ઉપરવાસમાં સારા વરસાદને કારણે ગાંધીનગરનું સંત સરોવર છલોછલ ભરાયું

 

ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતમાં પડેલા સારા વરસાદના કારણે સાબરમતી નદી બે કાંઠે વહી છે અને તેના કારણે ગાંધીનગરનું સંત સરોવર છલોછલ થઈ ગયું છે. જો કે હજુ આ સરોવર સંપૂર્ણ ભરાયું નથી જેના કારણે તેના દરવાજા ખોલાયા નથી. હાલ પાણીનો આવરો બંધ છે અને સરોવર ભરાઈ જતાં તેનાથી આસપાસના વિસ્તારમાં ૪૮૦૦ હેકટર જેટલી જમીનમાં પાણીનો રીચાર્જ થવાનો અંદાજ છે. ઈન્દ્રોડા ગામથી લઈ ઉપરવાસના દસ કીમી સુધી પાણીનો સંગ્રહ થઈ ગયો છે.      

ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ભુગર્ભ જળ ઉંચા લાવવાના હેતુથી ઈન્દ્રોડા ગામ પાસે સંત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અગાઉ દરવાજા વગરનો મોટો ચેકડેમ બનાવવાનો હેતુ હતો પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોની ખેતીને ધ્યાને રાખી અહીં દરવાજાવાળો ડેમ બનાવવામાં આવ્યો છે. દર વર્ષે ઉત્તર ગુજરાતમાં ચોમાસું સારૂ રહે તો સાબરમતી નદીના પાણીથી આ સરોવર છલોછલ થઈ જાય છે. ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતમાં વરસાદે જોર પકડ્યું છે ત્યારે છેલ્લા બે દિવસથી પાણીનો ઉપરવાસમાંથી આવરો રહેતાં સંત સરોવર ભરાવા લાગ્યું છે. અત્યાર સુધીમાં ફકત અડધો ફુટ જ પાણી સરોવરને ઓવરફલો માટે બાકી રહ્યું છે. ઉપરવાસમાં વરસાદ બંધ થતાં પાણીનો આવરો બંધ થયો છે. જો કે હાલની સ્થિતિએ ઉપરવાસમાં વધુ વરસાદ થાય તો પ૦૦થી એક હજાર કયુસેક પાણી છોડવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે. 

હાલ તો આ સરોવર ભરાઈ જવાના કારણે પાટનગર શહેરની રમણીયતામાં વધારો થયો છે અને તેની સાથે ગાંધીનગર શહેર અને આસપાસના બોરીજ, પાલજ, બાસણ, ઈન્દ્રોડા, શાહપુર અને ધોળાકુવા, પેથાપુર જેવા ગામોના ભુગર્ભ જળ ઉંચા આવવાની શકયતા જોવાઈ રહી છે. 

સંત સરોવર ભરાવાના કારણે આસપાસની ૪૮૦૦ હેકટર જેટલી જમીનમાં પાણીનું રીચાર્જ થશે જેના કારણે નવા બોરવેલ પણ બનાવી શકાશે અને ભુગર્ભ જળ ઉંચુ આવવાના કારણે ખેડૂતોને જમીનમાંથી ઝડપથી પાણી મળી રહેશે