ઉત્તર ભારતમાં શીતલહેરઃ અનેક રાજ્યોમાં શાળાઓમાં રજા

 

ઉત્તરપ્રદેશઃ ઉત્તરભારત સહિત દેશના અનેક રાજ્યોમાં શીતલહેર પ્રસરી જતા ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશ, રાજસ્થાન સહીત પાંચ રાજ્યોમાં કડકડતી ઠંડીને કારણે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. હિમાચલમાં ભારે હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. મધ્યપ્રદેશમાં વરસાદ અને કરા પડવાની શક્યતા છે. રાજધાની દિલ્હીમાં પારો ૭.૬ ડિગ્રી સુધી ગગડી ગયો હતો. 

દિલ્હીમાં પારો વધું ગગડ્યો હતો, અહીં લઘુત્તમ તાપમાન ૭.૬ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં હજી ઘટાડો નોંધાશે. મધ્યપ્રદેશના ભોપાલમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્નાં હતુ. અહીં વિજિબિલિટી ૫૦ મીટર સુધી રહી હતી. ખરાબ હવામાનને કારણે ભોપાલ આવનારી ઍક ઈન્ડિયાની દિલ્હી અને મુંબઈ ફલાઈટને નાગપુર ડાયવર્ટ કરવી પડી હતી. ઈન્ડિગોની દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદની ફલાઈટ મોડી પડી હતી. ઈન્ડિગોની બેંગલુરૂ ફલાઈટને કેન્સલ કરવી પડી હતી. ઉત્તરપ્રદેશના ઘણા વિસ્તારો છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભારે ઠંડી અને કોલ્ડવેવની ઝપેટમાં છે. ઉત્તરપ્રદેશના કાનપુરમાં સોમવારની રાત સૌથી ઠંડી હતી. અહીં ૩.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. બિહારના તમામ ભાગોમાં ૪૮ કલાક સુધી ગાઢ ઘુમ્મસની અસર રહેશે. જેથી અવર-જવર કરતા લોકોને ભારે મુશ્કેલીઓ પડી શકે છે. પંજાબ અને હરિયાણા બંને રાજ્યોમાં ઠંડી પડી રહી છે. ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. પંજાબનું ભટિંડા સોમવારે ૦.૪ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડો વિસ્તાર રહ્ના હતો. અહીં લઘુત્તમ તાપમાન ૬.૫ ડિગ્રી સેલ્સિયસ હતું. હરિયાણાના મંડકોલામાં લઘુત્તમ તાપમાન માઈનસ ૧.૩ ડિગ્રી સેલ્સિયસની નીચે નોંધાયું હતું. શાળાઓની રજાઓ લંબાવવામાં આવી છે. રાજસ્થાનના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. ફતેહપુરનું તાપમાન ૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ચુરૂમાં લઘુત્તમ તાપમાન ૧.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે ડૈનકુંડ, કાલાતોપ, હલામાં છ ઈંચ બરફ પડ્યો છે. હિમવર્ષાના કારણે ઘણા વિસ્તારોમાં રસ્તાઓ બંધ થઈ ગયા છે. ઝારખંડમાં ઠંડીમાં વધારો થયો છે, અહીંના ઘણા શહેરોમાં ધુમ્મસ છવાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છ જાન્યુઆરીથી ઠંડીમાં વધુ વધારો થઈ શકે છે. શ્રીનગરમાં પારો માઈનસ ૫.૪ ડિગ્રી સુધી ગગડી ગયો છે. ગુલમર્ગ અને પહેલગામમાં આ શિયાળામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. ગુલમર્ગમાં રાત્રિનું તાપમાન માઈનસ ૧૦ ડિગ્રી હતું. પહેલગામમાં તે માઈનસ ૯.૬ ડિગ્રી સુધી પારો ગગડી ગયો હતો. કાશ્મીર હાલમાં ચિલ્લઇ કલાંના ઝપેટમાં છે.