ઈરાકમાં રેતીના તોફાનના કારણે હજારો લોકો હોસ્પિટલમાં દાખલઃ શાળા-કોલેજ-ઓફિસ બંધ

 

બગદાદઃ ઇરાકમાં ફાટી નીકળેલા રેતીના વાવાઝોડાએ ઇરાકમાં હાહાકાર મચાવ્યો છે. તેની અસરને કારણે ૪૦૦૦થી વધુ લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં છે. રેતીના વાવાઝોડાએ ઇરાકને થંભાવી દીધું હતું. દેશભરમાં એરપોર્ટ, શાળાઓ અને ઓફિસો બંધ કરી દેવામાં આવી હતી. મીડિયા રિપોટર્સ અનુસાર, એપ્રિલથી ઇરાકમાં ત્રાટકેલું આ આઠમું તોફાન છે. આ મહિનાની શરૂઆતમાં પણ, એક વ્યકિતનું મોત થયું હતું. અને ૫૦૦૦ અન્ય લોકોને આ મહિનાની શરૂઆતમાં રેતીના તોફાનમાં શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હતા. આ રેતીનું તોફાન એટલું જોરદાર હતું કે રાજધાની બગદાદને ધૂળના ગાઢ વાદળોએ નારંગી રંગની ચમકથી ઢાંકી દીધી હતી. દક્ષિણ ઇરાકમાં શિયા પ્રભુત્વ ધરાવતા નજફ અને ઉત્તરીય કુર્દિશ સ્વાયત ક્ષેત્રમાં સુલેમાનિયા સહિત અન્ય ઘણા શહેરોમાં તેની અસર જોવા મળી હતી. રેતી ઇમારતો, કાર અને મકાનોની છતમાં પ્રવેશી હતી. સત્તાવાળાઓએ રાજધાની બગદાદ સહિત ઇરાકના ૧૮ પ્રાંતોમાં ૭ સરકારી કચેરીઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. હોસ્પિટલો ખુલ્લી રાખવામાં આવી હતી. જેથી વૃદ્ઘો અને અસ્થમા અને હૃદય રોગથી પીડિત લોકોની સારવાર થઇ શકે. ઇરાકના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવકતા સૈફ અલ-બદ્રના જણાવ્યા અનુસાર ૪૦૦૦ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણાને આઇસીયુમાં રાખવામાં આવ્યા છે.