ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તો શું થાય?

0
1765

એક સરસ બોધકથા છે.
બે મિત્રો એક નાનકડા ગામમાં રહેતા હતા. પ્રથમ મિત્ર અંધ હતો. બીજો ઘરબારી અને કુટુંબ-કબીલાવાળો ગરીબ હતો. પ્રથમ મિત્ર અંધ હોવાથી દુઃખી થતો, ફક્કડ ગિરધારી પણ હતો. બન્ને હળીમળીને રહેતા હતા. એક વખત પવિત્ર શ્રાવણ માસ અને પુરુષોત્તમ માસનો યોગ આવ્યો. બીજો મિત્ર જે મહાદેવજીનો પરમ ભક્ત હતો એણે ગામમાં આવેલા એક પુરાતન મંદિરમાં ભોળાનાથની ઉપાસના શરૂ કરી. તેનું જોઈ અંધ મિત્ર અનુકરણવશ મંદિરની બહાર બેઠક જમાવી આરાધના કરવા લાગ્યો. બન્નેની ભક્તિ જોઈ પોતાના સ્વભાવ મુજબ ભોળાનાથ પ્રસન્ન થઈ પ્રગટ થયા. એમણે ખુશ થઈ બન્ને દુઃખી મિત્રોને એક-એક વરદાન માગવા જણાવ્યું. આમાં બીજો મિત્ર જે ઘરબારી હતો એણે વાંધો લીધો. એ કહે, ‘ભગવાન, મેં તો તમારી મંદિરમાં બેસી પદ્ધતિસર સાધના કરી છે. આણે તો બહાર બેઠાં-બેઠાં નકલ કરી છે. બન્નેને સમાન તક કઈ રીતે? મને ત્રણ વરદાન આપો.’

તેની તત્પરતા જોઈ ભગવાને તેની માગણી ગ્રાહ્ય રાખી, પરંતુ ખરી સમસ્યા હવે શરૂ થવાની હતી.
ઘરબારી મિત્રની સમસ્યાઓ ઘણી હતી. તેની પત્ની કદરૂપી હતી, જેના કારણે તેણે ઘણો ઉપહાસ વેઠેલો. એણે પ્રથમ વરદાનમાં પત્નીની સુંદરતા માગી અને પળવારમાં, તે રૂપરૂપના અંબારસમી અપ્સરા બની ગઈ. પત્નીને લાગ્યું કે હું આવી રૂપાળી છું તો રાજદરબારમાં જ શોભું ને? એ રાજાની રાણી બની ગઈ. મિત્ર સમસમી ગયો. એણે પત્નીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. એની પાસે બીજું વરદાન હતું. તરત જ એણે ભગવાન પાસે માગણી મૂકી કે ‘મારી પત્ની ઘોડી બની જાય.’ તરત જ અમલ થયો. ઘોડીમાં પરિવર્તિત થયેલી રાણીને રાજાએ કાઢી મૂકી. પોતાની માતાની આવી હાલત જોઈ એ ગરીબ માણસનાં બાળકો રોકકળ કરવા લાગ્યાં. ઘરબારી મિત્રને દયા આવી ગઈ. એણે ત્રીજું વરદાન માગીને પત્નીને મૂળ સ્વરૂપમાં મૂકવા માગણી કરી. ભગવાને તથાસ્તુ કહ્યું. ત્રણ વરદાનો માગવા છતાં એ ઠેરનો ઠેર રહ્યો હતો!

હવે વારો અંધ મિત્રનો હતો, જેની પાસે ફક્ત એક જ વરદાન હતું. એણે અત્યંત દીનભાવે ભગવાન સમક્ષ માગણી મૂકી,
‘હે ભોળાનાથ, હું મારા છોકરાના છોકરાની વહુને સાત માળની હવેલીએ સોનાની ગોળીએ છાસ વલોવતી જોઉં.’
ભગવાને વચન મુજબ તથાસ્તુ કહ્યું. અંધ માણસને રોશની સહિત અઢળક સંપત્તિ અને કુટુંબ પ્રાપ્ત થયાં!
પ્રથમ મિત્ર જે અંધ હતો એણે મળેલા ઉત્તમ અવસરનો ઉપયોગ કર્યો હતો. બીજાએ ટૂંકી દષ્ટિ અને દુન્યવી લોભમાં ત્રણ તકો હોવા છતાં એ વેડફી નાખી હતી.

