ઈન્ડિયન ગુજરાતી કલ્ચરલ એસો. પેરિસનું ઉમદા કાર્યઃ ગુજરાતીઓને મદદ પહોંચાડી

 

બારડોલીઃ ફ્રાન્સના પેરિસ શહેરમાં ઇન્ડિયન ગુજરાતી કલ્ચરલ એસોસિયેશન પેરિસ છેલ્લાં ૩૫ વર્ષથી ચાલે છે. જેમાં ધાર્મિક તહેવારો, રાષ્ટ્રીય, કલ્ચરલ, સ્પોર્ટ્સ, પિકનિક જેવા પ્રોગ્રામો સાથે ધાર્મિક કથાનું પણ આયોજન થાય છે. જેથી ભારતીય અને ગુજરાતી કલ્ચર વિદેશમાં પણ આપણા હમવતનીઓ દ્વારા ભાઈચારો, સંપ, સંગઠન અને સેવાના સંસ્કારો જીવંત રાખ્યા છે. હાલમાં ફ્રાન્સમાં વસતા ભારતીયોને મદદ માટે આપણો ગુજરાતી સમાજ આગળ આવ્યો છે.

કોરોના વાઇરસ કોવિડ-૧૯ની મહામારીને રોકવા માટે ફ્રાન્સ સરકાર દ્વારા લેવામાં આવેલા લોકડાઉન જેવા પગલાંની સખ્તાઈથી પાલન કરતા ઘણા આપણા ગુજરાતી પરિવારો પેરીસમાં મુશ્કેલીમાં મુકાયા હતા. આ ગુજરાતી કુટુંબીજનોને કટોકટીની પરિસ્થિતિમાં અમુક અંશે સહાયરૂપ થવા માટે પેરિસ ફૂડ પેકેટ જેવી પ્રાથમિક જરૂરિયાત વિનામૂલ્યે પહોંચાડવાનું નક્કી કર્યું છે અને તે પ્રમાણે ઇન્ડિયન ગુજરાતી કલ્ચરલ એસોસિયેશન, પેરીસના પ્રમુખ સંજય પારેખ (ચીખલી), ઉપપ્રમુખ હિતેષ ભાવસાર (અનાવલ), સેક્રેટરી બકુલ પટેલ (સીમળગામ), ઉપસેક્રેટરી રજનીકાંત ભાવસાર, ખજાનચી જયેશ ભાવસાર (નવસારી), ઉપખજાનચી મહેન્દ્ર ચૌહાણ (બારડોલી) તેમજ ઉદ્ધવ પારેખ, હિરેન પારેખ, જનક શેઠ, ચેતન ગાંધી, બિમલકુમાર દીગાંવકર બધાના ફોન દ્વારા સંપર્કમાં રહેવાનું કાર્ય કરી રહ્યા છે અને ઓનલાઇન રજિસ્ટ્રેશન પરથી બધી માહિતી મેળવવાનું કાર્ય કરી રહ્યા છે. પિન્ટુ ભાવસારે અંજુ એન્ટરપ્રાઇઝના સતત સંપર્કમાં રહી ફૂડ પેકેટના ઓર્ડરનું કાર્ય સંભાળી લીધું. દિવ્યેશ પટેલ તરફથી ફૂડ પેકેટના વિતરણ માટે વેનની વ્યવસ્થાની સેવા આપી છે. પેરીસથી અહીં ટેલિફોનિક વાતચીતમાં માહિતી આપતા આ સેવાભાવી ટીમના આગેવાનોએ જણાવ્યું કે, આ લોકડાઉનમાં સમસ્ત ભારતીય સ્ટુડન્ટ અને પરિવારની મદદની માગ જોતા ઓનલાઇન રજિસ્ટર થયેલા બધાને જ ફૂડ પેકેટ પહોંચાડવાની સૌ પ્રથમ શરૂઆત કરી દીધી જે હાલમાં પણ ચાલુ છે. આ કાર્યમાં અમારી સાથે બીજી સંસ્થાઓ ઓ.એફ.બી.જે.પી., સોની સમાજ પેરિસ અને ફૂડ પેકેજ માટે અંજુ એન્ટરપ્રાઇઝ એકતા અને ઉદારતા સાથે જોડાઈ છે. એસોસિયેશને ફૂડ પેકેટના વિતરણ દરમિયાન જરૂરતમંદોના આત્મસન્માન જાળવવા માટે ફોટા અને મૂવી ન લેવાનું નક્કી કર્યું જેનું અત્યાર સુધી પાલન કરી રહ્યા છે. આ લોકડાઉનમાં ૪૦૦થી વધુને મદદ પહોંચાડી શક્યા છે.