ઉત્તરાખંડમાં વાદળ ફાટયું : ભારે તબાહી

 

દેહરાદૂનઃ ઉત્તરાખંડના દેવપ્રયાગમાં મંગળવારે સાંજે ભારે વરસાદ સાથે વાદળ ફાટતાં કેટલીક દુકાનો, રહેણાંક અને આઈટીઆઈની ઈમારત ધસી પડી હતી. કોરોનાને કારણે કફર્યૂ લાગુ હોવાથી મુખ્ય બજારો બંધ હોવાથી જાનહાની ટળી છે. રાહત બચાવ કામગીરી માટે રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. ડીજીપી અશોકકુમારના જણાવ્યાનુસાર સાતથી આઠ દુકાનો અને આઈઆઈટીની ઈમારતને ભારે નુકસાન થયું છે. કોઈ જાનહાનિ નથી એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને ઓપરેશન શરૂ કર્યું છે.

મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે આ દુર્ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે, ૩ અને ૭ મેના પણ ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટનાઓ બની હતી. અહેવાલો અનુસાર દેવપ્રયાગમાં સાંજે આશરે પાંચ વાગ્યે શાંતા નદીના ઉપરના ભાગે વાદળ ફાટયા બાદ નદીએ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. ટિહરી જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના બાદ નદીઓમાં જળસ્તર વધી ગયું છે. વાદળ ફાટયા બાદ વીજળીની લાઈનો, પાણીની લાઈનોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. નગરપાલિકાના અધ્યક્ષ કૃષ્ણકાંત કોટિયાલે કહ્યું કે ઘટનાથી શહેરમાં ભારે નુકસાન થયું છે.