આવું વાસ્તવમાં ઘણી વાર બનતું જોવા મળે છે. આપણને મળેલી નાનકડી નોકરી કે વ્યવસાય આપણને સામાન્ય લાગે છે. માણસને શરૂઆતથી જ સીધા સિંહાસને બેસવું હોય છે. હકીકતમાં નાની તકોને પુરુષાર્થ અને વિશાળ દષ્ટિથી જો ઝડપી લેવામાં આવે તો એમાંથી જ વટવૃક્ષ બનતું હોય છે. નાનાઅમથા ધંધાથી શરૂ કરનારા અનેક મોટા ઉદ્યોગપતિઓની સાફલ્યગાથા આપણે જોઈ છે. એમાં એમને મળેલી તક ભલે નાની હશે, પણ એ પ્રયાસમાં ઉત્તમ શું છે એની જાણકારી એમણે મેળવી લીધી હોય છે. વ્યક્તિની પાત્રતા અને લાયકાત ઘણી વાર તેને મળેલા સંજોગોને સરળ બનાવે છે. ઉત્તમ સ્કૂલ કે કોલેજમાં ભણનાર ઉત્તમ ડિગ્રી જ હાંસલ કરે એવું નથી હોતું. ઊલટાનું વધારે પડતી સુખસગવડોવાળી શાળા-કોલેજમાં તેની દિશા મોજમજા તરફ થઈ જતી હોય છે. સામાન્ય પરિવારના મધ્યમવર્ગીય વાતાવરણમાં અભાવોની વચ્ચે સફળ વિદ્યાર્થીઓ ઉચ્ચ કારકિર્દી સાથે ઝળકતા હોય છે. હમણાં આઇએએસ જેવી દેશની સૌથી ઉચ્ચ સનદી સેવામાં એક પેડલરિક્ષા ચલાવનારા પિતાનો પુત્ર ઉત્તીર્ણ થવાના સમાચારો ચમક્યા હતા. સુંદર અને સુશીલ પત્ની મળે, પરંતુ શંકા થકી જીવનને ઝેર કરી નાખનારા માણસોના દાખલા મોજૂદ છે. ઉત્તમ મા-બાપનાં સંતાનો ક્યારેક સમાજ માટે ભારરૂપ બનતાં હોવાનું પણ બને છે. હંમેશાં આ મુજબ જ થાય છે એવું કહેવાનો આશય નથી, પરંતુ ઉત્તમ વસ્તુને આત્મસાત્ કરવા માટે વ્યક્તિએ પોતે પણ એ મુજબનું ચારિત્ર્ય કે પુરુષાર્થ બતાવવો પડે છે. દયારામ કહે છે એમ
‘ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે
તદપિ કોઈ અર્થ ના સરે
સિંહણ સુતનું દૂધ તે
સિંહણ સુતને જરે!’
અર્થાત્ સિંહનું દૂધ પચાવવા માટે સિંહનું બચ્ચું જોઈએ. કોઈ પણ તક કે આપણને મળેલી અનુકૂળતા નાની કે વામણી હોતી નથી, સંકુચિત હોય છે આપણી દષ્ટિ. ક્યારેક આપણો અભિગમ અસ્પષ્ટ અને સંકુચિત પણ હોય છે. પ્રગતિની પ્રથમ શરત ખુલ્લાપણું છે. બીજાની સિદ્ધિ કે સફળતામાંથી પણ પદાર્થપાઠ શીખે એ ઉત્તમ પુરુષાર્થી હોવાનો. પોતાને મળેલા સંજોગો અપર્યાપ્ત હોવાની બુમરાણ કે તેનું મૂલ્ય નહિ સમજનાર નિષ્ફળતાનો પાયો નાખે છે. રોદણાં રોનાર વ્યક્તિની શરૂઆત જ અડધી નિષ્ફળતા હોય છે. આત્મવિશ્વાસનું અડધું સ્મિત પણ સંપૂર્ણ વિજયની આહલેક બની જાય છે. ઉત્તમ વસ્તુ માટે અધિકારી બનવાની પૂરતી તાલીમ જ માણસને સુખી બનાવતી હોય છે, એ નિશ્ચિત વાત છે!

લેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.