એક કરતાં વધુ બેંકમાં એકાઉન્ટ હોય તો થઈ શકે છે મુશ્કેલી, આ રીતે કરાવો બંધ

 

નવી દિલ્હીઃ બેંક આજકાલ એકાઉન્ટ પર ઘણા પ્રકારના ઓપરેશન ચાર્જ વસૂલે છે. જો તમારી પાસે એક કરતાં વધુ બેંક સેવિંગ એકાઉન્ટ છે તો સ્પષ્ટ છે કે વધુ ચાર્જ બેંકોને આપવો પડશે. નાણાકીય એડવાઇઝર પણ સલાહ આપે છે કે જરૂર કરતાં વધુ સેવિંગ એકાઉન્ટ ન રાખવા જોઇએ. જો તમને પણ લાગે છે કે તમારી પાસે બિનજરૂરી સેવિંગ એકાઉન્ટ્સ છે તો તમે તેને ક્લોઝ કરાવી શકો છો. તેના માટે કેટલીક પ્રક્રિયા અપનાવતાં હોય છે. 

આજના જમાનામાં ઘણા લોકો એકથી વધુ બેંક એકાઉન્ટ રાખે છે. તેને જરૂરિયાત સમજો કે પછી મજબૂરી. એક સામાન્ય વ્યક્તિ માટે આ મુશ્કેલીનું કારણ બની શકે છે, પરંતુ જો તમે એક બિઝનેસમેન છો અને દિવસભર પૈસાની લેણદેણ લાખો કરોડોમાં કરો છો તો આ તમારા માટે ફાયદાકારક છે. સેવિંગ્સ એકાઉન્ટને બંધ કરાવતાં પહેલાં તેની સમીક્ષા કરવાની જરૂર છે. તેમાં એ જુઓ કે તે એકાઉન્ટમાં ક્યાંક તમારી લોનના ઇએમઆઇ તો કપાતા નથી, અથવા રોકાણના પૈસા તો કપાતા નથી અથવા પછી કોઇ ટ્રેડિંગ એકાઉન્ટ તો લિંક્ડ નથી. જો આમ ન હોય તો તમે તે એકાઉન્ટને બંધ કરી શકો છો. એકાઉન્ટ બંધ કરતી વખતે તમારે ડી-લિજિંગ એકાઉન્ટ ફોર્મ ભરવું પડી શકે છે. જ્યારે તમે નક્કી કરી લો છો કે તમારે કયું બેંક સેવિંગ એકાઉન્ટ બંધ કરવું છે તો તે એકાઉન્ટમાંથી બધા પૈસા નિકાળી દો. આ કામ તમે એટીએમ અથવા ઓનલાઇન ટ્રાન્સફરની મદદ વડે કરી શકો છો.

તમારું બેંક એકાઉન્ટ બંધ કરાવવા માટે તમારે બ્રાંચમાં જઇને ક્લોઝર ફોર્મ ભરવું પડશે. તમારે એ પણ જણાવવું પડશે કે તમે તમારું સેવિંગ એકાઉન્ટ કેમ બંધ કરાવી રહ્યા છો. જો તમારા ખાતામાં પૈસા છે અને તમે તેને કોઇ બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માંગો છો તો તમારે એક વધુ ફોર્મ ભરવું પડશે. 

જો તમે તમારું સેવિંગ એકાઉન્ટ બંધ કરાવવા જઇ રહ્યા છો તો ઉપયોગ ન કરેલી ચેકબુક, પાસબુક અને ડેબિટ કાર્ડ જરૂર સાથે લઇ જાવ. ક્લોઝર ફોર્મ સાથે બેંક તમારી પાસે આ ત્રણે વસ્તુ જમા કરાવવા માટે કહી શકે છે. 

સામાન્ય રીતે સેવિંગ્સ એકાઉન્ટ ઓપન કરાવવાના ૧૪ દિવસમાં તેને બંધ કરાવતાં બેંક કોઇ ચાર્જ લેતી નથી. એક વર્ષના સમયગાળા દરમિયાન એકાઉન્ટ બંધ કરાવતાં તમારે ક્લોઝર ચાર્જ ચૂકવવો પડી શકે છે. એક વર્ષથી જૂના ખાતાને બંધ કરાવતાં બેંક સામાન્ય રીતે કોઇ ચાર્જ લેતી નથી.