એકનાથ શિંદે સરકારમાં અજિત પવાર નાયબ મુખ્યમંત્રી બન્યા

મુંબઈઃ અજિત પવારે મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે વિપક્ષના નેતા પદેથી રાજીનામું રાજ્યપાલ રમેશ બૈસને સુપરત કર્યું હતું. મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ભૂકંપ આવ્યો છે. અજિત પવારે NCP પ્રમુખ શરદ પવાર સામે બળવો કર્યો છે. આવી સ્થિતિમાં એનસીપી બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે અને શરદ પવારે પાર્ટી પરનો અંકુશ ગુમાવી દીધો છે. મોટી વાત એ છે કે અજિત પવારની સાથે એનસીપીના દિગ્ગજ નેતા છગન ભુજબળ સહિત લગભગ 30-40 ધારાસભ્યોનું સમર્થન હોવાનું કહેવાય છે. રાજ્યપાલે વિપક્ષના નેતા પદેથી અજિત પવારનું રાજીનામું પણ સ્વીકારી લીધું છે.
અજિત પવારે તેમના સમર્થક ધારાસભ્યો સાથે મળીને એકનાથ શિંદેની સરકારને સમર્થન આપ્યું છે. અજિત પવારના સમર્થન બાદ એકનાથ શિંદેની કેબિનેટનું વિસ્તરણ થયું છે. 2 જુલાઈએ જ નવા મંત્રીઓની શપથ લેવાઈ રહી છે. અજિત પવાર સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ રાજભવનમાં હાજર છે અને તેમની હાજરીમાં જ આજે શપથ ગ્રહણ સમારોહ યોજાઈ રહ્યો છે.
અજિત પવારે મહારાષ્ટ્ર સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે જ વરિષ્ઠ નેતા છગન ભુજબળે પણ મંત્રી પદના શપથ લીધા હતા.