ઉત્તરપ્રદેશના ઉન્નાવ અને જમ્મુ – કાશ્મીરના કઠુઆમાં બનેલી ગેન્ગ રેપની શરમજનક ઘટનાઓના વિરોધમાં નવીદિલ્હીના ઈન્ડિયા ગેટખાતે કોંગ્રસે યોજી કેન્ડલ માર્ચ .

0
736

ઉત્તરપ્રદેશમાં ઉન્નાવ ખાતે બનેલી ગેન્ગ રેપની – સામૂહિક બળાત્કારની ઘટનાએ તેમજ જમ્મુ -કાશ્મીરના  કઠુઆમાં બનેલી એક આઠ વર્ષની બાળકી પર થયેલા સામૂહિક બળાત્કાર અને તેની કરપીણ હત્યાની ઘટનાએ આખા દેશમાં ચકચાર જગાડી છે. ઉત્તરપ્રદેશના ઉન્નાવ ખાતે થયેલા સામૂહિક બળાત્કાર (ગેન્ગ રેપ) ના કિસ્સામાં યુપીના વિધાનસભ્ય આરોપી છે. જયારે જમ્મુ -કાશ્મીરના કઠુઆની ઘટનાઓમાં એક આઠ વષર્ની બાળકી પર પોલીસકર્મીઓ સહિત આઠ જણાએ બળાત્કાર ગુજારી એની નિર્મમ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થતા લોકોમાં આક્રોશ અને આઘાતની લાગણી અનુભવી રહ્યા છે. એક આઠ વર્ષની બાળકી પર થયેલા ગેન્ગ રેપની ઘટનાએ દેશમાં કાયદો અને વ્યવસ્થા કેટલી પાંગળી અને નિષ્ક્રિય બની ગઈ છે એ વાતની પ્રતીતિ કરાવે છે. ઉપરોકત ઘટનાઓના વિરોધમાં નવી દિલ્હીના ઈન્ડિયા ગેટ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા એક સામૂહિક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાંમ આવ્યું હતું. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ સરઘસનું આયોજન કરાયું હતું. મોડી રાત્રે આશરે 11વાગ્યાના સુમારે યોજવામાં આવેલી આ કેન્ડલ માર્ચમાં પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાઢેરા પણ સામેલ થયા હતા. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી પણ આ સરઘસમાં જોડાયા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. મોડી રાત્રે યોજવામાં આવેલી આ માર્ચમાં  કોંગ્રેસના કેટલાક નેતાઓએ પણ ભાગ લીધો હતો. આ સરઘસની( કેન્ડલ માર્ચ) આગેવાની શર્મિષ્ઠા મુખરજીએ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, મહિલાઓને ન્યાય અપાવવા માટે તેઓ પોતાની લડત સતત ચાલુ રાખશે. કોંગ્રેસના એક નેતાએ ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, જયારે સરકાર ઊંઘતી હોય, દેશનો ચોકીદાર નિદ્રાધીન હોય ત્યારે તેમને જગાડવા માટે કંઈક તો કરવું જ પડે!!