ઋણાનુબંધ

0
760

સેંકડો વર્ષો પહેલાંની વાત છે.
કાશીપુરીમાં પાંડુ કરીને એક ઝવેરી હતા. એક વાર એ પાટલીપુત્રથી રથમાં બેસી કાશી આવતા હતા. સાથે સોનામહોરો ભરેલી થેલી હતી.
સારથિ મહાદત્ત રથ ઝડપથી ચલાવતો હતો.
ઉનાળાના દિવસો હતા. માથું ફાટી જાય એવો તાપ પડતો હતો. એવે વખતે પાંડુ શેઠે એક સાધુને ઉઘાડા પગે ચાલતો જોયો. એમણે રથ થંભાવી સાધુને રથમાં બેસાડ્યો. સાધુ ખૂબ થાકેલો હતો. રથમાં બેઠા પછી તેનાથી બોલાઈ ગયુંઃ તમે મારા પર ભારે ઉપકાર કર્યો, શેઠ! પ્રભુ કરે ને હું વહેલી તકે તમારું આ ઋ઼ણ વાળી શકું.
આ સાંભળી શેઠને હસવું આવ્યું. તેમને થયું કે સાધુ કેમ કરી ઋણ વાળવાનો છે? એની પાસે છે શું?
રથ આગળ વધતો હતો. એવામાં એક સાંકડી નાળ આવી. નાળમાં આગળ જતાં એક ગાડું ચીલામાં ફસાઈ ચીટકી પડેલું દેખાયું. ગાડામાં ચોખાની ગૂણો ભરેલી હતી. ગાડાવાળાએ શેઠને આજીજી કરીઃ શેઠ, આપ કોઈ મને મદદ કરો તો પૈડું રેતીમાંથી બહાર નીકળી જાય.
શેઠે ગુસ્સે થઈ કહ્યુંઃ તો ગાડામાં આટલો બધો ભાર શા સારુ ભર્યો છે? મૂંગાં જાનવરોની પણ તમને લોકને દયા નથી! મહાદત્ત, પાડી નાખ એના કોથળા અને ધકેલી કાઢ ગાડું બાજુ પર! મારે મોડું થાય છે.
ગાડાવાળો આજીજી કરતો રહ્યો, ને મહાદત્તે એની ચોખાની ગૂણો ગાડામાંથી નીચે પાડી ખાલી ગાડું બાજુ પર કરી દીધું. હવે રસ્તો થયો. એટલે રથ આગળ ચાલ્યો.
ત્યાં તો સાધુએ ચાલતા રથમાંથી નીચે ઊતરી કહ્યુંઃ શેઠ, ઋ઼ણ વાળવાનો વખત આવી ગયો! હું જાઉં છું પેલા ગાડાવાળાને મદદ કરવા! એને મદદ કરી હું તમારા પરનું મારું ઋણ વાળીશ.
શેઠે નવાઈ પામી કહ્યુંઃ આ તમે કેવી રીતે વાત કરો છો? તમે ગાડાવાળાને મદદ કરો તો ગાડાવાળાનું ઋણ વળે, મારું કેવી રીતે વળે?
સાધુએ કહ્યુંઃ એ ગાડાવાળો તમારો સંબંધી છે. એના નસીબની જોડે તમારું નસીબ જોડાયેલું છે. તમારો ડગલો અને એનો ડગલો એક જ દરજીએ વેતરેલો ને સીવેલો છે.
ડગલો? શેઠે પોતે પહેરેલા ડગલા સામે જોઈ કહ્યું.
સાધુએ કહ્યુંઃ હા, એ ડગલો તે આ શરીર આ મન આ બુદ્ધિ! આપણાં કર્મ, અને આપણા વિચારો તે આપણો દરજી. આપણાં કર્મ પ્રમાણે આપણો ડગલો વેતરાય છે ને સિવાય છે.
આગળ સાંભળવા થોભ્યા વિના શેઠે રથ મારી મૂક્યો.
