ઉનાળો અને લગ્નો…

એક વાર મે મહિનાના એક ખરા બપોરે બેલ વાગી. મેં બારણું ખોલ્યું. પરસેવે રેબઝેબ મિત્ર ઊભા હતા; મેં આવકાર્યા. એ અંદર આવ્યા; બેઠા. મેં પાણી આપ્યું; પીધું. ઠીકઠીક વખતે સ્વસ્થ થયા; બોલ્યા, ‘લોકો આવા કાળા ઉનાળામાં લગ્નો શા માટે કરતા હશે?’
‘લોકો લગ્ન જ શા માટે કરતા હશે એવો પ્રશ્ન પણ કેટલાકને થાય છે!’ મેં કહ્યું.
‘એવો પ્રશ્ન તો લગ્ન કરનાર દરેકને વહેલોમોડો થાય છે, પણ લગ્ન કર્યા પછી જ થાય છે એટલે એ વાત જવા દઈએ. લોકો લગ્ન કરે એ સામે વાંધો નથી. લગ્નમાં જમવા જવા સામે તો બિલકુલ વાંધો નથી. લગ્ન કરો, ખુશીથી લગ્ન કરો. જમવાનાં નોતરાં આપો, ખુશીથી આપો, પણ આવા કાળા ઉનાળે લગ્ન ન રાખો – આટલી અમથી વાત લોકો કેમ સમજતા નથી?’ આટલું કહી મિત્રે તે દિવસની લગ્નકથાની વ્યથા (લગ્નની કથા કોઈકની, વ્યથા મિત્રની) કહી સંભળાવી. પોતાનું રહેવાનું વાસણામાં – નિકટના સ્નેહીને ત્યાં લગ્ન ચાંદલોડિયામાં; ગયા; ગરમી કહે મારું કામ – સ્કૂટર પર ગયેલા – સવારના વહેલા ગયેલા એટલે ટોપી લઈ જવાનું યાદ નહોતું આવ્યું. લગ્ન અને જમણવાર પત્યા પછી ભરબપોરે પાછા ફર્યા – સ્કૂટરના દરેક પૈડે અકળાતા રહ્યા – મારું ઘર રસ્તામાં આવ્યું. પોતાનું ઘર તો હજી કેટલું દૂર! મારે ત્યાં આશ્રય લીધો – ઊંઘ્યા-આઇસક્રીમ ખાઈ સાંજે ઘરે ગયા.
આ પછીના બે જ દિવસ પછી મનેય મિત્રના જેવો જ અનુભવ થયો. લગ્નમાં ગાંધીનગર જવાનું હતું. ભોજનનો સમય બપોરના બારથી બેનો હતો. મિત્રે કંકોતરીમાં લખ્યું હતુંઃ ‘શુભ સ્થળે પહોંચવા માટે ઘ-1ના સ્ટેન્ડ પર ઊતરવું.’ ઘ-1ના સ્ટોપ પર હું ઊતર્યો. બેસુમાર તાપ હતો. બે દિવસ પહેલાં મિત્રને થયેલો પ્રશ્ન મને થયો, ‘લોકો આવા કાળા ઉનાળામાં લગ્ન શા માટે કરતા હશે?’ રિક્ષા મળે તો રિક્ષામાં જાઉં એવો વિચાર કર્યો, પણ બધી રિક્ષાઓ જાણે તાપમાં ઓગળી ગઈ હતી! એક જાણકાર લાગતા ભાઈને કંકોતરી બતાવીને શુભસ્થળ વિશે પૂછ્્યું તો કહે, ‘સીધા ચાલ્યા જાવ. પહેલી ચોકડીથી જમણી બાજુ વળજો. બહુ દૂર નથી. દસ-પંદર મિનિટ ચાલવું પડશે.’ જીવનમાં દરેક બાબત કેવી સાપેક્ષ હોય છે! ટાઢે છાંયે દસ-પંદર મિનિટ ચાલવું પડે તોયે મને આઘું લાગે ત્યારે આવા કાળા ઉનાળે દસ-પંદર મિનિટ ચાલવાનું હતું તોય આ સજ્જનને પાસે લાગતું હતું. ‘જ્યાં ચરણ રુકે ત્યાં કાશી’ આવું કવિ હરીન્દ્ર દવેએ કહ્યું છે. હું તો પંદર ડગલાં ચાલું ને ચરણ રુકી જતાં હતાં. (સાચું પૂછો તો ડૂકી જતા હતા) પણ મારું કાશી આવતું નહોતું. મિત્રનું નામ કૃષ્ણવદન. મારું વદન (મોઢું) આમ પણ કૃષ્ણ (કાળું)! આ સખત તાપમાં કૃષ્ણવદનભાઈનું ઘર શોધતાં મારું વદન વિશેષ કૃષ્ણ બની ગયું હશે એમ મને લાગતું હતું.
