
ભારતીય જનતા પક્ષ દ્વારા સમગ્રદેશમાં એકસાથે જ લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાય એ મુદા્ને આગળ વધારવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ભાજપના શાસનવાળી રાજયસરકારોના મુખ્યપ્રધાન અને ઉપ મુખ્યપ્રધાનોની ઉચ્ચકક્ષાની બેઠકમાં પક્ષના મોવડીમંડળ દ્વારા એવો નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, જે જે રાજ્યોમાં ભાજપની સરકાર કાર્યરત છે તેઓ વિધાનસભામાં એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજવાનો ઠરાવ પસાર કરીને કેન્દ્રને ભલામણ કરે. ઉપરોકત બેઠકમાં પીએમઓના ઉચ્ચકક્ષાના અધિકારીઓે ઉપસ્થિત રહીને પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. દેશમાં વારંવાર ચૂંટણીઓ યોજાતી હોવાથી થતાો ખર્ચ અને સમયનો વ્યય અટકાવવો અનિવાર્ય છે એવું ભાજપની નેતાગીરી માની રહી છે. આ દિશામાં લોકમત ઊભો કરવા અને એની સંભાવના ચકાસવાના હેતુથી એક ખાસ માહોલ- વાતાવરણ ઊભું કરવાની પક્ષની નેમ છે. ગ્રામ પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે જુદા જુદા ચૂંટણીપત્રકો અને મતદારોની યાદીઓ ને કારણે નાણા અને સમય વેડફાય છે ત્યારે સમસ્ત દેશમાં એકજ સમયે તમામ ચૂંટણીનું આયોજન કરાય એ ફાયદાકારક બની રહે એમ છે. એક દેશ, એક ચૂંટણીનું સૂત્ર આમ જનતા સુધી પહોંચાડવા માટે અને સહુ એકત્ર બનીને એઅંગે પગલાં ભરે એવા વાતાવરણનું નિર્માણ કરવા માટે ભાજપ પ્રયાસ કરી રહ્યો છે.