ઉત્તરાયણઃ સંગે-રંગે અને ઉમંગે ઊજવવાનું અનેરું પર્વ

0
913

ઉત્તરાયણ એ આબાલવૃદ્ધ-સૌનો પ્રિય તહેવાર! આપણો દેશ મોસમી આબોહવાના પ્રદેશમાં આવે છે. મોસમ બદલાય તેમ મનુષ્યના જીવનમાં પણ આપણે પરિવર્તન જોઈએ છીએ.

ઋતુઓના ફેરફાર સાથે આપણા દેશમાં તહેવારોમાં અનેક વૈવિધ્ય એવં નાવીન્ય જોવા મળે છે. પ્રત્યેક તહેવાર પાછળ ધાર્મિક, સામાજિક અને વૈજ્ઞાનિક કારણો જોવા મળે છે. એટલું જ નહિ, આ તહેવારોની ઉજવણીનો હેતુ ભાઈચારા, બંધુતા અને ઐક્યનો હોય છે. ઉત્તરાયણ એ સંગે, રંગે અને ઉમંગે ઊજવવાનું પર્વ છે, ગુજરાત સરકાર પણ આ પર્વનું મહત્ત્વ સમજી છેલ્લાં 12 વર્ષથી 14મી જાન્યુઆરીના રોજ પતંગોત્સવનું ભવ્ય આયોજન કરે છે. 14મી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણનું પર્વ ઊજવાય છે, કારણ કે સૂર્ય એની પૃથ્વી આસપાસની પરિભ્રમણની દિશા બદલે છે, તે સહેજ ઉત્તર તરફ ખસતો જાય છે, તેથી જ તેને ‘ઉત્તરાયણ’ કહે છે.

ઉત્તરાયણને મકરસંક્રાંતિ પણ કહે છે. મકર એ રાશિનું નામ છે, સંક્રાંતિ એટલે પ્રવેશ કરવો, સંક્રમણ કરવું. આમ પોષ મહિનામાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, તેથી ઉત્તરાયણના પર્વને મકરસંક્રાંતિ પણ કહે છે.

ઉત્તરાયણના દિવસે શિયાળાના ખુશનુમા અને આહ્લાદક વાતાવરણમાં કુદરત દ્વારા લહેરાતી શીત લહરની પરવા કર્યા વિના રંગબેરંગી વસ્ત્રપરિધાન કરી અગાસીમાં રહીને બાળકો, યુવકો, યુવતીઓ વડીલો પણ પતંગ ચગાવવાનો અને લૂંટવાનો આનંદ માણતાં હોય છે.

ઉત્તરાયણના દિવસે આબાલવૃદ્ધ સૌ એકબીજાના સંગમાં રહીને રંગેચંગે અને ઉમંગે આ પર્વ ઊજવતા જોવા મળે છે. કેટલાક પતંગરસિયાઓ તો મોડી રાત સુધી ઉત્તરાયણની મજા માણે  છે. આ દિવસે ‘ભાભી’ ફિલ્મનું ગીત ખાસ યાદ આવે છે….

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે, ચલી બાદલો કે પાર, હોકે દોર પે સવાર સારી દુનિયાકો દેખ દેખ ચલી રે…

પતંગ એ આપણા જીવનનું પ્રતીક છે. જીવનના પતંગને ઉન્નત લઈ જવા માટે પ્રભુની સહાયની જરૂર પડે જ પડે. પ્રભુની કૃપા હોય તો જ માણસનો જીવનરૂપી પતંગ ઉન્નતિના નભમાં વિહરી શકે, ખરું ને!

ઉત્તરાયણ એટલે જ પ્રકાશનો અંધકાર પર વિજય! માનવીનું જીવન અંધકાર અને પ્રકાશથી ઘેરાયેલું છે, તેના જીવનનું વસ્ત્ર કાળા અને ધોળા તંતુઓથી વણાયેલું છે, એ દષ્ટિએ ઉત્તરાયણ એ શુભસંકલ્પ કરવાનો પણ તહેવાર છે.  માનવજીવનમાં રહેલી અજ્ઞાનતા, વહેમ, અંધશ્રદ્ધા, જડતા, કુટેવ વગેરે અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવવાનું પર્વ એટલે ઉત્તરાયણ! અજ્ઞાનને જ્ઞાનથી, વહેમને વિજ્ઞાનથી, અંધશ્રદ્ધાને શ્રદ્ધાથી, જડતાને ચેતનાથી અને કુસંસ્કારોને સંસ્કારથી દૂર કરવાનું પર્વ એટલે જ ઉત્તરાયણ!

સંક્રાંતિ એટલે સંગક્રાંતિ! આ દિવસે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા વગેરે ષડરિપુની અસરમાંથી મુક્ત રહેવું. અનંત ગુણોથી અલંકૃત એવા કર્ણ, ધૃતરાષ્ટ્ર, શકુનિ, દુર્યોધન, દુઃશાસન વગેરે દુર્જનના સંગથી જ અધોગતિ પામ્યા હતા. તેથી જ જીવનમાં મહામાનવનો-સાચકલા સંતનો સંગ કરવો એ જ મકરસંક્રાંતિનો ઉદ્દેશ છે

કોઈ પણ મહાન કાર્ય માટે સંગઠનની આવશ્યકતા રહે છે. ભેગા થયેલા સૌની વચ્ચે સ્નેહપૂર્ણ મધુર સંબંધ હોવા જોઈએ. આ વાતના પ્રતીકરૂપે જ આ દિવસે તલસાંકળી ખાવાની અને ખવડાવવાની પ્રથા શરૂ થઈ છે, કારણ કે એકલા ગોળ-તલ કે ઘી મધુર નથી લાગતાં, પણ એ ત્રણ ભેગાં મળે તો મધુર લાગે છે, તેમ માનવ પણ માન સાથે સ્નેહથી ભળે તો મધુર લાગે છે.

તલસાંકળી શબ્દ પણ માનવ-માનવ વચ્ચે સંબંધની સાંકળ મજબૂત બનાવવાનું પ્રતીક જ છેને! તલમાં સ્નિગ્ધતા છે તેથી રૂક્ષ થયેલા સંબંધોમાં સ્નિગ્ધતા તલ લાવી શકે છે અને ગોળની મીઠાશ મનની કડવાશ દૂર કરે છે. આમ સ્નેહ, મીઠાશ અને સંબંધનું પ્રતીક એટલે તલસાંકળી!

ખરેખર પતંગ ચગાવવાની ખરી મજા પણ સંગમાં-સમૂહમાં જ આવે છે, તેથી જ અગાસી પર એક-બે વ્યક્તિ નહિ, પરંતુ જાણે વ્યક્તિઓનો સમૂહ આનંદથી હિલોળા લેતો હોય છે. ‘કાપ્યો છે…. પકડયો છે…’ એમ મોટેથી ચિચિયારીઓ પાડવાની મજા સમૂહમાં જ આવે છે ને! તલસાંકળી ખાવાની મજા પણ ભેગા જ આવે છે.

યુવાપેઢીને આ ઉત્સવનું ખૂબ જ ઘેલું હોય છે તેથી તમામ શાળા-કોલેજો પણ ઉત્તરાયણ પહેલાં પરીક્ષા પૂર્ણ કરે છે, જેથી વિદ્યાર્થી ભાઈબહેેનો મન મૂકીને આ પર્વનો આનંદ માણી શકે, કારણ કે પરીક્ષાનો બોજ દૂર થતાં જ તેઓ સાચા અર્થમાં રંગમાં આવી જાય છે.

ઉત્તરાયણના ઉમંગભર્યા પર્વે આપણે સૌ પ્રભુને પ્રાર્થના કરીએ કે …….

જીવનપતંગ પ્રભુ ઝોલે ચઢે ના, અર્પ્યો છે દોર તારા હાથમાં, આશાની દોરે ચગે વ્યોમમાં.

 

લેખક કેળવણીકાર છે.

પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com