કંકોતરીમાં સેક્ટરનો નંબર, પ્લોટ નંબર વગેરે આપેલા હતા. જે સામે મળે એને પૂછું. ત્રણ સાઇકલસવાર, બે સ્કૂટરસવાર અને એક મોટરસવારને પણ ઊભાં રાખીને પૂછ્્યું, ‘સીધાં ચાલ્યા જાઓ, ચોકડીથી જમણી બાજુ વળજો.’ સૌએ એકીઅવાજે કહ્યું એટલે સાચો માર્ગ હોવાની ખાતરી થઈ. થોડું વધુ ચાલ્યો ત્યાં સહેજ દૂર ઢોલ વાગતો સંભળાયો. મારો જમણો કાન આઉટ ઓફ ઓર્ડર એટલે હું જ્યાં હતો ત્યાંથી જમણી બાજુ ઢોલ વાગે છે કે ડાબી બાજુ તેનો જલદી ખ્યાલ ન આવ્યો, પણ સહેજ ચાલ્યો ત્યાં જમણી બાજુ મંડપ પણ દેખાયો. ‘યત્રયત્ર ધૂમ્ર, તત્રતત્ર વહ્મિઃ (જ્યાં જયાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ) એવું ઇન્ટર આર્ટ્સમાં જે વિષયમાં હું નાપાસ થયો હતો તે તર્કશાસ્ત્રમાં આવતું હતું તે યાદ આવ્યુ.ં યત્રયત્ર મંડપ, તત્રતત્ર લગ્ન – એમ માની હું મંડપ પાસે પહોંચ્યો. ત્યાં જમણવાર ચાલતો હતો. લગ્નસમારંભનાં ઘણાં ચિહ્નો જણાતાં હતાં, પણ આ શુભસ્થળ કૃષ્ણવદનભાઈનું જ હશે કે કેમ તેનો ખ્યાલ આવતો નહોતો. કૃષ્ણવદનભાઈ સિવાય હું કોઈને ઓળખતો નહોતો છતાં હિંમતથી મંડપની મધ્યમાં પહોંચ્યો. મેં પૂછ્્યું, ‘કૃષ્ણવદનભાઈ’ – હજી તો અર્ધું વાક્ય બોલ્યો ત્યાં સાંભળનાર ભાઈ ઉત્સાહથી બોલ્યા, ‘તમે જમવાનું શરૂ કરો, હું કૃષ્ણવદનભાઈને બોલાવી લાવું છું.’ મને હાશ થઈ. મેં હજી ખાલી ડિશ હાથમાં લીધી ત્યાં પેલા ભાઈ બોલ્યા, ‘લો, કૃષ્ણવદનભાઈ આવી ગયા.’ મેં આવનાર સજ્જન સામે જોયું. એ કૃષ્ણવદન હશે પણ આ ભૂખ્યો સુદામો જે કૃષ્ણને શોધતો હતો એ તો એ નહોતા જ. મેં એકદમ ડિશ પાછી મૂકી દીધી અને આવનાર સજ્જનને કંકોતરી બતાવી.
‘હા, આ સામે મકાનોની લાઇન દેખાય ત્યાં સહેજ વળશો એટલે ચોથું મકાન કૃષ્ણવદનભાઈનું છે. અમારાં બન્નેનાં નામ સરખાં છે, અટક સરખી છે, વ્યવસાય સરખો છે – આજે બન્નેને ત્યાં લગ્ન છે. એ કૃષ્ણવદનભાઈ મારા મિત્ર છે એટલે તમે પણ મારા મિત્ર થયા. તમે અહીં જમી લીધું હોત તોય ખોટું ન થાત.’ એમણે કહ્યું. એમના સૌજન્ય બદલ મેં એમનો આભાર માન્યો. એમણે એક યુવાનને મારી સાથે મોકલ્યો. કૃષ્ણવદનભાઈ મળ્યા. આવા તાપમાં પણ મને છેક અમદાવાદથી આવેલો જોઈ મિત્ર એટલા બધા રાજી થયા કે હું સઘળું કષ્ટ વીસરી ગયો. અલબત્ત. પેલો યક્ષપ્રશ્ન ઊભો જ છેઃ ‘લોકો શા માટે કાળા ઉનાળામાં લગ્નો કરતાં હશે?’

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક ‘મોજમાં રે’વું રે!’માંથી સાભાર.