ઈશ્વરનો ઉપકાર

0
1236

ઘણા વખત પહેલાંની વાત છે.
રમેશ અને વિપુલ ગાઢ મિત્રો. સ્કૂલમાં એક જ ક્લાસમાં ભણે; સાથે ભણવા જાય, લેસન કરે અને સાથે જ રમવા જાય. કોઈ તહેવારને દિવસે બન્ને મંદિરમાં પગે લાગવા ગયા. રમેશ કહે, આજે હું ભગવાન પાસે કશું માગીશ. વિપુલ કહે, હું પણ માગીશ.
બન્નેએ શાંતિથી પ્રાર્થના કરી અને પછી ઈશ્વર પાસે મનમાં ને મનમાં કંઈક માગ્યું, રમેશ કહે, વિપુલ, તેં શું માંગ્યું?
અરે ગાંડા, ઈશ્વર પાસે આપણે જે કંઈ માગ્યું હોય તે કોઈને કહેવાતું હશે? એ તો ખાનગી રખાય.
હું તો કોઈ વાત ખાનગી રાખતો જ નથી. મેં જે માગ્યું તે હું તને કહીં જ દઉં છું, બીજાને ભલે કહું કે ન કહું, સાંભળ, મેં શું માગ્યું તેં ખબર છે? મેં તો ભગવાનને કહ્યું કે હું ખૂબ ભણું, સારા માર્ક્સેે પાસ થઉં અને પછી ડોક્ટર બનું. ડોક્ટર બનીને ખૂબ ખૂબ પૈસા કમાઉં અને બંગલો-ગાડી ખરીદું. એ પછી હું પરણું. ખૂબ ખૂબ સુંદર, રૂપાળી, એક્ટ્રેસ જેવી પત્નીની સાથે લગ્ન કરું. અમને બે દીકરા ને એક દીકરી થાય. મોટા દીકરાને હું ડોક્ટર બનાવું અને નાનાને એન્જિનિયર, દીકરીને નૃત્ય-સંગીતની તાલીમ આપું અને દેશભરમાં એના નામના ડંકા વાગે.
પછી?
પછી શું? આટલું આપણી પાસે હોય તો ઘણું, ઘણું પણ વિપુલ, તેં શું માંગ્યું એ તો કહે. આપણે તો ગાઢ મિત્રો છીએ.
હમણાં નહિ, વખત આવે ત્યારે કહીશ.
બન્ને મિત્રોએ શાળાનો અભ્યાસ પૂરો કર્યો અને પછી કોલેજમાં દાખલ થયા. રમેશ હોશિયાર હતો, પણ મેડિકલ લાઇનમાં જવા એના માર્ક્સ ખૂટ્યા એટલે એટલે એણે બી.એસસી. કર્યું. બી.એસસી. થઈને એ એક દવાઓ બનાવતી કંપનીનો રિપ્રેઝેન્ટેટિવ બન્યો. જ્યારે જ્યારે એ ટ્રાવેલિંગ કરતો ત્યારે હંમેશાં ભગાવાનને કોસતો, અરે ઈશ્વર! આ તેં શું કર્યું? ડોક્ટર બનાવવાને બદલે મને તેં દવાની કંપનીનો સેલ્સમેન બનાવી દીધો.
રમેશ થોડું કમાતો થયો એટલે એનાં મા-બાપે એને માટે કન્યા શોધી. કન્યા નામે રૂપા, પણ એ રૂપાળી નહોતી. ઘઉંવર્ણી અને નમણી. એ ડાહી હતી, હોશિયાર હતી અને ઘરરખ્ખુ હતી. એની ન્યાતમાં સૌ એનાં ખૂબ જ વખાણ કરતાં. એક દવાની કંપનીમાં નોકરી કરતા યુવાનને રૂપરૂપના અંબાર જેવી, નમણી નટી જેવી યુવતી થોડી મળવાની?
સૌએ રૂપાનાં વખાણ કર્યાં એટલે એ એને પરણી ગયો. પરણ્યા પછી રૂપાએ ઘર-વ્યવહાર સંભાળી લીધો. એની રસોઈનો સ્વાદ, વ્યવહારકુશળતા અને જીભની મીઠાશ સૌને ભાવી ગયાં. રમેશે ફરી ઈશ્વરને યાદ કર્યા, અરે ભલા ભગવાન, ડોક્ટર ન બનાવ્યો તો કંઈ નઇહ, પણ રૂપાળી પત્ની તો દેવી હતી કે જેથી બધા મારી અદેખાઈ કરે.
રમેશ-રૂપાના લગ્નજીવનમાં ત્રણ સંતાનો થયાં, બે છોકરાં અને એક છોકરી. રમેશ ખુશ થયો. ચાલો, ભગવાને એક ચ્છિા તો પૂરી કરી. હવે હું મોટા છોકરાને ડોક્ટર બનાવીશ, નાનાને એન્જિનિયર અને પુત્રીને નૃત્ય-સંગીત-વિશારદ.
પણ મોટો છોકરો ભણવામાં નબળો નીવડ્યો. જેમતેમ કરીને એણે કોલેજમાં બે-ત્રણ વર્ષ કાઢી નાખ્યાં અને છેવટે દવાની દુકાન શરૂ કરી. નાનો નાટક-ચેટકમાં અટવાયો અને પછી મોટા ભાઈની સાથે દુકાનમાં ગોઠવાઈ ગયો. બન્ને ભાઈઓએ ધંધાને ખૂબ જ વધાર્યો. સારું એવું કમાયા અને એક મોટો ફ્લેટ ખરીદી લીધો. નાની દીકરી નાનપણથી જ પોલિયોનો ભોગ બની હતી એટલે નૃત્યમાં તો પારંગત ન થઈ શકી, પણ સંગીતમાં એણે નામ કાઢ્યું. અલબત્ત, ઓપરેશન કરાવી એણે પોતાનો પગ સીધો કરી લીધો, પણ નૃત્યનું નામ તો એ ન જ લઈ શકી.
