ઈશ્વર મોકલે તે ઈ-મેઇલ!

0
1029

(ગતાંકથી ચાલુ)
કોઈની જૂઠી પ્રશંસા કરવી એ હિંસા છે. કોઈની જૂઠી નિંદા કરવી એ વળી મોટી હિંસા છે. પ્રશંસા જ્યારે માણસની ગેરહાજરીમાં થાય ત્યારે એમાં પ્રયોજાયેલા શબ્દો અનાથ નથી હોતા. બેજવાબદાર પ્રશંસામાં અને બેજવાબદાર નિંદામાં શબ્દોનો બગાડ થાય છે. એ બગાડ તમોગુણી ગણાય, કારણ કે શબ્દો વેડફનારી વ્યક્તિ પોતાનું ચારિત્ર્ય ગુમાવે છે. જાહેર સમારંભોમાં માઇક્રોફોન પરથી વહેતા શબ્દો ક્યારેક તો ગટરમાં વહી જતા હોય છે. પશ્ચિમના કોઈ દેશમાં માઇક્રોફોન પર આવો બળાત્કાર (વિનયભંગ) નહિ થતો હોય.
કેટલાક માણસો વખત મારવા માટે ટીવી જુએ છે. ટીવી પર કાર્યક્રમ જોવાની મજા માણવામાં કશુંય ખોટું નથી, પરંતુ લાચારીને કારણે ટીવી જોવાનું ટાળવા જેવું છે. ટીવી ન જોઉં તો બીજું કરું પણ શું? ટીવી વિના વખત શી રીતે પસાર થાય? આ બન્ને પ્રશ્ન માણસનું અપમાન કરનારા છે. એક પ્રયોગ કરવા જેવો છે. ગમાણને ખીલે બંધાયેલી ગાયની આંખ ધારી ધારીને જોયા પછી લાચારીને કારણે ટીવી સામે બેઠેલી વ્યક્તિની આંખ જોજો. માણસની આંખ અને ગાયની આંખ સરખી જણાશે.
સમય વેડફી મારવો એ પણ એક પ્રકારની આત્મહત્યા છે. ઘડપણ સાથે માણસને માથે પડેલી લાચારી ક્ષમ્ય છે. યુવાનો સમય વેડફે ત્યારે એમનું જીવન વેડફાય છે. મનગમતું મનોરંજન પ્રાપ્ત થાય એમાં સમયનો બગાડ નથી. જ્યારે પ્રમાદ એ જ મનોરંજન બને ત્યારે યૌવન કરમાય છે.
નશો આખરે શું છે? નશો એટલે સ્વરાજની ગેરહાજરી! વાત એમ છે કે હું મારા કહ્યામાં નથી. મારો નિર્ણય એ મારું વર્તન નથી. ટૂંકમાં, કેટલાક કલાકો માટે મારું જીવન એ મારું જીવન નથી. આ થઈ પાર્ટ-ટાઇમ આત્મહત્યા! શરાબ પરનો પ્રતિબંધ એ ઇસ્લામની મહાન ભેટ છે. માનવ-ઇતિહાસની પ્રથમ દારૂબંધી દ્વારકામાં અમલમાં આવી હતી.
પુષ્પ આદરણીય છે, કારણ કે એની સુંદરતા મનોહર છે અને કોમળતા રમણીય છે. મને જ્યારે કોઈ સમારંભમાં પુષ્પહાર કે બુકે મળે ત્યારે એ પુષ્પોને સાચવીને ઘરે લાવીને ફ્લાવરવાઝમાં મૂકીને શણગારું છું. સમારંભમાં પુષ્પના ઢગલા થાય ત્યારે પુષ્પ રડે છે. પુષ્પ ત્યારે પણ રડી ઊઠે છે, જ્યારે એને પ્લાસ્ટિકની કેદમાં પૂરી દઈને વક્તા કે મહેમાનને આપવામાં આવે છે. પુષ્પનો બગાડ થાય એ સંસ્કારહીનતાની નિશાની છે. બગાડ કલ્ચરથી સાવધાન!
ઈશ્વર મોકલે તે ઈ-મેઇલ!
કાનનું નિર્માણ મોબાઇલ ફોન સાથે ચોંટી જવા માટે નથી થયું. આંખનું નિર્માણ ટીવીના પડદા પર ખોડાઈ રહેવા માટે નથી થયું. હૃદયનું નિર્માણ કાર્ડિયોગ્રામ લેનારા યંત્ર પર ધબકારા નિહાળવા માટે નથી થયું. હૃદયનું નિર્માણ તો પૃથ્વી પર ક્યાંક સામે મળી જતા અજાણ્યા આદમીને આત્મીય ગણવા માટે થયું છે એ જ હૃદય ઈશ્વર તરફથી મળતી ઈ-મેઇલ વાંચવા માટે સર્જાયું છે. મન જૂઠું બોલે, હૃદય કદી જૂઠું ન બોલે. ગમે તેવા મવાલીનું હૃદય પણ સત્યવાદી હરિશ્ચંદ્ર જેવું સાચાબોલું હોય છે. ઈ-મેઇલ એટલે ઈશ્વર તરફથી મળતી ટપાલ. એક ઈ-મેઇલ ભક્તકવિને મળી હતીઃ ‘સૂની હો મૈને હરિ આવન કી આવાઝ!’ એ હતી પ્રેમદીવાની મીરાં. કૃષ્ણની ઈ-મેઇલ મીરાંને મળી!
