ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ થાય તો ગલ્ફમાં રહેતા ભારતીયોને અસર

નવી દિલ્હીઃ ઇરાન-અમેરિકા વચ્ચે જો યુદ્ધની સ્થિતિ સર્જાય તો એની અસર ભારતને થઈ શકે છે. ગલ્ફના વિવિધ દેશોમાં અંદાજે એક કરોડ ભારતીયો રહે છે. એમાંથી મોટા ભાગના ત્યાં મજૂરીકામ માટે ગયેલા કામદારો છે. તેમના ભારતસ્થિત પરિવારો ચિંતિત બન્યા છે, કેમ કે યુદ્ધની સ્થિતિ વધારે ગંભીર થાય તો ગલ્ફના તમામ દેશોને એક યા બીજી રીતે અસર થાય જ. એ સંજોગોમાં એ વિસ્તારમાં રહેતા તમામ નાગરિકો પર જોખમ આવી પડે.
સ્થિતિ વધારે ગંભીર બન્યા પછી અમેરિકા-બ્રિટન જેવા દેશોએ પોતાના નાગરિકોને ત્યાંથી હટાવી લીધા છે અથવા હટવાની સૂચના આપી દીધી છે. ભારતે પણ બુધવારે એ પ્રકારની સૂચના આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ત્યાં રહેનારા ભારતીયો સાવધાન રહે. અહીંથી કોઈને ઈરાન-ઇરાક જવું હોય તો સમજી-વિચારીને જ જાય. અનિવાર્ય ન હોય તો ઈરાનનો પ્રવાસ ટાળવો. ઈરાનમાં અંદાજે એક હજાર જેટલા ભારતીય નાગરિકો રહે છે. સાઉદી, કુવૈત, યુએઇ, ઓમાન વગેરે દેશોમાં ભારતીયો મોટી સંખ્યામાં રહે છે. ૧૯૯૦માં થયેલા ખાડીયુદ્ધ વખતે અંદાજે પોણાબે લાખ ભારતીયોને હવાઈ અને સમુદ્રી જહાજો દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા. ત્યાર પછી પણ યમન સહિતના દેશોમાં જ્યારે છમકલાં થયાં ત્યારે ભારતીયોને ત્યાંથી રવાના થવું પડ્યું હતું. ભારતના નાગરિકો ઉપરાંત ભારત આવનારા પેટ્રોલિયમને પણ અસર થશે, કેમ કે ઈરાન પાસેથી પેટ્રોલિયમ ખરીદનારો ભારત બીજો મોટો દેશ છે.