રમેશે ફરી ઈશ્વરને સંભાર્યો, અરેરે ભગવાન! શું ધાર્યું હતું અને શું થઈ ગયું! તું ઘણાની ઇચ્છાઓ પૂરી કરે છે, પણ મારી એકેય ઇચ્છા પૂરી ન કરી? મારો મિત્ર વિપુલ સુખમાં આળોટે છે અને હું? તેં તો મને દુઃખી દુઃખી કરી મૂક્યો.
સતત ઈશ્વરને યાદ કરતો રહેતો, એને અન્યાયી ઠેરવતા રહેતો રમેશ એક રાત્રે ઊંઘમાં હતો ત્યારે એને સ્વપ્નમાં ઈશ્વર દેખાયા.
અરે પ્રભુ, તમે? તમે કેવા નિર્દય છો! મારી જિંદગી ધૂળધાણી કરી નાખી. તમારી પાસે મેં માગ્યું હતું શું અને આપ્યું શું? મારી એકેય ઇચ્છા તમે પૂરી ન કરી.
અને તેં પણ ક્યાં મારી ઇચ્છા પૂરી કરી છે? ઈશ્વરે હસતાં હસતાં કહ્યું.
તમે? તમારી વળી મારી પાસેથી શું ઇચ્છાપૂર્તિ હોઈ શકે?
કેમ? તું માનવ નથી? તને માનવજન્મ નથી મળ્યો? મેં તો તને ઘણું ઘણું આપ્યું છે.
માફ કરજો, પ્રભુ, પણ તમે મને કશું આપ્યું નથી.
તું સારું એવું નથી ભણી શક્યો? તારી જેમ કેટલા માણસો કેળવણી પામી શક્યા છે? જે કેળવણી દ્વારા તમે આજીવિકાનું સાધન ઊભું કરી શકો એ સાચી કેળવણી. ડોક્ટરી વિદ્યા દ્વારા તું કમાઈ શક્યો હોત, પણ આજે દવાની એક કંપનીના રિજિઓનલ મેનેજર તરીકે કમાય છે ને! તને ડાહી, ઘરરખ્ખુ, આદર્શ પત્ની આપી એ ઓછું છે? તારા પુત્રો કમાતા નથી? તું જે ફ્લેટમાં રહે છે તે તારા પુત્રોની કમાણીમાંથી જ ઊભો થયો છે ને! તારી પુત્રીએ સંગીતમાં નામ કાઢ્યું છે, રામ રસિયા કલાકાર જોડે પરણી છે મેં તને આ જિંદગીમાં કેટલું બધું સુખ આપ્યું છે!
પણ મારી ઇચ્છા મુજબ તો નહિ ને?
વધુ પડતી અપેક્ષા જિંદગીને ખારી બનાવે છે. અપેક્ષાના ઘોડાઓને લગામ હોતી નથી, તારી વધુ પડતી અપેક્ષાએ તને દુઃખી બનાવ્યો છે. અપેક્ષાઓ પૂરી ન થાય ત્યારે નિરાશા થાય. તું તારી જાતે જ, આટલા સુખ વચ્ચે દુઃખી છે. હવે તું તારા મિત્રને પૂછી જો કે એણે શું માગ્યું હતું!
એણે શું માગ્યું હતું, પ્રભુ?
એણે મારી પાસેથી એવું માગ્યું હતું કે…
પવનના એક જોરદાર ઝપાટાથી બારી અથડાઈ અને એના અવાજથી રમેશ જાગી ગયો, પેલો પ્રશ્ન તો અધૂરો રહી ગયો!
બીજે દિવસે એ વિપુલ પાસે ગયો અને કહ્યું, વિપુલ, આટલાં વર્ષો પછી હવે તો તું મને કહે કે એ દિવસે મંદિરમાં તેં પ્રભુ પાસેથી શું માગ્યું હતું?
વિપુલ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો,
મેં તો પ્રભુ પાસેથી કશું નહોતું માગ્યું. મેં એટલી જ પ્રાર્થના કરેલી કે તું જે કંઈ મને આપશે તેને આશીર્વાદ સમાન ગણીને અપનાવી લઈશ.
પણ ઈશ્વરે તને ઘણું ઘણું સુખ આપ્યું છે.
એ તું માને છે. જોકે હુંય એમ જ માનું છું. ઈશ્વરે મને કંઈ તારા કરતાં વધારે સંપત્તિ આપી નથી. હું સારા પગારે નોકરી કરું છું. છોકરાંઓ એની મેળે પગભર થઈ ગયા છે. એક નાનકડું ઘર છે. તારા ફ્લેટ જેવો મોટો ફ્લેટ તો નહિ, પણ સૌ સાથે હળીમળીને રહી શકીએ એવડો મારો ફ્લેટ નાનો છે, પણ અમારાં કોઈનાં દિલ નાનાં નથી, સૌ સંપીને રહીએ છીએ અને ખાધેપીધે સુખી છીએ. આથી વધુ સુખની અપેક્ષા કઈ હોઈ શકે?
રમેશ હવે સુખી છે. એ ઈશ્વરને કોસતો નથી, એને આ જિંદગીમાંથી જે પ્રાપ્ત થયું છે એને એ હવે ઈશ્વરનો ઉપકાર ગણે છે, કારણ કે સુખની વ્યાખ્યા બાંધી શકાતી નથી. જે મળ્યું તેનાથી રાજી રહે તે સુખી અને ન રહે તે દુઃખી.

લેખક સાહિત્યકાર છે.