ઉ.ભારતમાં હાડ ગાળતી ઠંડીઃ લેહ માઇનસ ૧૬.૩ ડિગ્રીએ થીજી ગયું

 

નવી દિલ્હીઃ હિમવર્ષાને કારણે ઉત્તર ભારતના તમામ વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે અને હાડ થિજાવતી ઠંડીએ આ વિસ્તારોને બાનમાં લીધા છે.  સંઘ પ્રદેશ કાશ્મીર, લેહ-લદાખ તેમજ હિમાચલ પ્રદેશના પ્રવાસન વિસ્તારોમાં હાલ તાપમાન માઇનસમાં પ્રવર્તી રહ્યું છે. અહીંના કેટલાક વિસ્તારોમાં ભારે હિમવર્ષા પણ થઈ છે. શ્રીનગરમાં -૨.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે, જ્યારે રાજધાની દિલ્હીમાં પણ લઘુતમ તાપમાન સાત ડિગ્રીથી ઓછું નોંધાયું છે. 

દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે મહત્તમ તાપમાન ૧૬.૭ ડિગ્રી સેલ્શિયસ અને લઘુતમ તાપમાન સાત ડિગ્રી નોંધાયું છે. કાશ્મીરખીણ અને લદાખના વિસ્તારોમાં તાપમાન યથાવત્ અને શૂન્ય ડિગ્રીથી નીચે રહ્યું છે. અહીં રસ્તાઓ પર બરફના થર જામવાના કારણે વાહનવ્યવહારમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ છે. શ્રીનગરમાં લઘુતમ તાપમાનનો પારો વધુ ગગડ્યો છે. શનિવારે અહીં -૧.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું, જ્યારે આજે -૨.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. લદાખમાં આવેલા લેહમાં -૧૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, એમાં ઘટાડો થઈ રવિવારે -૧૬.૩ ડિગ્રી તાપમાન થયું છે. જોકે કાશ્મીરના મોટા ભાગના વિસ્તારમાં દિવસના સમયે તડકો હોવાથી લોકોને થોડી રાહત અનુભવાઈ રહી છે. 

હિમાચલ પ્રદેશનાં પ્રવાસન આકર્ષણ ગણાતાં સ્થળોનું લઘુતમ તાપમાન પણ શૂન્ય ડિગ્રીથી નીચે પહોંચ્યું છે. મનાલીમાં -૪.૪ ડિગ્રી, ડેલહાઉસીમાં -૨.૪ ડિગ્રી, કુફરીમાં -૪.૬ ડિગ્રી અને શિમલામાં -૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. લાહૌલ-સ્પિતિ એ હિમાચલનાં સૌથી ઠંડાં સ્થળ હોવાનો રેકોર્ડ જાળવ્યો છે. અહીં -૧૪.૬ ડિગ્રી તાપમાન છે. હિમાચલના કિન્નૌર-કલ્પામાં -૮.૪ ડિગ્રી તાપમાન છે. આ ઉપરાંત છટરારી, ખદરાલા, શિમલા અને કોઠીમાં ભારે હિમવર્ષા થઈ છે.