એક જ ઘરમાં ત્રણ પેઢીનો ફેમિલી ડ્રામાઃ ફિલ્મ ‘હોપ ઔર હમ’

લગભગ 95 મિનિટની ફિલ્મ ‘હોપ ઔર હમ’ એક જ ઘરમાં રહેતી ત્રણ પેઢીની ફિલ્મ છે. વિખ્યાત એડ ફિલ્મમેકર સુદીપ બંદોપાધ્યાયના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ ફેમિલી ડ્રામા છે. આ ફિલ્મમાં ઘણી બધી વાતો મિસિંગ છે, ભૂલી જવાઈ છે.
ફિલ્મની સમયમર્યાદા ઓછી હોવા છતાં પણ જાણે લંબાઈ ગઈ હોય તેમ લાગે છે. ફિલ્મની વાર્તા સાવ જ સાદી અને સહજ રીતે કહેવામાં આવી છે. આ ફિલ્મની વાર્તા એવા પરિવારની છે, જે મુંબઈમાં સાથે રહે છે.
બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટની ફિલ્મ ‘રાઝી’ની સાથે સાથે નસીરુદ્દીન શાહની આ ફિલ્મ 11મી મેએ રિલીઝ થઈ છે. ફિલ્મમાં નસીરુદ્દીન શાહની સાથે સોનાલી કુલકર્ણી પણ છે. પરિવારમાં એકસાથે ત્રણ પેઢી રહે છે. ત્રણેય પેઢીનો જીવવાનો અંદાજ અલગ અલગ છે. તેઓ પોતાની જિંદગીને અલગ રીતે નિહાળે છે, પરંતુ એક ટ્વિીસ્ટ આવે છે, જેમાં તેઓના જીવનમાં ખાસ પરિવર્તન – બદલાવ આવે છે.
આ ફેમિલી ડ્રામામાં નસીરુદ્દીન નાગેશનું પાત્ર અદા કરે છે. નાગેશ 100 વર્ષ જૂનું કોપી મશીન રિપેર કરાવવા માગે છે જેને તે પોતાનો ખજાનો સમજે છે. જોકે મોટા ભાગનો પરિવાર ખાસ કરીને તેમની પુત્રવધૂ અદિતિ (સોનાલી કુલકર્ણી) આ મશીન રિપેરને સમય અને નાણાંનો વ્યય માને છે.
નાગેશનો પુત્ર નીતિન છે, જેની ભૂમિકા નવીન કસ્તુરિયા નિભાવે છે. નીતિનનો ફોન ખોવાઈ જાય છે. આ ફોન એક યુવતીને મળે છે. નીતિન આ યુવતીના પ્રેમમાં પડે છે. આ પછી વાર્તામાં ટ્વિસ્ટ આવે છે. ફિલ્મમાં નસીરુદ્દીન એક ફોટોકોપીની દુકાનમાં કામ કરે છે. તેઓ પરિવારમાં સૌથી મોટા છે. પોતાની વયના કારણે તેઓ ગંભીર વાતો કરી શકે છે. કેટલીક વાર જીવનના ખાટામીઠા અનુભવો પણ કહેતા રહે છે. થંબનેઇલ પિક્ચર્સ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ કેટલીક વાર સાવ સરળતાથી કહે છે કે, ‘વ્યક્તિને પ્રેમ કરો, વસ્તુઓને નહિ.’
આ ફિલ્મમાં કહેવા જેવું કંઈ નથી. નસીરુદ્દીન અને સોનાલી કુલકર્ણીના અભિનય નિહાળવા માટે ફિલ્મ જોઈ શકાય. (સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઈડ મિડિયા)