ઉદ્યોગપતિ ડો. અરવિંદ કુમાર ગોયલે ૬૦૦ કરોડની સંપત્તિ ગરીબોને દાન કરી

Arvind Goel

 

ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશના મુરાદાબાદના ઉદ્યોગપતિ ડો. અરવિંદકુમાર ગોયલે તેમની તમામ સંપત્તિ ગરીબોને દાન કરી દીધી છે. દાન કરવામાં આવેલી આ સંપત્તિની કિંમત ‚પિયા ૬૦૦ કરોડ થાય છે. ગોયલે તેમની પાસે ફક્ત ઘર જ રાખ્યું છે. તેમણે ૫૦ વર્ષની મહેનતથી આ સંપત્તિનું સર્જન કર્યું હતું.

ડો. ગોયલ બિઝનેસમેન હોવાની સાથે સમાજસેવાનાં કાર્યોમાં જોડાયેલા છે. ગોયલના સહયોગથી છેલ્લાં ૨૦ વર્ષમાં દેશભરમાં સેંકડોની સંખ્યામાં વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ અને ફ્રી હેલ્થ સેન્ટર ચલાવવામાં આવી રહ્યાં છે. આ સાથે તેમની મદદથી ચાલી રહેલી શાળાઓમાં ગરીબ બાળકોને નિ:શુલ્ક શિક્ષણ પણ આપવામાં આવે છે. કોવિડ લોકડાઉનમાં પણ આશરે ૫૦ ગામને તેમણે દત્તક લઈ લોકોને ફ્રીમાં ભોજન તથા દવાઓ ઉપલબ્ધ કરાવી હતી.

મુરાદાબાદ ઉપરાંત પ્રદેશના અન્ય ભાગો તથા રાજસ્થાનમાં પણ તેઓ શાળા-કોલેજ તથા એન્જિનિયરિંગ કોલેજ ધરાવે છે. મુરાદાબાદની સિવિલ લાઈન્સના તેમને રહેઠાણ સિવાય તેમણે બાકીની તમામ સંપત્તિ દાન કરવાની જાહેરાત કરી છે. તેમણે આ દાન સીધું રાજ્ય સરકારને આપ્યું છે, જેથી જ‚રિયાતમંદો સુધી મદદ પહોંચાડી શકાય. છેલ્લાં ૨૦ વર્ષ કરતાં વધુ સમયથી ડો. અરવિંદ કુમાર ગોયલ ગરીબ અને સહાય લોકોની સેવા કરી રહ્યા છે.

ડો. ગોયલના પરિવારમાં તેમની પત્ની રેણુ ગોયલ ઉપરાંત તેમનાં બે દીકરા અને એક દીકરી છે. તેમના મોટા દીકરા મધુર ગોયલ મુંબઈમાં રહે છે. નાનો દીકરો શુભમ પ્રકાશ ગોયલ મુરાદાબાદમાં રહી સમાજસેવા તથા બિઝનેસમાં પિતા સાથે છે. દીકરી લગ્ન બાદ બરેલીમાં રહે છે. તેમના દીકરા કે પરિવારના કોઈ સભ્યનો સંપર્ક થઈ શક્યો નથી. જોકે ત્રણેય બાળક તથા પત્નીએ ગોયલના નિર્ણયને આવકાર્યો છે.

ડો. અરવિંદ ગોયલે કહ્યું હતું કે તેઓ ઈચ્છે કે તેમની તમામ સંપત્તિ ગરીબોની સેવામાં કામ આવે. જીવનનો કોઈ ભરોસો નથી. માટે જીવી રહ્યા છીએ ત્યારે જ મારી સંપત્તિને યોગ્ય હાથમાં સોંપી દીધી છે. એનાથી અનાથ, ગરીબ અને અસહાય લોકો માટે એ કામમાં આવી શકે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રદેશમાં અનેક કાર્યક્રમોના શુભારંભમાં ડો. ગોયલને વિશેષ મહેમાન તરીકે આમંત્રિત કરી ચૂક્યા છે.

ડો. અરવિંદકુમાર ગોયલનો જન્મ મુરાદાબાદમાં થયો હતો. તેમના પિતા પ્રમોદકુમાર અને માતા શકુંતલા દેવી સ્વાતંત્ર્યસેનાની રહ્યાં હતાં. તેમના બનેવી સુશીલ ચંદ્રા દેશના મુખ્ય ચૂંટણી વડા રહી ચૂક્યા છે. આ અગાઉ તેઓ ઈન્કમટેક્સ એટલે કે ઘ્ગ્ઝ઼વ્ના ચેરમેન રહી ચૂક્યા છે. તેમના જમાઈ આર્મીમાં કર્નલ છે તથા સસરા ન્યાયમૂર્તિ હતા. ડો. અરવિંદકુમાર ગોયલનાં સમાજસેવાને લગતાં કાર્યોને દેશ તથા દુનિયાના અનેક મંચ પરથી સન્માનિત કરવામાં આવ્યાં છે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી પાટીલ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામ સમાજસેવા માટે તેમને સન્માનિત કરી ચૂક્યાં છે. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ ડો. ગોયલનાં સેવા કાર્યો માટે તેમને સન્માનિત કરી ચૂક્યા છે.

ડો. ગોયલે રાજ્ય સરકાર સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી છે કે તેમની સંપત્તિનું વેચાણ કરી જે પણ નાણાં મળે એનાથી ગરીબોની મદદ કરવામાં આવે. આ સાથે પાંચ સભ્યની સમિતિની રચના કરવામાં આવે. એમાં ત્રણ સભ્ય તેઓ નક્કી કરશે. અન્ય બે સરકાર તરફથી નક્કી કરવામાં આવશે. આ સમિતિ સંપૂર્ણ સંપત્તિને યોગ્ય કિંમતથી વેચાણ કરી જે નાણાં આવશે એ અનાથ અને નિ:સહાય લોકોને ફ્રી શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડશે