ઉત્તરાખંડમાં વાદળ ફાટયું; થાણેમાં ભૂસ્ખલન થતાં પાંચ વ્યક્તિનાં મોત

 

નવી દિલ્હીઃ દેશ આરોગ્યની આફત સામે સંઘર્ષ કરી રહ્યો છે, ત્યારે ‘આભેથી આફત’ વરસી હોય તેમ વાદળ ફાટવાથી ભૂસ્ખલન જેવી વરસાદ સંબંધિત દુર્ઘટનાઓ દેશનાં પહાડી રાજ્ય ઉત્તરાખંડથી માંડીને મહારાષ્ટ્ર સુધીના વિવિધ વિસ્તારોમાં જીવલેણ બની હતી. 

ઉત્તરાખંડ, હરિયાણા તેમજ મહારાષ્ટ્રમાં કુદરતના કોપનો ભોગ બનતાં વિવિધ દુર્ઘટનાઓમાં નવ લોકોનાં મોત થયાં હતાં. તોફાની વરસાદ વચ્ચે આ રાજ્યોમાં આફતથી અસરગ્રસ્ત થયેલા લોકોની વહારે દોડી જતાં વિવિધ ટીમોના જવાનોએ તાત્કાલિક બચાવ-રાહત અભિયાન છેડયું હતું. 

પર્વતીય રાજ્ય ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાનાં માંડા ગામમાં રવિવારની મોડી રાત્રે વાદળ ફાટવાની ઘટનાએ લોકોની નીંદર ઉડાડી દીધી હતી. આ ઘટનામાં ત્રણ લોકોનાં મોત થઇ ગયાં હતાં, તો અન્ય ચાર લાપતા થયા હતા. વાદળ ફાટતાં કુદરતનાં રૌદ્ર સ્વરૂપથી સફાળા જાગી ગયેલા લોકોમાં ભારે ભય ફેલાયો હતો અને પર્વતીય રાજ્યનાં જનજીવને સતત ઉચાટ-અજંપા વચ્ચે સોમવાર પસાર કર્યો હતો. 

મહારાષ્ટ્રમાં મહાનગર મુંબઇના થાણે સ્થિત કલવા ક્ષેત્રમાં ભેખડો ધસી પડતાં પહાડનો કાટમાળ એક ઘર પર પડયો હતો. કુદરત રિસાઇ હોય તેમ ભૂસ્ખલનનો ભોગ બનતાં એક જ પરિવારના સાત લોકો કાટમાળ નીચે દબાઇ ગયા હતા, જેમાંથી પાંચ સભ્યનાં મોત થઇ ગયાં હતાં. મૃતકોમાં ૧૨ વર્ષનો રવિ કિશન, ૧૦ વર્ષની સિમરન અને ત્રણ વરસની સંધ્યા સહિત ત્રણ બાળક સામેલ છે. હવામાન વિભાગ તરફથી સોમવારે મુંબઇ, પૂણે અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની રેડ એલર્ટ જારી કરાઈ હતી. ઉત્તરાખંડમાં ‘આભેથી આફત’ વરસી હોય તેમ વાદળ ફાટતાં ત્રણ લોકોનાં મોત થઇ ગયાં હતાં, તો ચાર લાપતા થઇ ગયા હતા, ઉત્તરકાશી જિલ્લાના માંડો ગામમાં આફત વરસી હતી. રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ (એસડીઆરએફ)ની ટીમના જવાનો દોડી ગયા હતા અને બચાવ-રાહત અભિયાન છેડયું હતું. ઉત્તરાખંડમાં ગંગા, યમુના, ભાગીરથી, અલકનંદા, મંદાકિની, પીંડર, નંદાકિની, સરયૂ, ગોરી, કાલી, રામગંગા સહિત અનેક નદીઓમાં પાણી ખતરાનાં નિશાનની નજીક પહોંચી ગયું છે. બીજી તરફ હરિયાણાના ગુરુગ્રામમાં રવિવારની મોડી રાત્રે ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થઇ ગયું હતું,