ઉદ્ધવ ઠાકરેએ શિવસેના સંસદીય દળ પરથી કબજો ગુમાવ્યો

 

મુંબઈ: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે પાસેથી રાજ્યની સત્તા આંચકી લીધા બાદ નવા મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ આગળ વધી પક્ષના સંસદીય દળ પર પણ કબજો મેળવી લીધો છે. શિવસેનાના ૧૯માંથી ૧૨ સાંસદો શિંદે જૂથમાં હોવાનું અગાઉથી જ મનાતું હતું. પરંતુ પહેલીવાર શિંદેએ આ ૧૨ સાંસદોને મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા. સાથે સાથે તેમણે લોકસભાના સ્પીકર દ્વારા પોતાના જૂથને અલગ માન્યતા આપી દેવાની જાહેરાત પણ કરી હતી. આ સાથે જ શિવસેના સંગઠન અને સંસદીય દળ પર સંપૂર્ણ કબજો જમાવવાની દિશામાં શિંદેએ વધુ એક મુકામ હાંસલ કરી લીધો છે. 

શિંદે જૂથના ૧૨ સાંસદો સંસદના ચોમાસુ સત્રના પ્રારંભ નિમિતે ગૃહમાં પોતાના માટે શાસક પાટલીઓ પર અલગ બેઠક વ્યવસ્થા માગશે તેવું એક સાંસદ દ્વારા સ્પષ્ટ કરી દેવાયું હતું. તે અનુસાર ૧૨ સાંસદો સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા અને હવે રાહુલ શેવાળે તેમના લોકસભાના નેતા હોવાનું જણાવ્યું હતું. સ્પીકર ઓમ બિરલાએ તેમને અલગ જૂથ તરીકે માન્યતા પણ આપી દીધી હતી.

અત્યાર સુધી લોકસભામાં શિવસેનાના નેતા વિનાયક રાઉત તથા ચીફ વ્હિપ રાજન વિચારે હતા. શિંદે જૂથની હિલચાલની ગંધ આવી જતાં તેમણે સ્પીકર ઓમ બિરલાને મળીને શિંદે જૂથને અલગ જૂથ તરીકે માન્યતા નહિ આપવા વિનંતી કરી હતી અને શિવસેનાના સત્તાવાર સંસદીય દળના વડા તેઓ પોતે જ છે તેમ જણાવ્યું હતું. 

જોકે, દેખીતી રીતે ૧૯માથી ૧૨ સાંસદો  શિંદે જૂથ સાથે હોવાથી સ્પીકરે તેમને અલગ જૂથ તરીકે માન્યતા આપી દીધી છે. મતલબ કે હવે મહારાષ્ટ્ર વિધાનસભાની સાથે સાથે લોકસભામાં પણ શિવસેનાના સંસદીય દળ પરથી ઉદ્ધવે બહુમતી કબજો ગુમાવી દીધો છે. 

મુખ્યપ્રધાન શિંદેએ દિલ્હીમાં એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં તેમણે આ તમામ ૧૨ સાંસદોને હાજર રાખ્યા હતા. શિંદેએ મીડિયાને લોકસભાના સ્પીકર તરફથી તેમના ગૂ્રપને મળેલી માન્યતાની જાણ કરી હતી. શિંદેએ જણાવ્યું હતું કે ૨૦૧૯માં આ સાંસદો ભાજપ અને શિવસેનાની યુતિ માટેના મેન્ડેટ સાથે જ ચૂંટાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમને મહારાષ્ટ્રના વિકાસમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. લોકસભામાં શિંદે જૂથના નેતા તરીકે નિયુક્ત રાહુલ શેવાળેએ કહ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવારને જ ટેકો આપવા માટે અમે ઉદ્ધવને આગ્રહ કર્યો હતો, પરંતુ તેમણે અમારી વાત સ્વીકારી ન હતી