(ગતાંકથી ચાલુ)
એક એવા યુગમાં આપણે પ્રવેશી રહ્યા છીએ, જેમાં માણસે પોતાના એકના એક એવા લાડકા હૃદયની માવજત કરવી પડશે. સહૃદયતા વિનાની સમૃદ્ધિ રાવણત્વની જનેતા છે. ભીના હૃદયના માલિક હોવું એ જ સમૃદ્ધિનું ગૌરીશંકર છે. તાતા, બિરલા કે અંબાણી તો એવા માલિક આગળ ગરીબગુરબાં ગણાય. તમાકુના વિશાળ ખેતર કરતાં એક નાનકડો તુલસીક્યારો અધિક મૂલ્યવાન છે. રાવણ પાસે સોનાની લંકા હતી. તોય એ ગરીબ હતો. શબરી પાસે કેવળ બોર હતાં તોય એ સમૃદ્ધ હતી. પ્રત્યેક માણસ ઉમળકાથી છલકાતું હોય એવું બીજું હૃદય ઝંખે છે. એવું હૃદય હવે હારવાની અણી પર છે.
આજની દુનિયામાં જ્યાં જુઓ ત્યાં ચાલાકીના ચાસ પડતા રહે છે. બધી દુકાનોમાં ચાલાકી વેચાયા કરે છે. બધી ઓફિસોમાં ચાલાકી દબાતી રહે છે. ટેલિફોન પર ચાલાકીથી લથપથ એવા શબ્દો દ્વારા વહેવારની હેરાફેરી થતી રહે છે ચાલાકીથી થાકેલો આદમી રાત પડે ત્યારે શરાબને શરણે જતો હોય છે. જ્યાં નશો હોય ત્યાં ચાલાકી ગેરહાજર હોય છે. ચાલાકીની ગેરહાજરી માણસને થોડાક કલાકો માટે રાહત આપતી જણાય છે.
ડેનિયલ ગોલમેન પોતાના પુસ્તક ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં માણસની ઊર્મિઓનો મહિમા કરે છે. એ ઊર્મિઓનું મંદિર આપણા હૃદયમાં આવેલું છે. ડેનિયલ હૃદયને ઇમોશનલ બ્રેઇન તરીકે ઓળખાવે છે. કેટલાક માણસો પાસે તેજસ્વી મસ્તિષ્ક હોય છે, પરંતુ સંવેદનશીલ હૃદય નથી હોતું. આવા માણસો બીજું બધું પામે છે, પરંતુ પ્રેમનો પ્રસાદ નથી પામતા. એમના બંગલા પર ચોકીપહેરો હોય છે. બંગલો ભારે રોનકદાર હોય છે. ઝીણી નજરે જોઈએ તો બંગલામાં અટવાતી ગરીબી પણ રોનકદાર હોય છે. જે બંગલામાં સંવેદનવૈભવ ગેરહાજર હોય તે બંગલામાં કવિ જઈ શકે? આવો કોઈ સંવેદનશૂન્ય માણસ જે રોગથી કણસે છે તેને ડેનિયલ ગોલમેન ‘ઇમોશનલ ઇલ્લિટરસી (ઊર્મિની અભણતા) તરીકે ઓળખાવે છે. કોને ઘરે મહેમાન ન થવું તેની સમજણ કવિઓ, કલાકારો અને કથાકારો પાસે હોવી જોઈએ. દુર્યોધનના મેવા ન ખપે, વિદુરની ભાજી ખપે!
મનમાં એવો વહેમ પડે છે કે આજનો માણસ સામેવાળાનો ઇરાદો પામી જવામાં સફળ થાય છે, પરંતુ સામેવાળાનું હૃદય પામવાનું ચૂકી જાય છે. ટીવી-સિરિયલોમાં સામા માણસના મલિન ઇરાદા અંગેની તર્કબદ્ધ અટકળોની જલેબી તળાતી રહે છે. કલ્પનામાં પણ ન આવે એવો સજ્જન મિત્ર દગો કરે ત્યારે જે હૃદય ભાંગી પડે તે હૃદય ચાલાક માણસનું નથી હોતું. હૃદય ભાંગી પડે તે એટલું તો સાબિત કરે જ છે કે એ માણસને હૃદય હતું! બિઝનેસની બોલબાલા વધી પડે તે સમાજમાં પૈસા ખાતર થતી દગાબાજી વધી પડે છે. માનવસંબંધોમાં મીઠાશ ઘટતી જાય અને ગણતરી વધતી જાય ત્યારે માણસની મદદે તમાકુ, શરાબ અને ચરસ આવે છે. શરાબની બદનામી બહુ થઈ છે, પરંતુ એની દયાવૃત્તિની કદર થઈ નથી. શરાબ દુઃખભંજક અને પીડાશામક છે. લાગણીની ભૂખ ન સંતોષાય ત્યારે બીજી ભૂખ જાગે છે. સ્નેહની તરસ ન સંતોષાય ત્યારે બીજી તરસ ઊગે છે. ચાલાકીના ચક્રવ્યૂહમાં ઉમળકાનું અગ્નિસ્નાન થતું રહે છે. વ્યસનના મૂળમાં ઉમળકાનું અગ્નિસ્નાન રહેલું છે. ઈશ્વર જેવું કોઈ આશ્વાસન નથી. બીજે નંબરે નશો! એની દયા ખૂબ મોંઘી પડે છે.