ગાડાવાળો માથે હાથ દઈ બેઠો હતો, ત્યાં સાધુને પાછા આવેલા જોઈ બોલ્યોઃ મહારાજ, આ પૈસાદારો કેવા દુષ્ટ છે?
સાધુએ કહ્યુંઃ આપણે કોઈનાં કર્મના કાજી શા સારુ થવું? આપણે એવા દુષ્ટ ન થઈએ એટલે બસ! આમ કહી એ એને કોથળા ચડાવવામાં મદદ કરવા લાગી ગયો.
કોથળા ગોઠવાયા, એટલે ફરી ગાડું ચાલ્યું. થોડે આગળ જતાં ગાડાવાળાને રસ્તામાં કંઈ પડેલું દેખાયું. જોયું, તો એ સોનામહોરો ભરેલી થેલી હતી.
સાધુએ કહ્યુંઃ પેલા શેઠની જ પડી ગઈ લાગે છે. લઈ જા, કાશી જઈ તું એ શેઠને આપજે!
ગાડાવાળાએ થેલી ગાડામાં સાચવીને મૂકી.

કાશીમાં મલ્લિક કરીને એક વેપારી હતો. તેણે ચોખાનો મોટો સોદો કર્યો હતો. આજે તેની છેલ્લી મુદત હતી, પણ ચોખા આવ્યા નહોતા અને મલ્લિકની શાખ જોખમમાં હતી. તેથી તે પોતાના મિત્ર પાંડુ શેઠની પાસે નાણાં ઉછીના લેવા ગયો. હવે એકાએક શેઠને પેલી સોનામહોરોની થેલી યાદ આવી. રથમાંથી નીચે ઉતારી જ નહોતી. શેઠ બેબાકળા બની ગયા. તેમણે સારથિ મહાદત્તને તતડાવી નાખ્યોઃ થેલી તેં જ તફડાવી છે!
મહાદત્તે કહ્યું કે, હું કંઈ જાણતો નથી. તોય શેઠના કહેવાથી કોટવાલે મહાદત્તને ચોર ઠરાવી કોટડીમાં પૂરી દીધો, ને ખૂબ ઠમઠોળ્યો.
એટલામાં પેલો ગાડાવાળો શેઠનું ઘર પૂછતો આવ્યો અને શેઠને સોનામહોરોની થેલી આપી ગયો. શેઠ ગળગળા થઈ ગયા. તેમણે કહ્યુંઃ ભાઈ, મેં તને હેરાન કર્યો તોય તેં મારા ઉપર જે ઉપકાર કર્યો એનું શું કારણ?
ગાડાવાળાએ કહ્યુંઃ એ બધું પેલા સાધુના સંગનું ફળ છે. એણે મને સમજાવ્યું કે શેઠના નસીબની સાથે તારું નસીબ જોડાયેલું છે; તારો ને શેઠનો ડગલો એક જ દરજીએ વેતરેલો ને સીવેલો છે.
આ શબ્દો સાંભળી શેઠ ચમક્યા. આવા જ શબ્દો સાધુએ તેમને પણ કહ્યા હતા. આજે તે શબ્દોનો મર્મ તેમને સમજાયો. તેમને સમજાયું કે મેં અજાણ્યા ગાડાવાળા પર ગુસ્સો કર્યો, તો એની અસર થઈ મારા મિત્ર મલ્લિક પર! મલ્લિકની આબરૂ જોખમમાં આવી પડી! સત્સંગે ગાડાવાળાને સન્માર્ગે પ્રેર્યો, તો એના એક સત્કર્મથી મલ્લિકની આબરૂ સચવાઈ. ખોયેલી થેલી મને મળી અને મહાદત્ત નિર્દોષ છૂટ્યો!
