ઉમરેઠમાં ઐતિહાસિક અષાઢી જાખાઈ સારા વરસાદ સાથે સારા પાકનો વરતારો

 

ઉમરેઠઃ ઉમરેઠના ઐતિહાસિક ચંન્દ્રમુળેશ્વર મહાદેવ મંદિરમાં દર વર્ષે પરંપરાગત રીતે અષાઢ વદ એકમના રોજ અષાઢી જોખવામાં આવે છે. આ વર્ષે પણ મહાદેવ મંદિરમાં પંચની હાજરીમાં અષાઢી જોખવામાં આવી હતી. જેમાં પાકને અનુકૂળ સારા વરસાદ સહિત આ વર્ષે ખેતી ક્ષેત્રે સારો પાક થવાનો વરતારો જાવા મળ્યો હતો.

ઉમરેઠના સ્ટેશન રોડ ઉપર આવેલ ચંન્દ્રમુળેશ્વર મહાદેવ મંદિરમાં  દિલીપભાઈ સોની દ્વારા અષાઢી જોખવામાં આવી હતી. પંચ સમક્ષ અષાઢીનો વર્તારો મહાદેવના પૂજારી ગિરીશભાઈ દવેએ જાહેર કર્યો હતો. સંવત ૨૦૭૫ની સરખામણીમાં સંવત ૨૦૭૬માં મગ બે રતી વધારે, ડાંગર ૧૫ વધારે, જુવાર ૧૨ વધારે, ઘઉં ત્રણ વધારે, તલ ૧૮ વધારે, અડદ એક ઓછો, કપાસ દોઢ વધારે, બાજરી આઠ ઓછી તેમજ માટી અડધો રતી વધારેનો વર્તારો દેખાયો હતો. જેને કારણે આગામી વર્ષે સારો વરસાદ થશે જેને કારણે સારો પાક થવાનું અનુમાન છે.

ઉમરેઠમાં જોખાતી અષાઢીનું આગવું મહત્ત્વ છે. ઉમરેઠ સહિત સૌરાષ્ટ્રના અનાજ અને તેલીબીયાના વેપારીઓ તેમજ ખેડૂતો પણ અષાઢીના વર્તારાની આતુરતાથી રાહ જોતા હોય છે. પંચની રૂબરૂમાં વિવિધ ધાન્યો જોખીને તેની પોટલી મંદિરના ગોખમાં મૂકીને ગોખને સીલ કરાયો હતો. જે બીજે દિવસે પંચની હાજરીમાં ગોખ ખોલીને ધાન્ય બહાર કાઢીને જોખવામાં આવ્યા હતા.

ખેડા-આણંદ, ચરોતર, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોના ખેડૂતોની મીટ અષાઢી ઉપર મંડાયેલી રહે છે. પંચોની હાજરીમાં જોખેલા મગ, જુવાર, ઘઉં, ડાંગર વગેરે ધાન્યોની પોટલીઓનો ઘડો મહાદેવ મંદિરના ચમત્કારીક ગોખમાં મૂકાય છે. બીજા દિવસે પુનઃ પંચોની હાજરીમાં ઘડો બહાર કાઢીને ધાન્યોનું વજન કરાય છે. જેમાં વજનમાં વધ, ઘટના આધારે કયો પાક સારો રહેશે તેનો ખેડૂતો અંદાજ મૂકે છે. ગંજ બજારમાં અનાજના વેપારીઓ પણ અષાઢી તોલાયા બાદ પાકના ખરીદ-વેચાણ અંગે તેમનું આયોજન કરતા હોય છે.

અષાઢીમાં જે ધાન્યનું વજન વધે તો તેનો પાક સારો થશે તેમ માનવામાં આવે છે. ઉમરેઠ પંથકના ખેડૂતો અષાઢીના વર્તારા મુજબ પાક વાવેતર કરતા હોય છે. ઉમરેઠના અગ્રણી નરેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે, ઉમરેઠ સહિત સૌરાષ્ટ્ર પંથકમાં અષાઢીનું ખાસ મહત્ત્વ છે. આ ઉપરાંત વિવિધ સ્થળોના ગંજ બજારના વેપારીઓ પણ અષાઢી પર નજર રાખતા હોય છે. અષાઢીના વર્તારા મુજબ તેઓ અનાજનું ખરીદ-વેચાણ કરે છે.

ઉમરેઠ ચંદ્ર મૂળેશ્વર મંદિરના પૂજારી ગીરીશભાઇ દવેએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર પંથકમાં ઉમરેઠની અષાઢીનું ખૂબ મહત્ત્વ છે. ત્યાંના ખેડૂતો વર્તારા અંગે મંદિરમાં પત્ર વ્યવહાર કરીને પણ પૂછપરછ કરતા હોય છે. જેઓના પત્રનો જવાબ પણ આપવામાં આવે છે.

અષાઢી જોખાઈ તે સમયે અગ્રણી વેપારી નરેન્દ્રભાઈ ગાભાવાળા, પ્રફુલભાઈ વકીલ, ધર્મેશભાઈ શાહ, ખેડૂત અગ્રણી જયંતીભાઈ પટેલ, તરુણભાઈ ચાંગ, પંચના સભ્ય તરીકે અનાજ-તેલીબીયાના વેપારી, ખેડૂતો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.