
શિનજિયાંગ: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું છે કે તેમના દેશમાં ઈસ્લામ ચીનને અનુકૂળ હોવો જોઈએ. શી જિનપિંગે આ વાત શિનજિયાંગ રાજ્યના અધિકારીઓને કહી જ્યાં તેઓ ચાર દિવસના પ્રવાસે પહોંચ્યા હતા. અત્રે જણાવવાનું કે શિનજિયાંગ ચીનનું એ રાજ્ય છે જ્યાં ઉઈગર મુસ્લિમોની સારી એવી વસ્તી છે. શી જિનપિંગે અહીં પોતાના અધિકારીઓને કહ્યું કે ઈસ્લામે ચીની સમાજને અનુકૂળ હોવું જોઈએ અને સમાજવાદી માળખાને અપનાવવું જોઈએ. જેનું ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી પ્રતિનિધિત્વ કરે છે. ચીનના રાષ્ટ્રપતિએ પોતાના અધિકારીઓને કહ્યું કે આ સમુદાયે ચીન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વધારવી જોઈએ. આ સાથે જ તેમણે અન્ય સમુદાય સાથે સંવાદ સ્થાપિત કરવા માટે કામ કરવું જોઈએ. શીએ ધાર્મિક મામલાઓમાં શાસન ક્ષમતામાં સુધાર લાવવા માટે તથા ધર્મોના સ્વસ્થ વિકાસને સાકાર કરવાની જરિયાત પર ભાર મૂક્યો હતો. એજન્સીના રિપોર્ટ મુજબ શી જિનપિંગે કહ્યું કે ચીનમાં ઈસ્લામ ચીની વાતાવરણમાં ખીલવો જોઈએ અને તમામ ધર્મોએ સમાજવાદી વ્યવસ્થાને અનુકૂળ પોતાને વિક્સિત કરવા જોઈએ. શી જિનપિંગે કહ્યું કે ધર્મોને માનનારા પાર્ટી અને સરકાર સાથે સંગઠિત હોવા જોઈએ. અત્રે જણાવવાનું કે ચીનના રાષ્ટ્રપતિ ઘણા સમયથી ઈસ્લામ ધર્મને લઈને નિવેદન આપી રહ્યા છે જેમાં તેમનું કહેવું છે કે આ ધર્મ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની નીતિઓને અનુકૂળ હોય.