ઋષિકેશ-કર્ણપ્રયાગ ૨૫ કિમી ટનલ પાંચ માસમાં તૈયાર કરવાનો રેકોર્ડ

 

 

ઋષિકેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સામેલ ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટના કાર્યમાં દરરોજ નવા આયામ સ્થાપિત થઈ રહ્યા છે. આ વખતે કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટના કાર્યમાં રેલ વિકાસ નિગમની કાર્યકારી સંસ્થાઓએ વિભિન્ન ફેસમાં પાંચ માસની અંદર ૨૫ કિલોમીટર ટનલિંગનુ કામ પૂરૂ કરી નવી સફળતા પ્રાપ્ત કરી લીધી છે. આ સાથે જ પરિયોજનામાં અત્યાર સુધી કુલ ૫૦ કિલોમીટર ટનલિંગનુ કામ પૂર્ણ કરી લેવાયુ છે. 

આ જાણકારી રેલ મંત્રાલયે ટ્વીટર હેન્ડલ પર જાહેર કરી. રેલ મંત્રાલયના આ ટ્વીટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ટ્વીટને પસંદ કરી અને શેર પણ કરી છે. ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પરિયોજના ભારતીય રેલવેની સૌથી પડકારપૂર્ણ રેલ પરિયોજના છે. ૧૨૫ કિલોમીટર લાંબી આ પરિયોજના પર ૧૦૫ કિલોમીટર રેલ લાઈન સુરંગોની અંદરથી થઈને પસાર થશે. 

આ પરિયોજના પર કુલ ૧૭ સુરંગોનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. આ પરિયોજનામાં લાંબી સુરંગ સુધી પહોંચવા માટે સાત એડિટ ટનલ બનાવવામાં આવશે, જેની લંબાઈ લગભગ ચાર કિલોમીટર છે. છ કિલોમીટરથી વધારે લાંબી સુરંગના સમાંતર એટલી જ લંબાઈની એસ્કેપ ચેનલ પણ બનાવવામાં આવશે, જેની કુલ લંબાઈ ૯૮ કિલોમીટર છે.

મુખ્ય ટનલ અને એસ્કેપ ચેનલને જોડવા માટે ૩૭૫ મીટરના અંતરે ક્રોસ પેસેજ બનાવવામાં આવી રહ્યા છે. આ ક્રોસ પેસેજની કુલ લંબાઈ લગભગ પાંચ કિલોમીટર છે. વર્તમાનમાં આ તમામ પ્રકારની સુરંગના નિર્માણનુ કાર્ય જારી છે.

રેલ મંત્રાલયે એક ટ્વીટ જારી કરી જણાવ્યુ કે કર્ણપ્રયાગ રેલ પરિયોજના પર અત્યાર સુધી કુલ ૫૦ કિલોમીટર સુરંગનુ નિર્માણ પૂર્ણ થઈ ચૂકયુ છે. આ ૫૦ કિલોમીટર સુરંગનુ નિર્માણ માત્ર મુખ્ય સુરંગ નથી, પરંતુ આ સાથે જોડાયેલી એડિટ ટનલ, ક્રોસ ટનલ અને સમાંતર ટનલ પણ સામેલ છે. મંત્રાલયના ટ્વીટમાં ખાસ વાત એ જણાવાઈ છે કે પરિયોજનાના નિર્માણમાં પાંચ માસમાં એટલી ઝડપ આવી છે કે આ સમયગાળામાં રેકોર્ડ કુલ ૨૫ કિલોમીટર ટનલનુ નિર્માણ પુરૂ થઈ શકયુ છે. ટનલિંગના કાર્યમાં આ ગતિ ખૂબ ઝડપી કહી શકાય છે