હવે શેઠમાં સાધુના સત્સંગની તૃષ્ણા જાગી. ખૂબ શોધાશોધ પછી એમણે સાધુને શોધી કાઢ્યા. સાધુએ ઉપદેશ કર્યોઃ ખેતરમાં વાવેલા અનાજના કણ બધા નહિ ઊગે, પણ સત્કર્મનો તો કણેકણ ઊગશે ને પાંગરશે, માટે સત્કર્મ કરો! અન્યના સુખે સુખી ને દુઃખે દુઃખી થાઓ! ડગલો કેવો છે એ નહિ જુઓ, ડગલાની અંદર સંતાયેલા ડગલાના ઓઢનારાને જુઓ! એમ જોશો તો તમે બધે તમને જ જોશો, અને બીજાને સુખી કરી તમે સુખી થશો. કર્મનું આ રહસ્ય છે. જેના પણ સંબંધમાં તમે આવો છો તે તમારા પર કંઈક છાપ મૂકી જાય છે, એ છાપને સંસ્કાર કહે છે. આ છાપ તમે ઓઢેલા ચામડાના બાહ્ય ડગલા પર નથી પડતી, પણ અંદર પ્રાણના, મનના અને બુદ્ધિના ડગલા પર પડે છે. આ ડગલાઓને સૂક્ષ્મ શરીરો કહે છે. એ છાપ જેટલી પાકી એટલી વધારે ટકે. એક વાર પાકી છાપ પાડી ગયેલો માણસ સો વર્ષે કે હજાર વર્ષે પણ ફરી મળે તોયે તરત તેની ઓળખ થઈ જાય છે.
શેઠે નવાઈ પામી કહ્યુંઃ સો વર્ષે? હજાર વર્ષે? કોણે જોયાં એટલાં વર્ષ?
સાધુએ કહ્યુંઃ ડગલો તો માંડ સો વર્ષ જુએ, પણ ડગલાનો ઓઢનારો ક્યાં કદી મરે છે? એ તો અજર છે, અમર છે, અજન્મા છે. સૂક્ષ્મ શરીરો પર પડેલી છાપ સારી હોય તો સદ્ભાવ થાય. જેમ મને જોઈ તમે રથમાં બેસાડ્યો, અને ખરાબ હોય તો દ્વેષ થાય જેમ પેલા ગાડાવાળા પર તમે ગુસ્સે થઈ ગયા!
શેઠે કહ્યુંઃ હું તો એ દિવસે પહેલી જ વાર તમને અને ગાડાવાળાને મળતો હતો, તો એ છાપ ક્યારે પડી?
સાધુએ કહ્યુંઃ પહેલાં પહેલાં આ જિંદગીનીયે પહેલાં પડેલી એ છાપ છે. શેઠ, ભૂતકાળની કેડી બહુ સાંકડી છે. જ્ઞાનની મશાલ લઈને ધીરે ધીરે તેમાં માર્ગ શોધતા જશો તો એક દિવસ બધું જડી જશે, કોકડું ઊકલી જશે અને સમજાઈ જશે કે વર્તમાન એ વૃક્ષ પણ છે અને બી પણ છે. ભૂતકાળનાં બી (કર્મ)માંથી ઊગેલું એ વૃક્ષ છે અને ભવિષ્યમાં ઊગનારા વૃક્ષનું એ બી છે.
પાંડુ ઝવેરીનું મન હવે સાધુસંતની સેવા કરવા તરફ ઢળ્યું. તેમણે સાધુઓ માટે વિહાર બંધાવ્યા, વિદ્યાના પ્રચાર માટે પાઠશાળાઓ બંધાવી, અન્નક્ષેત્રો પણ ખોલ્યાં.

હવે મહાદત્તનું શું થયું તે જોઈએ.
એ ચોરીના આરોપમાંથી તો છૂટ્યો, પણ શેઠ પર એને ખૂબ ગુસ્સો હતો. તે બોલ્યોઃ એ ધનવાન એટલે સાચા અને હું ગરીબ એટલે જૂઠો? વીસ વીસ વરસ લગી વફાદીરીથી મેં નોકરી કરી તેનો આ બદલો? એનો ધનનો મદ ઉતારું તો હું ખરો!
