવી અને પાંચ રાજ્યો ગુમાવ્યાં.
આમ, 1967 પહેલાંની ત્રણ ચૂંટણીઓમાં કેન્દ્રમાં શાસક પક્ષ – કોંગ્રેસને રાજ્યોમાં પણ લાભ થયો અને જ્યાં પ્રાદેશિક નેતાઓ હતા ત્યાં નુકસાન થયું.
કોંગ્રેસના ભંગાણ પછી ઇન્દિરાજીએ માત્ર લોકસભાની ચૂંટણી કરાવી અને સફળ થયા પછી હવે મને રાજ્યોમાં જનાદેશ આપો – કહીને 1972માં રાજ્યોની ચૂંટણીમાં સત્તા મેળવી. 1977માં લોકસભાની ચૂંટણીમાં જનતા પાર્ટીને સત્તા મળ્યા પછી ગૃહમંત્રી ચૌધરી ચરણ સિંહે ઉત્તર ભારતમાં કોંગ્રેસી સરકારો બરખાસ્ત કરી. આ રાજ્યોમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ હતી અને જનતા પાર્ટીના સભ્યો ચૂંટાયા હતા તેથી કોંગ્રેસે જનતાનો વિશ્વાસ મત ગુમાવ્યો છે એવી દલીલ હતી. ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં કોંગ્રેસના બી. ડી. જત્તી હતા અને કેન્દ્ર સરકારની ભલામણ સ્વીકારવા તૈયાર નહોતા. વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈએ લોકસભાનું વિસર્જન અને ફરીથી ચૂંટણી કરાવવા તૈયાર થયા ત્યારે જત્તીસાહેબ ઝૂક્યા. તમામ રાજ્યોમાં જનતા સરકારો આવી.
આ પછી તો કેન્દ્રમાં અને રાજ્યોમાં ઘણી સરકાર આવી અને ગઈ. વિપક્ષી રાજ્ય સરકારોને બરતરફ કરવાની રાજરમત શરૂ થઈ અને પ્રાદેશિક પક્ષોની સરકારો આવી. 1989 પછી લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી સમાંતરે થઈ હોય એવા 31 કેસ છે. આંધ્ર પ્રદેશ (1989, 1999, 2004 અને 2014) ઓડિશા, કર્ણાટક, સિક્કિમ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, આસામ, હરિયાણા, કેરળ, ઉત્તર પ્રદેશ, બંગાળ, અરુણાચલ પ્રદેશ અને તેલંગણ.
દરેક વખતે મોટા ભાગે મતદારોએ કેન્દ્રમાં જે શાસક પક્ષ હોય તેને જ મત આપ્યા છે. માત્ર સાત કિસ્સાઓમાં અલગ મત પડ્યા હતા. ખાસ કરીને જ્યાં પ્રાદેશિક પક્ષના નેતા પ્રભાવી હોય ત્યાં લોકસભા અને રાજ્યના મત વિભાજિત થયા હતા.
વિપક્ષોને આ ઇતિહાસનું પુનરાવર્તન થવાનો ભય છે. આ માટે એક ઉપાય મહાગઠબંધનનો છે. કોંગ્રેસનો દેશવ્યાપી પ્રભાવ રહ્યો નથી તેથી તે અન્ય પ્રાદેશિક પક્ષોને સાથે રાખવા માગે છે, પણ પ્રશ્ન નેતાનો છે! સામી બાજુએ ભાજપ પણ એનડીએનું ગઠબંધન મજબૂત કરવાનું મહત્ત્વ સ્વીકારે છે. પરિણામે મોટા ભાગનાં રાજ્યોમાં એકથી વધુ પ્રાદેશિક નેતાઓ હોવાથી કામ સરળ બને છે. ભાજપ અને સાથી પક્ષોની અત્યારે 23 રાજ્યોમાં સત્તા છે અને તેથી બહુમતીનો વિશ્વાસ છે.
પ્રશ્ન એ છે કે એક રાષ્ટ્ર – એક ચૂંટણી માટે સંવિધાનમાં સુધારો કરવો પડે. આમાં સમય લાગે, પણ અત્યારે તો ચર્ચા તો શરૂ થઈ છે. કેન્દ્ર સરકારનો પ્લાન લોકસભા સાથે 13 વિધાનસભાઓની ચૂંટણી કરાવવાનો છે. વિધાનસભાની પાંચ વર્ષની મુદત પૂરી થયા પછી છ મહિનાની અંદર નવી વિધાનસભા ચૂંટાયાનું નોટિફિકેશન ચૂંટણીપંચે રાષ્ટ્રપતિની મંજૂરી માટે આપવું જોઈએ. લોકસભાની ચૂંટણી આગામી એપ્રિલમાં છે. તે પહેલાં મિઝોરમ વિધાનસભાની મુદત 15મી ડિસેમ્બરે પૂરી થાય છે અને છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વિધાનસભાઓની મુદત અનુક્રમે – પાંચ, સાત અને વીસમી જાન્યુઆરીએ પૂરી થાય છે. તેથી એપ્રિલમાં ચૂંટણી થઈ શકે. લોકસભાની ચૂંટણીની તૈયારી 14 મહિના પહેલાંથી શરૂ થાય છે. ચૂંટણીપંચ પાસે 400 કર્મચારીઓનો સ્ટાફ છે, પણ ચૂંટણી દરમિયાન 1.11 કરોડ લોકોનો કાફલો હોય છે.
ચૂંટણી કમિશનર ઓ. પી. રાવત કહે છે – નજીકના ભવિષ્યમાં સમગ્ર દેશમાં સમાંતર ચૂંટણી માટે કોઈ ચાન્સ નહિ અલબત્ત – અત્યારે લોકસભા સાથે ત્રણ – અથવા ચાર (મિઝોરમમાં એનડીએ સરકાર નથી) વિધાનસભાઓને જોડી શકાય. કોંગ્રેસની ગણતરી એવી છે કે આ ત્રણ રાજ્યોમાં ભાજપ સાથે સીધો મુકાબલો છે અને તેમાં જો કોંગ્રેસ જીતે તો પછી લોકસભાની હવા બદલાઈ શકે. ઉપરાંત મહાગઠબંધનના ભાગીદાર પક્ષો રાહુલ ગાંધીની નેતાગીરી ચૂપચાપ સ્વીકારે અને વડા પ્રધાનપદ માટે નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધી પ્રોજેક્ટ થાય. દેશભરમાં હજી નરેન્દ્ર મોદીનો પ્રભાવ છે અને એમના નામે ભાજપને વોટ મળી શકે છે. તેથી સમાંતર ચૂંટણી થાય તો ઇન્દિરાજીની જેમ નરેન્દ્ર મોદી સત્તા જમાવી અને ટકાવી શકે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષોને આ ભય છે. અલબત્ત, અત્યારે આખા દેશમાં સમાંતર ચૂંટણી શક્ય નથી, પણ 2019માં ચાર-છ રાજ્યો અને લોકસભામાં બહુમતી મળે તો પછી નિશ્ચિત છે – તેથી આગામી ચૂંટણીમાં ખરી કસોટી છે.

લેખક જન્મભૂમિ ગ્રુપના તંત્રી છે.