ઈસરો દ્વારા નવ ઉપગ્રહોને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા

 

ચેન્નઈ: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને (ઈસરો) દ્વારા પોતાના અત્યાર સુધીના સૌથી લાંબા મિશનમાંના એકમાં પીએસએલવી-સી૫૪ રોકેટની મદદથી શ્રીહરિકોટા અવકાશ મથકેથી અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ-ઓશનસેટ અને અન્ય આઠ ઉપગ્રહને સંબંધિત વિવિધ (સનપ્રસિન્ક્રોનસ) ભ્રમણકક્ષામાં મૂકવામાં સફળતા મેળવી હતી.

અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ-ઓશનસેટ-સિક્સને આ સિરીઝનો થર્ડ જનરેશનનો ઉપગ્રહ છે અને તેનો ઉપયોગ દરિયા અને પવનને લગતા અભ્યાસમાં કરાશે. આ ઉપરાંત, ભુતાન માટેના ઇસરો સેટેલાઇટ-ટૂ (આઇએનએસ-ટૂબી)માં બે પેલોડ (નેનોએમએક્સ) અને એપીઆરએસ-ડિજિપીટરને પણ ભ્રમણકક્ષામાં મુકાયા છે.

નેનોએમએક્સ મલ્ટિસ્પેક્ટ્રલ ઓપ્ટિકલ ઇમેજિંગ પેલોડ છે. તેને સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર દ્વારા વિકસાવાયો છે, જ્યારે એપીઆરએસ-ડિજિપીટર પેલોડને ભુતાનના માહિતી તંત્રજ્ઞાન અને દૂરસંચાર વિભાગ તેમ જ બેંગલૂરૂના યુ. આર. રાવ સેટેલાઇટ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયો છે. 

‘આનંદ’ નામના ઉપગ્રહને બેંગલૂરૂમાંની સ્પેસ સ્ટાર્ટ-અપ દ્વારા વિકસાવાયો છે. તેમાં પૃથ્વીના નિરીક્ષણ માટેના ખાસ કેમેરા બેસાડાયેલા છે. ધ્રુવ સ્પેસ નામની અન્ય સ્ટાર્ટ-અપ દ્વારા તૈયાર કરાયેલા ‘થાઇબોલ્ટ’ (બે ઉપગ્રહ)ને પણ તેઓની નિર્ધારિત ભ્રમણકક્ષામાં મુકાયા હતા. અમેરિકાની સ્પેસલાઇટના ઇન્ટરનેટ માટેના ઉપગ્રહ ‘એસ્ટ્રોકાસ્ટ’ને પણ ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મુકાયો હતો. અગાઉ, શ્રીહરિકોટાસ્થિત સતીશ ભવન સ્પેસ સેન્ટરથી નવ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂકવાની ઊલટી ગણતરી (કાઉન્ટ ડાઉન) શુક્રવારે સવારે ૧૦:૨૬ વાગ્યે શરૂ થઈ ગઇ હતી. શનિવારે સવારે ૧૧:૫૬ વાગ્યે સતીશ ધવન સ્પેસ સેન્ટરસ્થિત લોન્ચપેડથી આ નવ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મોેકલવામાં આવ્યા હતા.

મુખ્ય ઉપગ્રહ ઓશનસેટને પ્રથમ ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો હતો, જ્યારે બાકીના આઠ નાના ઉપગ્રહને ગ્રાહકોની જરૂરિયાત મુજબ જુદી જુદી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા હતા. ૩૨૧ ટન વજન ધરાવતા પીએસએલવી-સી૫૪ રોકેટની મદદથી આ નવ ઉપગ્રહને વિવિધ ભ્રમણકક્ષામાં તરતા મૂકવામાં આવ્યા હતા.

પીએસએલવી-એક્સએલ શ્રેણીની આવૃત્તિનું આ ૨૪મું ઉડ્ડયન હતું. ઈસરોના વિજ્ઞાનીઓ દ્વારા હાથ ધરવામાં આવેલું આ સૌથી લાંબું મિશન છે. આ મિશન દરમિયાન પીએસએલવી-સી૫૪ની મદદથી ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં મૂકવા બે ઓર્બિટ ચેન્જ થ્રસ્ટર્સ (ઓસીટી)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ-ઓશનસેટ ઓર્બિટ-વનમાં અને બાકીના ઉપગ્રહો ઓર્બિટ-ટૂમાં છૂટા પડ્યા હતા.

પીએસએલવી-સી૫૪ના ઉડ્ડયનની ૨૦ મિનિટ બાદ તે ૭૪૨ કિમીની ઊંચાઈએ પહોંચ્યા ત્યારબાદ મુખ્ય સેટેલાઈટ ઓશનસેટને પ્રથમ ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો હતો. ઓશનસેટને પ્રથમ ભ્રમણકક્ષામાં મૂક્યા બાદ પીએસએલવી-સી૫૪ રોકેટે ૫૧૬ કિમીથી ૫૨૮ કિમીની ઊંચાઈ વચ્ચે અન્ય નાના ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં તરતા મૂક્યા હતા. નવ ઉપગ્રહમાંનો છેલ્લો ઉપગ્રહ ૫૨૮ કિમીની ઊંચાઈએ ભ્રમણકક્ષામાં તરતો મૂકવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here