શેઠ પર વેર લેવાની ધૂનમાં એણે લૂંટારાની ટોળી જમાવી અને જતા-આવતા માણસોને લૂંટવા માંડ્યા. એમ કરતાં એક વાર પાંડુ ઝવેરી એના હાથમાં આવી ગયા. તેણે એક રાજા માટે મહામૂલો હીરાજડિત મુગટ બનાવ્યો હતો. અંગરક્ષકોને સાથે લઈને રાજાને માલ પહોંચાડવા જતા હતા. ત્યાં રસ્તામાં મહાદત્તે એમને આંતર્યા. અંગરક્ષકો ભાગી ગયા. મહાદત્તના માણસોએ તમામ માલ લૂંટી લીધો. મહાદત્તે શેઠની છાતીમાં લાત મારી કહ્યુંઃ નીચ કુત્તા, મારે તને મારવો નથી, પણ તને રડવા વાસ્તે જીવતો રાખવો છે!
શેઠે કહ્યુંઃ મહાદત્ત, આ બધું છોડી દે! હું તને મારા દીકરા ગોડે મારે ઘેર રાખીશ.
મહાદત્તે કહ્યુંઃ વાહ રે મારા પરોપકારી શેઠ. તમારે ઘેર રહેવાનો સ્વાદ હું ચાખી ચૂક્યો છે. હવે હું મારા આ બધા વફાદાર ભાઈબંધોને છોડવા રાજી નથી. હું તમારા જેવો નીચ સ્વાર્થી નથી.
આમ કહી લૂંટનો માલ લઈ એ પોતાના સાથીદારોની સાથે જંગલમાં અદશ્ય થઈ ગયો.
શેઠને સાધુના શબ્દો યાદ આવ્યા. તે સમજ્યો કે મહાદત્તના ચિત્ત પર મારા વિશે જે ખરાબ છાપ પડી છે તે અત્યારે બોલી રહી છે. હવે સામી સારી છાપ પાડી શકાય તો જ એ ખરાબ છાપનું બળ ઓછું થાય.
આમ વિચારી તેમણે લૂંટની ફરિયાદ કોટવાલને કરી નહિ. મનમાં કહેઃ છો મારું ધન લઈને એ લોકો સુખી થતા! એટલા દિવસ તો તેઓ સન્માર્ગે ચાલશે.
આ તરફ મહાદત્તને એના વફાદાર સાથીદારો સાથે કજિયો થઈ ગયો. શેઠની પાસેથી લૂંટેલું ધન મહાદત્તે પોતાના કબજે રાખ્યું હતું. એની ઇચ્છા બધું થાળે પડે પછી તેના ભાગ પાડવાની હતી, પણ એના સાથીદારો કહેઃ નહિ, હમણાં જ ભાગ પાડો! તારે બધું ધન પચાવી પાડવું છે એટલે તું ના કહે છે! અમને તારા પર વિશ્વાસ નથી.
આ સાંભળી મહાદત્તનો પિત્તો ગયો ગાળાગાળામાંથી વાત મારામારી પર આવી અને તલવારો ખેંચાણી. મહાદત્તે ચારપાંચને ભોં-ચાટતા કર્યા અને એ પોતે પણ ઘવાઈને બેભાન થઈ પડ્યો. બીજા ભાગી ગયા.
હવે બન્યું એવું કે થોડી વાર પછી પેલા સાધુ ત્યાં થઈને નીકળ્યા. શબોના ઢગલામાં એકમાત્ર મહાદત્તને જીવતો રહેલો જોઈ એ તેની પાસે ગયા. સારવાર કરી તેમણે એને ભાનમાં આણ્યો. મહાદત્તે આંખો ઉઘાડી. તેણે સાધુને ઓળખ્યા. સાધુએ કહ્યુંઃ ભાઈ, જિંદગીમાં કંઈ સત્કર્મ કર્યું હોય તો યાદ કર!
મહાદત્તે કહ્યુંઃ સત્કર્મ તો કંઈ કર્યાનું યાદ નથી, પણ કંઈ કર્યું હશે ખરું! એ વિના મરતી વખતે તમારા જેવા સાધુનાં દર્શન થાય નહિ અને સાધુના ખોળામાં મરવાનું મળે નહિ!
