એકશન અને થ્રિલરનો ડબલ ડોઝ ધરાવતી ફિલ્મ ‘બાગી-ટુ’


ટાઇગર શ્રોફ અને દિશા પટણીની નવી ફિલ્મ ‘બાગી-ટુ’ એક્શન અને થ્રિલરનો ડબલ ડોઝ ધરાવે છે. ટાઇગર શ્રોફ દરેક ફિલ્મમાં એકસરખો લાગે છે. નિર્માતા સાજિદ નડિયાદવાલા અને ડિરેક્ટર અહમદ ખાનની આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ, દિશા પટણી, દીપક ડોબરિયાલ, મનોજ વાજપેયી, રણદીપ હુડા અને પ્રતીક બબ્બર છે.
‘હીરોપંતી’થી લઈને ‘બાગી-ટુ’ સુધી ટાઇગર શ્રોફમાં સરખામણી કરવી અઘરી છે. તે પોતાનું સશક્ત શરીર પ્રદર્શિત કરે છે, પરંતુ અભિનયમાં ઝીરો છે. ટાઇગર શ્રોફે ફિલ્મમાં સારો ડાન્સ પણ કર્યો નથી. ફિલ્મની વાર્તામાં અધવચ્ચે આવતાં ગીતો મનોરંજન નથી આપતાં, પરંતુ ફિલ્મની ગતિ પર બ્રેક મારે છે. આ ફિલ્મ સન 2016માં આવેલી તેલુગુ હિટ ફીલ્મ ‘ક્ષણમ’ની રિમેક છે.
ફિલ્મની વાર્તા એવી છે કે કોલેજમાં રોની (ટાઇગર શ્રોફ) અને નેહા (દિશા પટણી)ની મુલાકાત થાય છે. બન્ને પ્રેમમાં પડે છે અને લગ્ન કરવાનો નિર્ણય કરે છે. જોકે લગ્ન અગાઉ જ રોનીની ગર્લફ્રેન્ડ સાથે એક દુર્ઘટના બને છે અને ત્યાર પછી ફિલ્મમાં ટ્વિસ્ટ આવે છે.
લશ્કરમાં જવાન રોની (ટાઇગર શ્રોફ)ને ચાર વર્ષ પછી તેની પૂર્વ ગર્લફ્રેન્ડ નેહા (દિશા પટણી) મદદ માટે બોલાવે છે. તેની પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું છે. રિપોર્ટ લખાવ્યા પછી પણ પોલીસ મદદ કરી શકતી નથી. નેહાનો પતિ અને આસપાસના નાગરિકો સાબિત કરવામાં પડ્યા છે કે તે ખોટું છે, તે ખુલ્લી આંખોથી સપનું નિહાળે છે, તેની કોઈ પુત્રી છે જ નહિ. શું આ સાચું છે? શું રોની નેહાની પુત્રીનો પત્તો મેળવે છે?
આ ફિ્લ્મની વાર્તા ગોવામાં સર્જાયેલી છે. આ ફિલ્મમાં પણ ડ્રગ્સનો કારોબાર છે. મનોરંજન મળે તેવું કશું આ ફિલ્મમાં નથી.
એક્શન, થ્રિલર, સસ્પેન્સ, રોમાન્સથી ભરપૂર આ ફિલ્મમાં ટાઇગર અને દિશાની કેમિસ્ટ્રી જોવા જેવી છે. પ્રતીક બબ્બરે વિલનની ભૂમિકામાં કમબેક કર્યું છે. ટાઇગર શ્રોફના ચાહકો હો અને તેનો ડાન્સ-ફાઇટિંગ સિક્વન્સ ગમતી હોય તો આ ફિલ્મ જોવા જવાય. ફિલ્મના ગીત-સંગીતમાં મજા નથી. જેકલિન ફર્નાન્ડીસે ‘તેજાબ’ ફિલ્મમાં માધુરી દીક્ષિતે કરેલો ડાન્સ ‘એક દો તીન ચાર’ આ ફિલ્મમાં કર્યો છે, પણ તેમાં મજા નથી. 1988માં ‘તેજાબ’ ફિલ્મના માધુરીના ઓરિજિનલ ગીત જેવો દમ નથી. ફિ્લ્મનાં અંતિમ એક્શન દશ્યો હાસ્યાસ્પદ લાગે છે. આ એવરેજ ફિલ્મ છે.