એક ઈંચ જમીન પણ ચીનના કબજામાં નહિ જાય: રક્ષા મંત્રી રાજનાથ સિંહ

 

નવી દિલ્હી: ચીન સાથેના સંબંધ અને રશિયા-યુક્રેન યુદ્ધ વિશે વાત કરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, હવે નોર્થ ઈસ્ટમાં પણ હિંસા ખતમ થઈ ગઈ છે. ભારતે દરેક જગ્યાએ પોતાની સ્થિતિ મજબૂત કરી છે. ભારત હવે નબળું ભારત રહ્યું નથી. ભારત શક્તિશાળી થઈ ગયું છે. ભારતે આજ સુધી ન તો કોઈ દેશ પર આક્રમણ કર્યું છે કે ન તો કોઈ દેશની જમીન પર કબજો જમાવ્યો છે. ભારતનું એ જ ચરિત્ર રહ્યું છે, પરંતુ જો કોઈ ભારતને આંખ દેખાડશે તો ભારત તેનો જડબાતોડ જવાબ આપશે. રક્ષામંત્રીએ કડક શબ્દોમાં કહ્યું કે એક ઈંચ જમીન પણ ચીનના કબજામાં જશે નહિ. પહેલા પાક સાથે યુદ્ધવિરામની સંધિ થયા બાદ તેનો ભંગ થતો હતો. પરંતુ હાલ એક વર્ષથી કરતા પણ વધુ સમય થઈ ગયો છે, પરંતુ પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો નથી. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે રશિયા યુક્રેન સંકટથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે દુનિયાના જે બે દેશો વચ્ચે યુદ્ધ થશે તેમણે જ લડવું પડશે. ત્રીજો દેશ તેમા સામેલ થશે નહિ. યુક્રેનમાં ભારતીય બાળકો પણ ફસાયા હતા. તે દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ અમેરિકા, રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી અને વોર ઝોનમાંથી દેશના વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરી. ભારતમાં ૭૦ હજાર સ્ટાર્ટઅપ કામ કરી રહ્યા છે. ભારત ૧૪૭થી ૬૩માં નંબર પર આવી ગયું છે. ૧૮ હજાર ગામડાઓમાં એક વર્ષની અંદર વીજળી પહોંચી છે.