એકલાં કેરળમાં કોરોનાના ૩૧ હજાર નવા દર્દી

 

નવી દિલ્હીઃ ભારતમાં માત્ર ૨૪ કલાકમાં ૧૨ હજારથી વધુ નવા દર્દીના ઉછાળા સાથે સારવાર હેઠળ છે તેવા દર્દીની સંખ્યામાં પણ ૨૭૦૦થી વધુનો વધારો આવ્યો છે. દેશમાં બુધવારે ૩૭,૫૯૩ નવા દર્દીના ઉમેરા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા સવા ત્રણ કરોડને પાર કરી, ૩ કરોડ, ૨૫ લાખ, ૧૨,૩૬૬ થઈ ગઈ છે.આજે  એકલાં કેરળમાં  વિક્રમી ૩૧,૪૪૫ નવા દર્દી સામે આવ્યા હતા, તો વધુ ૨૧૫ દર્દીનાં મોત થયાં હતાં. આ ડરાવનારા આંકડા જોતાં પહેલી લહેરની જેમ જ ત્રીજીલહેરની શરૂઆત પણ કેરળમાંથી જ થાય તેવાં એંધાણ દેખાય છે. દેશમાં ૨૪ કલાક દરમ્યાન વધુ ૬૪૮ દર્દીને કોરોનાએ કાળના મુખમાં ધકેલી દેતાં કુલ ૪,૩૫,૭૫૮ દર્દી જીવ ખોઈ ચૂક્યા છે. વધુ ૨૭૭૬ કેસના વધારા બાદ આજની તારીખે ૩,૨૨,૩૨૭ દર્દી સારવાર હેઠળ છે. કુલ સંક્રમિતોની સંખ્યા સામે સક્રિય કેસોનું પ્રમાણ ૧ ટકાથીયે નીચે ૦.૯૯ ટકા રહી ગયું છે. દેશના વિવિધ ભાગોમાં ૨૪ કલાક દરમ્યાન વધુ ૩૪,૧૬૯ દર્દીના ચીની વાઇરસની ચુંગાલમાંથી છૂટકારા બાદ કુલ ૩ કરોડ, ૧૭,૫૪,૨૮૧ દર્દી સંક્રમણ મુક્ત થઈ ગયા છે. સાજા દર્દીનો રિકવરી રેટ વધીને ૯૭.૬૭ ટકા થઈ ગયો છે. સંક્રમણનો દૈનિક દર વધીને ૨.૧૦ ટકા થઈ ગયો હતો.