ઉમરેઠના શ્રી ચંદ્રમૂળેશ્વર મહાદેવ મંદિરમાં ઐતિહાસિક અષાઢી જોખાઈ

ઉમરેઠઃ ઐતિહાસિક ઉમરેઠમાં ચંદ્રમૂળેશ્વર મહાદેવ મંદિરમાં જોખાતી અષાઢી વર્ષોથી ઉમરેઠના સોની પરિવાર દ્વારા જોખવામાં આવે છે. પરિવારના દિલીપભાઈ સોનીએ જણાવ્યું હતું કે, મારા દાદા અને પિતાજીએ પણ અષાઢી જોખી છે. આ અષાઢી ભારતમાં બે જગ્યાએ જોખાય છે, જેમાં હિન્દુઓનું પ્રસિદ્ધ યાત્રાધામ કાશી (વારાણસી)માં અને બીજી આપણા ઉમરેઠના ચંદ્રમૂળેશ્વર મહાદેવ મંદિરમાં. અષાઢી જોખવાથી ધન્યતાનો અનુભવ થાય છે.
ઉમરેઠના ચંદ્રમૂળેશ્વર મહાદેવ મંદિરમાં ઐતિહાસિક અષાઢી જોખાઇ હતી. અષાઢીના વર્તારા મુજબ ગત વર્ષની સરખામણીએ મગ, ડાંગર, તલ, અડદ, ચણાનો પાક વધારે જ્યારે ઘઉં અને કપાસ સમધારણ તથા જુવાર, બાજરીનો પાક ઓછો થવાનું અનુમાન મૂકવામાં આવી રહ્યું છે.
ઉમરેઠ તાલુકા મામલતદાર જે. ડી. દવે, ઉમરેઠ ગંજ બજારના અગ્રણી વેપારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોની હાજરીમાં દિલીપભાઈ સોની દ્વારા અષાઢી જોખવામાં આવી હતી.
પૌરાણિક અને ઐતિહાસિક ચંદ્રમૂળેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ગિરીશભાઇ દવેએ જણાવ્યું હતું કે, વર્ષોથી મહાદેવ મંદિરમાં અષાઢી જોખવાની પરંપરા ચાલી રહી છે, જેનું ઉમરેઠ સહિત સૌરાષ્ટ્રમાં ખૂબ મહત્ત્વ છે. ચાલુ વર્ષ અષાઢીનો વર્તારો સારો રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે પૂનમની સાંજના સમયે જુદાં જુદાં ધાન્યો જોખીને એક કોરા કકડામાં પોટલી બાંધવામાં આવે છે. ત્યાર બાદ પંચોની ઉપસ્થિતિમાં તમામ ધાન્યોને એક કુંભમાં મૂકીને મહાદેવના ગર્ભગૃહમાં આવેલા ચમત્કારી ગોખમાં મૂકીને પંચો સમક્ષ ગોખને સીલ કરવામાં આવે છે. બીજે દિવસે પંચો સમક્ષ ગોખ ખોલી, ધાન્યોને પુનઃ જોખવામાં આવ્યાં હતાં. ધાન્યોના વજનમાં થયેલા ફેરફારને અષાઢી કહેવામાં આવે છે. તેમાં થયેલી વધઘટના આધારે ખેડૂતો અને વેપારીઓ જે-તે પાક કેવો થશે તેનું અનુમાન મૂકે છે.