આમ કહી એણે પાંડુ ઝવેરીનું ધન ક્યાં છુપાવ્યું હતું તે સાધુને બતાવી કહ્યુંઃ મહારાજ, પાંડુ શેઠને એમનું ધન પાછું પહોચાડજો અને કહેજો કે મહાદત્ત તમને યાદ કરતો ગયો છે. તમે એને તમારે ઘેર દીકરા ગોડે રાખવાનું વચન આપ્યું છે એ ભૂલતા નહિ!
આ પછી તરત એણે દેહ છોડ્યો.
સાધુએ પાંડુ શેઠને બધા સમાચાર કહ્યા. એમનું ધન પાછું મળ્યું, પણ હવે એમનું મન ધનમાલની માયામાંથી ઊઠી ગયું હતું. માલમિલકત પુત્ર-પરિવારને સોંપી ઘરબાર છોડી એ વિહારમાં જઈને રહ્યા. બાકીની જિંદગી એમણે ઈશ્વરચિંતનમાં અને જનહિતનાં કામો કરવામાં વિતાવી.

પાંડુ ઝવેરી હવે વૃદ્ધ હતા અને મરણપથારીએ હતા. એમની આસપાસ સાધુમંડળી બેઠી હતી. પેલા સાધુ એમના ઓશીકા આગળ બેઠા હતા.
પાંડુની આંખો બંધ હતી. એકાએક તેમના મોં પર તેજની લકીર દેખાઈ. તેમના કંઠમાંથી અવાજ આવ્યોઃ વાહ, શી પ્રભુની દયા છે! આવા ભીષણ અંધકારમાં મને વાટ જડી કેવી રીતે? આટલાં પાપકર્મો કર્યા પછી મારું ચિત્ત આટલું શાંત થયું જ કેવી રીતે? અહોહોહો! આ હું છું? આવો દુષ્ટ? આવો પાતકી? પેલા બાપડાને મેં મારી આખ્યો ને હું નાસી ગયો! વળી પાછો હું આવ્યો. આ વખતે મેં ચોરી કરી અને આરોપ બીજાને માથે નાખ્યો! વળી પાછો હું આવ્યો. આહ! વેરની આગમાં મેં પેલાના ઘરને આગ લગાડી દીધી એનો પાક બાળી નાખ્યો. એનાં બૈરી-છોકરાંને ભીખ માંગતાં કર્યાં! આહ, વળી પાછો હું આવ્યો. આ વખતે મારાં જ બૈરી-છોકરાંને ભૂખે ટળવળતાં મેલી હું મારો જીવ વહાલો કરી નાઠો, પણ કોકના કરેલા ગુનામાં હું સપડાઈ ગયો, મારા હાથપગ કાપી નાખવામાં આવ્યા અને કૂતરા બિલાડાના મોતે હું મર્યો! આહ, વળી પાછો હું આવ્યો. રાજાનો દીકરો થઈને! હતું એ ઘણું હતું, તોય વધારે વાસ્તે લશ્કર લઈ દેશ જીતવા ઊપડ્યો કતલ! કતલ! કતલ! લોહી! લોહી! લોહી! હું હાર્યો, મને હાથીના પગ તળે છૂંદી માર્યો! આહ, શી દયા છે!
સાધુએ ધીરેથી કહ્યુંઃ બંધુ, કતલમાં દયા દેખાય છે?
