ઉ. કોરિયાનો દાવો, WHOને  કહ્યું- હજુ એકપણ કેસ નોંધાયો નથી

Korea North Supreme leader Kim Jong-un. (File Photo: IANS)

 

સિયોલઃ ઉત્તર કોરિયાએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) માં રજૂ કરેલા પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં દાવો કર્યો છે કે દેશ હજુ પણ કોરોના વાઇરસથી મુક્ત છે. ઉત્તર કોરિયાએ આશરે એક વર્ષ પહેલા સંક્રમણની શરૂઆતમાં દેશને મહામારીથી મુક્ત રાખવાના પ્રયાસને રાષ્ટ્રના અસ્તિત્વનો સવાલ ગણાવ્યો હતો. 

ઉત્તર કોરિયાએ પોતાની સરહદો બંધ રાખી છે. પર્યટકોના આગમન પર પ્રતિબંધ છે અને રાજદ્વારીઓને પણ દેશની બહાર મોકલી દેવામાં આવ્યા છે. સંક્રમણના લક્ષણવાળા હજારો લોકોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે, પરંતુ ઉત્તર કોરિયાનું કહેવું છે કે દેશમાં હજુ સુધી કોરોના વાઇરસનો એક પણ કેસ સામે આવ્યો નથી. 

આ એક એવો દાવો છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કારણ કે ઉત્તર કોરિયાની સ્વાસ્થ્ય સિસ્ટમ સારી નથી અને દેશનો કારોબાર પણ સંક્રમણથી પ્રભાવિત ચીનની સાથે છે અને આ કારોબાર તેની અર્થવ્યવસ્થા માટે જીવન રેખા સમાન છે. 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઉત્તર કોરિયાના પ્રતિનિધિ એડવિલ સલ્વાડોરે એસોસિએટેડ પ્રેસને બુધવારે જણાવ્યુ કે ઉત્તર કોરિયાએ કહ્યું કે, તેણે મહામારીની શરૂઆત એક એપ્રિલ સુધી ૨૩,૧૨૧ લોકોની તપાસ કરી છે, પરંતુ તેમાંથી કોઈ સંક્રમિત મળ્યું નથી. સલ્વાડોરે કહ્યુ કે, ઉત્તર કોરિયાએ ૨૬ માર્ચથી ૧ એપ્રિલ વચ્ચે ૭૩૨ લોકોની તપાસ કરી છે. 

વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર કોરિયા આઇસોલેશન સેન્ટરમાં મોકલેલા લોકોની સંખ્યા હવે એજન્સી સાથે શેર કરી રહ્યું નથી. 

મહત્ત્વનું છે કે ઉત્તર કોરિયાએ મંગળવારે કહ્યું હતું કે તે કોરોના વાઇરસથી પોતાના ખેલાડીઓની રક્ષા કરવા માટે ટોક્યિો ઓલિમ્પિકમાં ભાગ લેશે નહીં.