ઉત્તરપ્રદેશમાં માફિયાઓની ગરમી શમી ગઈ છેઃ યોગી આિદત્યનાથ

ઉત્તરપ્રદેશઃ ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ નગર પાલિકાની ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે ,ઉત્તર પ્રદેશમાં માફિયાઓની ગરમી શમી ગઈ છે. અહીં એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે ,માફિયાઓને અંકુશમાં રાખવાનો સરકાર પ્રયાસ કરી રહી છે, જે અંતર્ગત અગાઉ યુપી સરકારે 66 મોસ્ટ વોન્ટેડની યાદી પણ જારી કરી હતી. પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યા પછી ઉત્તર પ્રદેશની પોલીસ નિરંતર કાર્યવાહી કરી રહી છે. આ હત્યાકાંડમાં સામેલ માફિયા ડોન અતીક અહેમદના દીકરા અસદ અહેમદ સહિત ચાર ગુનાગેરાને એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા હતા, જ્યારે પ્રયાગરાજમાં આ બંને માફિયાની હત્યા કરવામાં આવી હતી. આ બધા મુદ્દાને મુખ્યમંત્રી યોગીએ ચૂંટણી ટાણે ઊભા કર્યા હતા અને આ મુદ્દે તેમણે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં માફિયાઓની ગરમી શમી ગઈ છે. હવે તેમના માટે અશ્રુ વહાનારા પણ બચ્યાં નથી. આ નિવેદનને માફિયા બ્રધર્સની સાથે જોડવામાં આવે છે. અતીક અહેમદ અને અશરફ અહેમદની અંતિમવિધિ દરમિયાન તેની પત્ની શાઈસ્તા પરવીન સહિત પરિવારનો એક પણ સભ્ય પહોંચી શક્યો નહોતો.
ઉત્તર પ્રદેશમાં સહારનપુરમાં ભાજપે પાલિકાની ચૂંટણીનો પ્રચાર ઔપચારિક રીતે ચાલુ કરી દીધો છે. સહારનપુરમાં યોગી આદિત્યાનાથે માફિયાઓને ખુલ્લેઆમ પડકાર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં કરફ્યૂ લાગ્યો નથી. હવે તો કાવડ યાત્રા નીકળે છે અન ેએ કાવડ યાત્રા યુપીની ઓળખ બની ચૂકી છે. પહેલા યુવાનો પર બનાવટી કેસ ચલાવવામાં આવતા હતા, પરંતુ આજે એમ થતું નથી. ખેડૂતો પહેલા આત્મહત્યા કરતા હતા, પરંતુ આજે પ્રધાનમંત્રી કિસાન સન્માનનું ભંડોળ મળે છે. આપણે નક્કી કરવાનું છે કે આપણે યુવાનોના હાથમાં બંદૂકના બદલે ટેબ્લેટ આપવું છે.
યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, આપણે નક્કી કરવાનું છે કે શેરીઓમાં ગોળીઓનો વરસાદ કરવો છે કે પછી શહેરોમાં ભક્તિ ભાવના લાવવી છે? આ મુદ્દે મુખ્ય પ્રધાને કહ્યું હતું કે આપણે નક્કી કરવાનું છે કે પૈસા વસૂલનારા ગુંડા જોઈએ કે પછી ગરીબોને સ્વ-સહાય આપતા વહીવટી તંત્રની જરૂર છે? 2017 પહેલા રમખાણો થતા હતા, સંચારબંધી લાગતી હતી, જ્યારે વીજળી નહોતી આવતી. 2017 પહેલા લોકોને રમખાણો કરાવવામાંથી ફૂરસદ મળતી નહોતી, એમ તેમણે જણાવ્યું હતું. માફિયાઓ પર બુલડોઝર ચલાવવા મક્કમ બનેલી યોગી આદિત્યનાથની સરકારે આજે વિસ્ફોટક નિવેદન આપીને ગેંગસ્ટરની શાન ઠેકાણે લાવી દીધી છે. ઉત્તર પ્રદેશની મહાનગર પાલિકાની ચૂંટણી બે તબક્કામાં ચોથી અને અગિયારમી મેના રોજ યોજવામાં આવશે.