એકજ દિવસમાં ૨૦ હજારથી વધુ એરલિફ્ટઃ કાબુલમાં અમેરિકા એરફોર્સની કામગીરી

 

ન્યુ યોર્કઃ અમેરિકી લશ્કરે અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરીમાં આ ઓપરેશન શરૂ થયું ત્યારથી સૌથી વધુ લોકોને બહાર કાઢ્યા છે. પણ ઘાતક હિંસાખોરીએ દેશ છોડીને જવા માગતા ઘણા લોકોને કાબુલ એરપોર્ટમાં પ્રવેશતી અટકાવી રહી છે અને તાલિબાનોએ સંકેત આપ્યો છે કે તેઓ ટૂંક સમયમાં આ એરલિફટ બંધ કરાવી શકે છે.

તાલિબાનના કબજા હેઠળના અફઘાનિસ્તાનમાંથી ૨૧,૬૦૦ લોકોને ૨૪ કલાકના સમયગાળામાં મંગળવારે વહેલી સવાર સુધીમાં બહાર કાઢવામાં આવ્યા હતા એમ વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું, આના આગલા દિવસે ૧૬,૦૦૦ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અમેરિકાના વિમાનોએ કુલ ૩૭ ઉડાનો ભરીને ૧૨૭૦૦ લોકોને બહાર કાઢ્યા હતા, આમાંથી ૩૨ ઉડાનો સી-૧૭ વિમાનોએ અને પ ઉડાનો સી-૧૩૦ વિમાનોએ ભરી હતી, જ્યારે બાકીની પ૭ ઉડાનો અમેરિકાના સાથી દેશોના વિમાનોએ ભરી હતી. પેન્ટાગોનના મુખ્ય પ્રવકતા જોહન કિર્બીએ સોમવારે જણાવ્યું હતું કે આ ઝડપથી લોકોને બહાર કાઢવાની કામગીરી કંઇક અંશે તાલીબાન કમાન્ડરોના સહકારને કારણે શક્ય બની છે જેઓ એરપોર્ટ પરથી લોકોને લઇ જવા દે છે. આ ઓપરેશનો ચાલુ રહે તે માટે તાલિબાન સાથે સંકલન ચાલુ રહે અને સંઘર્ષ સર્જાય નહીં તે જરૂરી છે એમ કિર્બીએ જણાવ્યું હતું.

એરપોર્ટની બહાર ભીડ ઓછી થઇ છે છતાં એરપોર્ટ સુધી પહોંચવાનું હજી મુશ્કેલ છે ત્યારે અમેરિકાનું લશ્કરી હેલિકોપ્ટર કેટલાક અમેરિકનોને એરપોર્ટ સુધી લઇ આવ્યું હતું. એરપોર્ટની બહાર કરવામાં આવ્યું હોય તેવું આ ઓછામાં ઓછું બીજું રેસ્ક્યુ ઓપરેશન છે.

CIA  ડિરેકટરે કાબુલની ગુપ્ત મુલાકાત લીધી

લોકોને દેશની બહાર લઇ જવા માટેના તનાવ ભર્યા ઓપરેશનો વચ્ચે સીઆઇએના ડિરેકટર વિલિયમ બર્ન્સ મંગળવારે ગુપ્ત રીતે કાબુલમાં પ્રવેશ્યા હતા, જેઓ ત્યાં તાલિબાનની ટોચની રાજકીય નેતાગીરીને મળવા માટે ગયા છે અને કેટલાક અમેરિકી અધિકારીઓએ એસોસીએટેડ પ્રેસને જણાવ્યું હતું.