એક દેશ ખુલ્લેઆમ આતંકીઓની મદદ કરે છે, UNમાં પાકિસ્તાન પર ભારતના પ્રહારો

 

સંયુક્ત રાષ્ટ્રઃ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતે ફરી એક વખત આંતકવાદના મુદ્દે પાકિસ્તાનને ખરી-ખરી સંભળાવી છે. આંતરરાષ્ટ્રિય મંચ પર ભારતે પાકિસ્તાનનું નામ લીધા વગર તેને ઉઘાડું પાડ્યું હતુ. પરિષદમાં ભારતના પ્રતિનિધિ નાગરાજ નાયડુએ કહ્યુ હતું કે, ભારત કેટલાય દાયકાઓથી પ્રોક્સી વોર અને સરહદ પારના આતંકવાદનો સામનો કરી રહ્યું છે. પાડોશી દેશની સરકાર ખુલ્લેઆમ આતંકીઓનુ સમર્થન કરે છે અને તેમને મદદ પૂરી પાડે છે. આ આંતકીઓને ટ્રેનિંગ, ફંડિંગ અને માહિતી તેમજ હથિયારો પણ આપવામાં આવે છે. જેથી તેઓ ભારતમાં આવીને હિંસા ફેલાવી શકે. કેટલાક દેશોએ ભારત સામે આડકતરુ યુધ્ધ છેડી રાખ્યુ છે. તેમણે કહ્યું હતું કે, આ દેશો આતંકવાદી જુથોને તમામ પ્રકારની મદદ કરી રહ્યા છે અને દુનિયાએ આવા દેશોનો ભેગા મળીને સામનો કરવો પડશે. આ તમામની સામૂહિક જવાબદારી છે. ભારતનું નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે પેરિસમાં ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક ચાલી રહી છે. જેમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવુ અથવા બ્લેક લિસ્ટમાં મુકવુ તેના પર નિર્ણય લેવાશે. જો પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મુકાશે તો તેની નાણાકીય મુશ્કેલીઓ વધી જશે. આ પહેલા પણ યુએનના મંચ પર ભારત પાક. સામે પુરાવા રજૂ કરીને આતંકવાદીની સમસ્યા પર વાત કરી ચુક્યુ છે