એક નવી સામાજિકતાઃ સોશિયલ મિડિયા પર શ્રદ્ધાંજલિ

0
868

પ્રિય પ્રાર્થના,
આ વર્ષે અમેરિકામાં જે સ્નેહ અને આદર મળ્યો તે અદ્ભુત હતો. ઘણી વાર ભાવકો વક્તાને ઓળખ અને પ્રેમ આપીને ઘડતા હોય છે. ડો. સુધીરભાઈ પરીખના ખૂબ જ પ્રેમાળ વ્યક્તિત્વનો વધારે ને વધારે પરિચય થયા કરે છે. એમનો ખાસ આગ્રહ હતો કે આપણી આ પત્રયાત્રા ગુજરાતી અને ભારતની વિચારયાત્રા/સાહિત્યયાત્રા બની રહો. આજે જે સોશિયલ મિડિયાને લીધે નવો જે સામાજિક પિંડ બંધાઈ રહ્યો છે એની વાત કરવી છે.
કવિ અનિલ જોશીની કવિતા ‘કવિ વિનાનું ગામ’ ગુંજ્યા કરે છે. કાળઝાળ ઉનાળાની બપોરે આવી કવિતા હાથ લાગે એટલે એક પ્રકારની શીતળતા પ્રસરી જાય છે. પ્રશ્ન થાય છે કે આપણે ક્યાં આવી પહોંચ્યા છીએ. કેટલાંય વર્ષોથી પ્રવાસમાં છીએ. ડટ્ટાવાળા કેલેન્ડર છોડીને હવે સ્માર્ટફોનના કેલેન્ડરમાં સંતાડ્યો છે આપણા સમયને… એક તરફ સોશિયલ મિડિયામાં વરસતી કવિતાઓની ધોધમાર હેલી અને બીજી બાજુ રોબોટથી પણ આગળ જતો આઇ-પાલ [જ્ઞ્-ર્ષ્ટીશ્ર] આવી પહોંચ્યો છે. પણ ગામ ઉનાળાની ભાગોળ જેવું લાગે છે. વ્હોટસ-અપમાં ટોળેટોળાં છે, ફેસબુક ચિક્કાર ભરાયેલી છે, પણ આંગણું કવિ કહે છે તેવા ‘કવિ વિનાના’ ગામ જેવું લાગે છે. શું થઈ રહ્યું છે? એક પરોક્ષ વિશ્વ આપણા અસ્તિત્વને નવી રીતે વ્યાખ્યાયિત કરી રહ્યું છે. માણસ તરીકે આપણે પરોક્ષ શબ્દોના અને પરિણામે પરોક્ષ સંબંધના માણસ થતા જઈએ છીએ. કાલે ટહુકાને પણ ચિત્રમાં અનુભવવો પડશે.
હમણાં મિત્ર વિનોદ ભટ્ટના મરણોત્તર શ્રદ્ધાંજલીઓ અને લાગણીઓના ભારે ધસારાને અનુભવવા મળી. સોશિયલ મિડિયા પર જે લોકો આટલું બધું લખે એ રૂબરૂ આવે પણ નહિ! આ એક નવી સામાજિકતા છે. એક જ શહેરમાં છીએ, પંદર-વીસ મિનિટ કે અડધો કલાકનું અંતર છે, પણ માણસને એની લાગણીઓ વીજાણું પડદે વ્યક્ત કરવી છે, પ્રત્યક્ષ નથી થવું. આ ખોટું છે કે ખરું છે તે ખબર નથી, પણ મનુષ્યની અભિવ્યક્તિની આ સબ-સિસ્ટમ કે વૈકલ્પિક વ્યાકરણ ઊભું થઈ રહ્યું છે. ચિંતા નથી, વિસ્મય છે.
કવિતાનું આવું થવા માંડ્યું છે. શબ્દો અણિયાળા હોય, એને આંજીને એક ભાવક તરીકે કવિને મળીએ ત્યારે એક અલગ જ માણસ દેખાય. સ્નેહરશ્મિ કે ઉમાશંકર કે સુરેશ દલાલ પાસે જે ધબકાર અને થડકાર અનુભવતા હતા તે ના દેખાય. કવિનો શબ્દ જે ‘યુગ યુગથી વહેતો વહેતો આવતો હોય.. ત્યારે તમને કાળની નદીની ખળખળ પ્રવાહિતા સંભળાય, તમને કોઇ શીતળ વાયુનો સ્પર્શ થયો હોય તેવી આહ્લાદક-ક્ષણોનું લખલખું પસાર થઈ જાય. એવું નથી થતું. કશુંક ખૂટે છે. મેં મારી દીર્ઘ સનંદી સેવામાં પણ જોયું કે ‘પ્રેઝન્ટેશન’ કરીને પોતે ખૂબ મોટું કામ કરી નાખ્યું છે એવો કશોક છીછરો-ભાવ પહેરીને ફરનારા અધિકારીઓ જોવા મળે. મિડિયાના આ હાથવગાં માળિયાંઓથી માણસને શોર્ટકટ ફાવવા લાગ્યો છે. એટલે સંબંધો પણ છીછરા થવા લાગ્યા છે. મનોરંજનમાં પણ કશું દીર્ઘકાલીન હોવાની જરૂર નથી. ફિલ્મી ગીતોનું આયુષ્ય ટૂંકું થતુ જાય છે, જોકે ભાવ અને કવિતાનાં તળિયાં ઘણાં ઉપર આવી ગયાં છે. આ એક ચિંતાભરી સ્થિતિ છે, પણ એક મોટો વર્ગ આને નવો યુગવળાંક છે એવું માની રહ્યો છે. આપણે ઉતાવળ નથી, પણ પ્રશ્ન તો ઊભો કરવો જ જોઈએ.
કવિ સોશિયલ મિડિયાના સરળતાથી ઉપલબ્ધ માધ્યમથી લપસી તો નથી પડ્યો ને! કવિતા તમને એક ઝાડ નીચે બેસીને કામુ કે કાફકા કે સુરેશ જોષી કે આનંદઘન કે બુદ્ધ કે મહાવીરના વિચાર કરતાં કેમ કરી ન મુકે… ક્યાંક આપણેે કવિ વિનાના ગામમાં તો નથી આવી ગયા ને!
ડો. સુધીરભાઈના પ્રેમાગ્રહથી આપણે નવી યાત્રાએ નીકળવું છે… નવી દુનિયાને શોધવી છે, એવી કોલંબસી કામના સાથે.
જય જય ગરવી ગુજરાત. ભાગ્યેશ.

લેખક ગાંધીનગરસ્થિત સર્જક છે.