જગતનું સૌથી પવિત્ર તીર્થસ્થાન એટલે પ્રેમને કારણે ઘાયલ થયેલું હૃદય. સદીઓથી મનુષ્યના કોમળ હૃદય પર હુમલા થતા જ રહ્યા છે. લશ્કરની કવાયત જોવામાં તો આકર્ષક લાગે છે, પરંતુ કંઈકેટલાંય હૃદયો માટે તો એ કયામતની કવાયત બની જાય છે. એકવીસમી સદીમાં પણ જો માણસ પોતાની મૂર્ખતા ન છોડી શકે, તો માનવતાનું અકાળ મૃત્યુ થઈ શકે છે. પુષ્પતા અને માનવતાનું નિર્માણ કચડાઈ જવા માટે નથી થયું.
મોસમનો પહેલો વરસાદ પડે અને માણસને કોઈ ભીનું સ્મરણ ન પજવે એવું બને ખરું? મેઘદૂત મહોત્સવ પછી ધરતીનું હૃદય તરબોળ થાય ત્યારે માણસના હૃદયને પણ તરબોળ થવાની ઝંખના પજવતી રહે છે. ઘાયલ માણસનું હૃદય વાદળના કુળનું હોય છે. પાણીપોચું અને પેટછૂટું વાદળ ક્યાંક વરસી પડે એ જ એનો વાસનામોક્ષ! એક રૂપવતી યુવતીના ચહેરા પર ઓચિંતો સફેદ ડાઘ પ્રગટ થયો. કોઢનો વહેમ પડ્યો અને ટ્રીટમેન્ટ શરૂ થઈ ત્યારે એ સ્ત્રીના પ્રેમમાં ડૂબેલા પ્રિયજને કહ્યુંઃ ‘તારા આખા શરીરે કોઢ ફેલાઈ જાય અને તારા દેહનું આકર્ષણ ઓસરી જાય તોય મારા પ્રેમમાં કોઈ જ ફરક નહિ પડે. હું તને પ્રેમ કરું છું, તારી ચામડીને નહિ. આ બાબતે તું નિશ્ચિંત રહેજે.’ કાળક્રમે પેલો ડાઘ એક નાનું ટપકું બનીને રહી ગયો. વર્ષો વીતી ગયાં અને એ સ્ત્રીએ એના પ્રેમીને દગો દઈને બીજો અફેર શરૂ કર્યો. હૈયાસૂના હોવામાં કેટલી નિરાંત!
વરસાદ તૂટી પડવાની તૈયારીમાં છે. હવામાં ભીનાશનો ભાર વરતાય છે અને હૃદયમાં પ્રતીક્ષાની સુગંધ વરતાય છે. પ્રતીક્ષાનું કુળ પ્રાર્થનાનું છે. વૃક્ષનાં પાંદડાંને બધી ખબર પડી ગઈ છે. પાંદડે પાંદડે અફવા ફેલાઈ ગઈ છે કે ભીનાશનું આકાશી આક્રમણ હવે દૂર નથી. પવનનો મિજાજ બદલાઈ ગયો છે. માણસનો મિજાજ ઝટ નથી બદલાતો. એને કાર્ડિયોગ્રામમાં હૃદયનું શું નિદાન આવ્યું તેની ચિંતા થાય છે, પણ વરસાદ સાથે શું શું આવ્યું તેની ગમ નથી પડતી. પ્રતીક્ષા અને પ્રાપ્તિ નામની બે સખીઓ માણસને પ્રાર્થના એટલે શું તે સમજાવે છે. પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી એ વાણિયાવૃત્તિ છે. જેમ તરસ અને તૃપ્તિનું મિલન થાય, તેમ પ્રતીક્ષા અને પ્રાપ્તિનું મિલન થવું જોઈએ. પ્રતીક્ષા એ જ પ્રાર્થના!
મધ્યરાત્રિએ ટહુકા સંભળાય ત્યારે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનું કાવ્ય ‘મધ્યરાત્રિએ કોયલ’ યાદ આવે છે. ટહુકો દૂરથી વહી આવે ત્યારે મંગલ શબ્દ વહી આવતો હોય એવો ભાવ જન્મે છે. આસપાસ ભીનાશનું સામ્રાજ્ય જામ્યું છે. ‘માલવિકાગ્નિમિત્ર’માં મહાકવિ કાલિદાસ પ્રણયમગ્ન રાજા પાસે કવિતાનું ગાન કરાવે છે. રાજા કહે છેઃ ‘મારો માલવિકા સાથેનો પ્રેમ એટલે પ્રણયવૃક્ષ. માલવિકા વિશે પહેલી વાર સાંભળ્યું એ એનું મૂળ અને એને પહેલી વાર નજરે નિહાળી એ જ અંકુર. એના હાથનો સ્પર્શ થયો ને રોમાંચ થયો એટલે જાણે કળીઓ ફૂટી! હવે આ પ્રેમનું વૃક્ષ મને એના ફળનો આસ્વાદ કરાવે.’ (અનુવાદઃ ડો. ગૌતમ પટેલ) જ્યારે માણસ નિજાનંદના કલાકો પામે ત્યારે એક દિવસમાં ત્રણ દિવસ જેટલું જીવન રેડાતું હોય એવો અનુભવ પામે છે. આયુષ્યને લાંબું કરવાનો એક માર્ગ એ છે કે દિવસને ભર્યોભાદર્યો બનાવીને સાર્થક કરવો. સાર્થક જીવનમાં આયુષ્યની લંબાઈનું નહિ, આનંદનું મહત્ત્વ હોય છે.

લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.