
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને તેમજ તેમની પુત્રી મરિયમને ભ્રષ્ટાચાર આચરવાના ગુના માટે ઈસ્લામાબાદની અદાલતે સજા ફરમાવી હતી. નવાઝ શરીફને 10 વરસની જેલ અને તેમ નવી પુત્રી મરિયમને 7 વરસની જેલની સજા ફરમાવવામાં આવી હોવાનું પાકિસ્તાનના સમાચાર પ્રસાર માધ્યમો દ્વારા જણાવવામાં આવ્યું હતું. નવાઝ શરીફે લંડનમાં ગેરકાયદેસર રીતે એકઠી કરેલી મિલકતના કેસમાં અદાલત દ્વારા ઉપરોક્ત ફેંસલો આપવામાં આવ્યો હતો. આ ચુકાદાની જાહેરાત બાદ પાકિસ્તાનના રાજકારણમાં તેમજ મરિયમની રાજકીય કારકિર્દીના ક્ષેેત્રે અનેક સવાલો ઊભા થયા છે. નવાઝ શરીફના કુટુંબ તરફથી નવાઝના પત્ની કુલસુમ નવાઝની નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને ચુકાદો વિલંબમાં મૂકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અદાલતે નવાઝ શરીફ અને મરિયમને બુધવારે અદાલતમાં ઉપસ્થિત રહેવાની તાકીદ કરી હતી. સામે પક્ષે નવાઝ અને તેમની પુત્રી મરિયમે સાત દિવસની છૂટ આપવાની અપીલ કરી હતી. એવેન્ફિલ્ડ કેસ નવાઝ શરીફ સામે કરવામાં આવેલા ભ્રષ્ટાચારના ચાર આરોપોમાંથી એક છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે લંડનના એવેન્ફિલ્ડ હાઉસમાં 4 આલિશાન એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. પનામા પેપર વિવાદમાં નવાઝ શરીફનું નામ સંડોવાયેલું હોવાનું સાબિત થયા બાદ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે નવાઝ શરીફને વડાપ્રધાન તરીકે અયોગ્ય ઠેરવ્યા હતા. નવાઝ શરીફ સામે ભ્રષ્ટાચારના મામલે ચાર કેસ ચાલી રહ્યા છે્. નવાઝ શરીફના બન્ને પુત્રો હસન અને હુસૈન શરીફને પણ અદાલત દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા.
હાલમાં નવાઝ શરીફ લંડન છે. અહીં તેમની પત્નીની તબીબી સારવાર ચાલી રકહી છે. તેમણે કહ્યું હતું કે, મારી પત્નીની તબિયતમાં સુધારો થશે એટલે હું પાકિસ્તાન જઈશ .