
આંતરરાષ્ટ્રીય પેપ્સિકો કંપનીના ચેરમેન અને સીઈઓ ઈન્દ્રા નૂયીની ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના પહેલા મહિલા ડિરેકટર તરીકે વરણી કરવામાં આવી છે. તેઓ જૂન, 2018થી બે વર્ષ માટે બોર્ડ સાથે જોડાશે. જોકે ડિરેકટર તરીકે તેમની નિમણુક કરવા માટે આઈસીસીએ પોતાના કેટલાક નિયમોમાં ફેર- બદલાવ કરવો પડ્યો છે.
પોતાની નિમણુક અંગે પ્રતિભાવ વ્યકત કરતા ઈન્દ્રા નૂયીએ જણાવ્યું હતું કે, આ નવી કામગીરી બાબત હું ખૂબ જ ઉત્સાહિત છું. બોર્ડ, આઈસીસી અને ક્રિકેટરો સાથે સંકળાઈને કામ કરવાનું મને ગમશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું ક્રિકેટની રમતને ખૂબ જ ચાહું છું. હું કોલેજના દિવસોમાં ક્રિકેટ રમતી હતી.
આઈસીસીના અધ્યક્ષ શ્રી શશાંક મનોહરે કહ્યું હતુંકે, એક વધુ સ્વતંત્ર ડિરેકટર અને તે પણ એક પ્રતિભાસંપન્ન મહિલાની વરણી એ સંચાલનને વધુ અસરકારક અને ગતિશીલ બનાવવા માટેનું મહત્વનું કદમ છે.
ભારત સરકારે 2007ના વર્ષમાં ઈન્દ્રા નૂયીને પદ્મભૂષણના એવોર્ડથી સન્માનિત કર્યા હતા.