
તાજેતરમાં દક્ષિણ કોરિયાના પાંચ સભ્યોના એક પ્રતિનિધિમંડલે ઉત્તર કોરિયાની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિમંડળે ઉત્તર કોરિયાના તાનાશાહી શાસક કિમ જોંગ -ઉનની મુલાકાત લીધી હતી અને તેમની સાથે ચર્ચા- વિચારણા કરી હતી. આ પ્રતિનિધિમંડળનું ખુદ કિમ જોંગે સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હું ખુદ સાઉથ કોરિયાની સાથે સારા અને સુમેળભર્યા સંબંધો રાખવા ઈચ્છું છુંં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઉત્તર અને દક્ષિણ કોરિયા – બન્ને દેશો ફરી એકસાથે મળીને નવા ઈતિહાસનું સર્જન કરશે. ન્યુકલિયર અને મિસાઈલ પરીક્ષણના મામલે ઉત્તર કોરિયાના જક્કી વલણને કારણે અમેરિકાએ અને યુનોએ ઉત્તર કોરિયા સાથેના વ્યાપારિક સંબંધો પર પ્રતિબંધ મૂકવાથી ઉત્તર કોરિયાના આર્થિક ક્ષેત્રે સમસ્યાઓ ઊભી થઈ છે. ઉત્તર કોરિયાના શાસકે અમેરિકા સાથે સંબંધ સુધારવા તેમજ વાટાઘાટોનો માર્ગ ખુલ્લો કરવા માટે હવે ઉત્તર કોરિયા ન્યુકલિયર અને મિસાઈલ ટેસ્ટની પ્રવૃત્તિ બંધ કરશે એમ જણાવ્યું હતું.