પાંડુએ આ સાંભળ્યું નહિ હોય, એમનું બોલવાનું ચાલુ હતુંઃ આહ, શી દયા છે! મેં બીજાને નથી માર્યો, મેં મને જ મારી નાખ્યો છે. મેં બીજાના ઘરમાં ચોરી નથી કરી, મારા જ ઘરમાં કરી છે! મેં બીજાનાં બૈરી-છોકરાંને ભીખ માગતાં નથી કર્યાં, મારાંને જ કર્યાં છે! હું કોકે કરેલા ગુનામાં નથી સપડાયો, પણ મારી જ ઉપર વેર નથી લીધું, પણ મારી જ ઉપર લીધું છે, મેં જ મને હાથીના પગ તળે છૂંદી માર્યો છે. મેં જ મને છેતર્યો છે. મેં જ મને રઝળાવ્યો છે, દંડ્યો છે, ડામ્યો છે, રિબાવ્યો છે, ભૂખેતરસે ટટળાવ્યો છેઃ મેં જ એ બધું મને કર્યું છે. બધાના મૂળમાં હું છું. એ હું જ સૌથી ખરાબ છે, એ હું જ સૌથી ભૂંડો છે. એ હુંએ જ મને ઘોર અંધકારમાં આંખે પાટા બાંધીને ફેરવ્યો છે.
થોડી વાર અટકી વળી એમણે બોલવા માંડ્યુંઃ દયા એ દયા જ છે. ઢગલો અંધારું પ્રકાશના એક કિરણનેયે ઢાંકી નથી શકતું. તેમ પાપકર્મોના કાળમીંઢ ઢગલામાં આ એક તણખલા જેવડું મારું સત્કર્મ ઝબૂક ઝબૂક થાય છે. હજારો વર્ષે પણ એનો ઝબકારો હોલવાયો નથી. એ નાનકડું બી ઊગ્યું ને ધીમે ધીમે એમાંથી મોટો ઘેઘૂર વડલો બની ગયો! ધન્ય છે મારા સાધુ! શી તમારી દયા છે! પહેલી વાર તમે આવ્યા ત્યારે મારે બારણેથી ધક્કો મારી મેં તમનેં મેં કાઢી મેલ્યા! બીજી વાર તમે મારા અનાથ ભાંડુ બનીને આવ્યા ત્યારે મને-કમને મેં તમને સૂકો રોટલો ખવડાવ્યો. આપવાનું તો મારી પાસે ઘણું હતું, પણ મેં કશું જ આપ્યું નહિ. વળી ત્રીજી વાર તમે આવ્યા મારો દીકરો થઈને, મારી મિલકતાના વારસ થઈને, પણ હું તમને આપું એ પહેલાં મારા જ હાથે મારી બધી મિલકત ફના થઈ ગઈ. વળી ચોથી વાર તમે આવ્યા. આપણે લડી પડ્યા, પણ તમે જીત્યા ને હું હાર્યો. વળી ફરી તમે આવ્યા. મેં કહ્યુંઃ તમે કંજૂસ છો, તમે લોભી છો, સ્વાર્થી છો; કશું આપતા નથી, માત્ર લીધા કરો છો. પણ આજે મને સમજાય છે કે લોભી અને સ્વાર્થી તમે નહિ, પણ હું હતો. વળી તમે ફરી આવ્યા. ઘડી બે ઘડી તમે મારા રથમાં બેઠા, તેમાં તો તમે મારા આખા આયુષ્યને અજવાળી નાખ્યું! પ્રભુ, હવે નથી વંચાતું, બધે તેજ તેજ થઈ ગયું છે! હવે વાંચવાનું મન નથી. તણખો અગ્નિ બની ગયો છે. હવે એ તણખો નથી, એ અગ્નિ છે, એ પાવક છે! એ પુણ્ય છે! એ ધન્ય છે!
સાધુએ પાંડુના કપાળ પર હળવેથી હાથ મૂક્યો.
પાંડુએ થોડી વાર રહી આંખો ઉઘાડી. એમની આંખોમાં શાંતિ હતી, સુખ હતું, સંતોષ હતો.
સાધુએ પાંડુનો હાથ પોતાના હાથમાં લઈ સાધુમંડળીને કહ્યુંઃ આજે બંધુને સમ્યક્દર્શન થયું છે, બંધુ પરમ પદ પામ્યા છે.
ઘડીક પછી પાંડુએ આંખો મીંચી.
સાધુમંડળીએ ભગવાનનો ગુણાનુવાદ કર્યો.