ઉત્તર ચીનના એક શહરમાં બ્યુબોનિક પ્લેગનો કેસ દખાયોઃ રોગચાળાની ચેતવણી જારી

 

બીજિંગઃ મધ્ય યુગમાં જેણે દુનિયાના અનેક વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો હતો અને હાલના સમયમાં જે રોગ નાબૂદ થઇ ગયેલો મનાય છે અને ૧૯૯૪માં સુરતમાં હાહાકાર મચાવ્યો હતો તે બ્યુબોનિક પ્લેગનો એક કેસ ચીનના ઉત્તરીય પ્રદેશ ઇનર મોંગોલિયાના એક શહરમાં દેખાતા સ્થાનિક સત્તાવાળાઓએ લોકોને સાવચેતી રાખવા જણાવ્યું છે અને રોગચાળો ફલાવાની ચેતવણી જારી કરવામાં આવી છ. ઇનર મોંગોલિયાના બાયનનૂર શહેરમાં એક ગોવાળિયાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની તપાસ કરતા તે પ્લેગનો ભોગ બન્યો હોવાનું જણાયું હતું. તેને જે પ્લેગ થયો છે તે બ્યુબોનિક પ્લેગ છે. જે રોગે ૧૪મી સદીમાં અનેક પ્રદેશોમાં હાહાકાર મચાવ્યો હતો. આ રોગ કાબૂમાં આવ્યો તે પહેલા સમયે સમયે તે યુરોપ સહિત દુનિયાના વિવિધ વિસ્તારોમાં ફેલાતો રહ્યો હતો અને તેનાથી દસ કરોડ જેટલા લોકો માર્યા ગયા છે. આ રોગ કાલા આઝાર (બ્લેક ડેથ)ના નામે પણ જાણીતો થયો હતો. 

બ્યુબોનિક પ્લેગ બેકટેરિયાને કારણે થતો રોગ છે અને તેના ફેલાવા માટે મુખ્યત્વે ઉંદરોને જવાબદાર માનવામાં આવે છે. બેકટેરિયાથી થતા ઘણા રોગોની માફક આ રોગનો પણ ઉપચાર શોધાઇ ગયો છે અને છેલ્લા કેટલાયે દાયકાથી આ રોગ સંપૂર્ણ કાબૂમાં આવી ગયો છે અને ભાગ્યે જ તેના કેસ દેખાય છે આથી ચીનમાં આ રોગ દેખાયો તેનાથી આશ્ચર્ય પણ સર્જાયું હતું. જો કે બે દાયકા કરતા વધુ સમય પહેલા સુરતમાં પણ મર્યાદિત પ્રમાણમાં હળવા પ્રકારના પ્લેગનો રોગચાળો ફેલાયો હતો. ઇનર મોંગોલિયામાં હાલમાં દેખાયેલા પ્લેગ અંગે નિષ્ણાતોએ ધરપત આપી છે કે તે વૈશ્વિક રોગચાળો બને તેવી શક્યતા નથી.