માણસની બધી ચાલાકી બીજાને છેતરવામાં વપરાઈ જાય પછી જે ચાપુચપટી ચાલાકી બચે તે લઈને એ મંદિરે પહોંચી જાય છે. મંદિરની દાનપેટીમાં ચાલાક માણસ થોડાક સિક્કા પધરાવે છે. મંદિરનાં પગથિયાં ઊતરતી વખતે એને થાય છે કે ભગવાન હવે ઝાઝી માથાકૂટ નહિ કરે. ખરેખર એમ જ બને છે. દાનપેટીમાં પૂજારીને રસ હોય છે, ભગવાનને નહિ. ભગવાનને દાનપેટીમાં નહિ, હૃદયપેટીમાં રસ હોય છે. ચાલાક માણસ એટલે એવો માણસ જેનું હૃદય ખાલીખમ હોય છે. હૃદય દગો વેઠી શકે, દગો કરી ન શકે. દગો દેવાનું કામ તો હૃદય મસ્તિષ્ક પર છોડી દે છે. કોમ્પ્યુટર મસ્તિષ્કને ઝીલવાનું કામ કરે ખરું, પરંતુ હૃદયને સમજવાનું કામ કદી નહિ કરી શકે. મસ્તિષ્કનો વિકાસ બહુ થયો, પરંતુ હૃદયની કેળવણી ન થઈ. આજની દુનિયાની ઘણીખરી સમસ્યાઓના મૂળમાં અવિકસિત હૃદયની અતૃપ્ત ઝંખનાનો હાહાકાર વરતાય છે.
ક્યારેક ઘરના ઝાંપે પાટિયા પર સંદેશો લખવાનું મન થાય છેઃ
ખાલી હાથે આવજો, પરંતુ ખાલી હૃદયે ન આવશો.
તમારો અને મારો સમય મૂલ્યવાન છે.
તમે ચાલાકીથી ઘ્છલકાતું ઉમળકાવિહીન પ્રવચન સાંભળ્યું છે? પ્રવચન કરનારો યંત્રમાનવ (રોબો) છે કે જીવતોજાગતો મનુષ્ય?
ઘણી વાર મનમાં એક વિચિત્ર પ્રશ્ન થયો છેઃ બહુમતી કોની? છેતરનારા લોકોની કે છેતરાઈ જનારા લોકોની? દગો દેનારા લોકોની સંખ્યા કરતાં દગો પામનારા લોકોની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી છે તેથી જ સમાજ જીવે છે. સમાજમાં કદી પણ ચોરી કરનારા, ખૂન કરનારા, લૂંટ ચલાવનારા અને આતંક મચાવનારા લોકોની સંખ્યા મોટી નથી હોતી. ગમે તેટલી નિરાશાજનક પરિસ્થિતિમાં પણ આ બાબત ભૂલવા જેવી નથી. થોમસ પેઇન પોતાના પુસ્તક, ‘ધ એજ ઓફ રીઝન’માં વિધાન કરે છેઃ ‘મારું મન એ જ મારું ચર્ચ છે.’ જો આ વિધાન સાચું હોય તો પછી ચર્ચમાં જવાની જરૂર ખરી?? માણસ મંદિરે કે મસ્જિદે જાય છે અને ત્યાં બહાર આવીને પોતાના રોજિંદા કામે લાગી જાય છે. એમાં કશું ખોટું પણ નથી. એના મનની વૃત્તિમાં કોઈ જ ફેર ન પડે ત્યારે થાય છે કે પૂજા કે નમાજ કેવળ વિધિ કે બાહ્યાચાર છે. રોજ આવો વ્યાયામ કરવાથી મનમાં મંદિર નથી રચાતું. દાણચોરની દાણચોરી ચાલુ રહે છે. ઓફિસરનો ભ્રષ્ટાચાર ચાલુ રહે છે. બિલ્ડરની છેતરપિંડી ચાલુ રહે છે. ઈશ્વર લાચાર છે.
ટેક્નોલોજી નવા ધર્મનો લેબાસ ધારણ કરીને આપણી સમક્ષ આવી પહોંચી છે. ગણપતિને સ્થાને કોમ્પ્યૂટર ગોઠવાઈ જાય છે. ટેલિકોમ્યુનિકેશનને કારણે ભૌતિક અંતરનું મૃત્યુ શક્ય બન્યું છે. ઈશ્વર સગવડ બનીને પોતાની કૃપા વરસાવી રહ્યો છે. પેઇનકિલરની ગોળી મનુષ્ય માટે પીડાહારિણી માતા બની રહે છે. દુનિયા નાની થતી જાય છે, પરંતુ હૃદયની વિશાળતા વધતી નથી. માણસની લાગણીના પરિઘમાં ક્યારેક માતા-પિતા પણ હોતાં નથી! જે પરિવારમાં ચાલાકીને કારણે અંદરનો ઉમળકો ભાગી છૂટ્યો હોય, એવા ઘરમાં મહેમાન બનવાનો અભિશાપ આકરો લાગે છે. વૃક્ષો વિનાના બોડા ડુંગર જેવા શુષ્ક માણસને દૂરથી જ નમસ્કાર કરવા રહ્યા. આપણું હૃદય છોભીલું પડીને નંદવાઈ જાય એવી દુર્ઘટના ટાળવા જેવી છે. રામના સ્વાગત માટે શબરીનું હૃદય જોઈએ.
લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.